- તેમુલ શેઠનાને ગુનેગાર ઠરાવીને પાંચ વર્ષની કેદની સજા ફ્ટકારી
- નવરંગપુરા પોલીસે તેમુલ શેઠનાની 27 માર્ચ 2018ના રોજ ધરપકડ કરી હતી
- સેવાના ક્ષેત્રને પણ લાંછન લાગે છેઃ કોર્ટ
અમદાવાદમાં સાત કરોડની છેતરપિંડીના કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં ટ્રસ્ટીઓનો વિશ્વાસ જીતી રૂ. 6.85 કરોડની ઠગાઈ આચરી હતી. તેમાં 27 માર્ચ, 2018માં પોલીસે શેઠનાની ધરપકડ કરી હતી. તથા આરોપીએ ટ્રસ્ટનો ઉપયોગ ગુનો આચરવા માટે કર્યો હતો.
નારણપુરામાં આવેલા ટ્રસ્ટમાં વિશ્વાસ કેળવી બારોબાર કરોડોના વ્યવહાર કર્યા
શહેરના નારણપુરા વિસ્તારમાં આવેલા ટ્રસ્ટમાં વિશ્વાસ કેળવી બારોબાર રૂ.6.85 કરોડના વ્યવહાર કરી ઠગાઇ આચરવાના કેસમાં સીએ તેમુલ શેઠનાને એડિશનલ ચીફ્ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ વી.જી.રાણાએ ગુનેગાર ઠરાવીને પાંચ વર્ષની કેદની સજા ફ્ટકારી છે. કોર્ટે નોંધ્યું હતું કે, આરોપી સીએ અને સિનિયર સિટીઝન છે તેમણે તેમની બુદ્ધિમતાનો ઉપયોગ જનતાના હિતમાં નહીં પરંતુ ગુનો આચરવામાં કર્યો છે, આરોપીએ ટ્રસ્ટનો ઉપયોગ ગુનો આચરવા માટે કર્યો છે. ટ્રસ્ટનો ઉપયોગ સમાજના હિત અને ઉમદા કાર્યનો હોય છે. પરંતુ આરોપીએ તેનો ગેરલાભ લઇ ઠગાઇ આચરી છે. ત્યારે આવા આરોપીને સજા કરવી ન્યાયોચિત જણાય છે.
નવરંગપુરા પોલીસે તેમુલ શેઠનાની 27 માર્ચ 2018ના રોજ ધરપકડ કરી હતી
આ કેસની વિગત એવી છે કે, નવરંગપુરા વિસ્તારમાં રહેતા 55 વર્ષિય શિવાંગીબહેન અમિતભાઇ પંચાલે સીએ તેમુલ બરજોર શેઠના સામે વર્ષ 2017માં ફરિયાદ નોંધાવી હતી. જેમાં એવો આક્ષેપ કર્યો હતો કે, શિવાંગીબહેનના પિતા પન્નાલાલ મોદી અને પારૂલબહેન મોદી એન્વાયમેન્ટ રિસર્ચ એને ડેવલોપમેન્ટ સેન્ટર અમદાવાદ ટ્રસ્ટના ટ્રસ્ટી હતી. 31 માર્ચ 2006ના રોજ પિતા પન્નાલાલ મોદીનું અવસાન થયું હતું. ત્યારબાદ પારૂલબહેન ટ્રસ્ટનો વહીવટ ચલાવી શકે તેમ ન હતા. જેથી તેમુલ બરજોર શેઠનાને ટ્રસ્ટ ચલાવવા માટે આપ્યા હતા. ત્યારે શેઠનાએ પારૂલબહેનને વિશ્વાસમાં લઇ તેમના નામનુ એક એકાઉન્ટ ખોલાવી લીધુ હતુ. જેમાં પારૂલબહેનની જાણ બહાર 6.85 કરોડના વ્યવહાર પારૂલબહેનની ખોટી સહીઓ કરી આવ્યા હતા. આ નાણા આરોપી તેમુલ શેઠના સહિતના લોકોએ ઉપાડી લીધા હતા. આ મામલે નવરંગપુરા પોલીસે તેમુલ શેઠનાની 27 માર્ચ 2018ના રોજ ધરપકડ કરી હતી.
સેવાના ક્ષેત્રને પણ લાંછન લાગે છેઃ કોર્ટ
કોર્ટે ચુકાદામાં એવી ટકોર કરી હતી કે, સમાજ જેને પ્રબુદ્ધ વ્યક્તિ ગણે તેવા વ્યક્તિઓ પણ આર્થિક લાભ માટે પોતાની નીમિત્તા છોડી દઇ વ્યવસાયની ગરીમાને લજવે તેવું કૃત્ય આચરે છે, ટ્રસ્ટમાં પણ સેવાની જગ્યાએ પૈસા કમાવવાનું કૃત્ય આચરવામાં આવે ત્યારે સેવાના ક્ષેત્રને પણ લાંછન લાગે છે.