ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

‘ઓપરેશન અજય’ હેઠળ ઈઝરાયેલથી 212 ભારતીયોને લઈને પ્રથમ ફ્લાઈટ પહોંચી ભારત

  • ભારતીય નાગરિકોને ઈઝરાયેલથી ભારત લાવવા ઓપરેશન અજય શરૂ કરાયું 
  • ભારતીય વિદ્યાર્થીઓએ ‘ઓપરેશન અજય’ માટે સરકારનો માન્યો આભાર
  • ઈઝરાયેલથી પરત ફરેલા ભારતીયોનું કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે કર્યું સ્વાગત 

ઇઝરાયેલ-હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ભારત સરકારના ઓપરેશન અજય હેઠળ પ્રથમ ફ્લાઈટ 212 ભારતીય નાગરિકોને લઈને શુક્રવારે ઈઝરાયેલથી ભારત પહોંચી છે. ઈઝરાયેલથી આવેલા ભારતીય વિદ્યાર્થીઓએ ‘ઓપરેશન અજય’ માટે સરકારનો આભાર માન્યો હતો. કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે દિલ્હી એરપોર્ટ પર ભારતીય નાગરિકોનું સ્વાગત કર્યું છે. ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થયા બાદ ભારત સરકાર દ્વારા ઓપરેશન અજય શરૂ કરવામાં આવ્યું છે, જેની જાણકારી ભારતીય વિદેશ મંત્રી એસ.જયશંકર દ્વારા આપવામાં આવી હતી. આ ઓપરેશન અજય અંતર્ગત ભારતીય નાગરિકોને ઈઝરાયેલથી ભારત લાવવામાં આવી રહ્યા છે.

 

હમાસ સાથેના યુદ્ધ વચ્ચે ઈઝરાયેલના અલગ-અલગ શહેરોમાં ફસાયેલા ભારતીય નાગરિકોને બહાર કાઢવાનું કામ શરૂ થઈ ગયું છે. આ માટે ભારત સરકારે ‘ઓપરેશન અજય’ શરૂ કર્યું છે. આ ઓપરેશન અંતર્ગત ઈઝરાયેલના બેન ગુરિયન એરપોર્ટથી 212 ભારતીયોને લઈને પ્રથમ ફ્લાઈટ દિલ્હી પહોંચી છે. ઈઝરાયેલના સમય અનુસાર ભારતીય નાગરિકોથી ભરેલી આ ફ્લાઈટ બેન ગુરિયન એરપોર્ટ પરથી રાત્રે 9 વાગ્યે ઉડાન ભરી હતી. આ ફ્લાઈટમાં 212 મુસાફરોને લઈને એર ઈન્ડિયાનું વિમાન શુક્રવારે સવારે લગભગ 6 વાગ્યે (ભારતીય સમય મુજબ) દિલ્હી પહોંચ્યું છે.

 

સ્વદેશ પરત ફરેલા ભારતીયોએ શું કહ્યું?
ઓપરેશન અજય હેઠળ ઇઝરાયેલથી ભારત લાવવામાં આવેલા મનોજ કુમારે જણાવ્યું કે, હું ત્યાં પોસ્ટ ડોક્ટરલ ફેલો તરીકે કામ કરતો હતો, મારી પત્ની અને 4 વર્ષની પુત્રી પણ મારી સાથે છે. હું તેલ અવીવમાં ભારતીય દૂતાવાસનો તેમના મહાન સહયોગ માટે આભાર માનું છું. આ સાથે, હું સુરક્ષિત રીતે ભારત આવવા માટે ભારતના વિદેશ મંત્રાલયનો આભાર માનું છું. ઈઝરાયેલની સરકાર પણ દિવસ-રાત કામ કરી રહી છે.

 

ઓપરેશન અજય હેઠળ ઈઝરાયેલથી ભારત આવેલી એક મહિલાએ કહ્યું કે, મારો પુત્ર માત્ર 5 મહિનાનો છે, અમે જે જગ્યાએ હતા તે સુરક્ષિત હતું પરંતુ ભવિષ્યની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને અને અમારા પુત્રના ખાતર અમે ભારત આવવાનું નક્કી કર્યું. પહેલી રાત્રે જ્યારે અમે સૂતા હતા ત્યારે સાયરન વાગ્યું, અમે છેલ્લા 2 વર્ષથી ત્યાં હતા, અમે પહેલા ક્યારેય આવી સ્થિતિ જોઈ ન હતી. અમે આશ્રયસ્થાનમાં ગયા, અમે 2 કલાક આશ્રયસ્થાનમાં રહ્યા. અમે હવે ઘણું સારું અનુભવી રહ્યા છીએ, હું ભારત સરકાર અને વડા પ્રધાનનો આભાર માનું છું.

 

કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે ઈઝરાયેલથી પરત ફરી રહેલા ભારતીયોનું કર્યું સ્વાગત

 

ઈઝરાયેલથી 212 ભારતીય નાગરિકોને લઈને પહેલી ફ્લાઈટ દિલ્હી પહોંચી ત્યારે મુસાફરોનું કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે સ્વાગત કર્યું હતું. તેમણે કહ્યું કે, અમારી સરકાર કોઈ પણ ભારતીયને ક્યારેય પાછળ નહીં છોડે. અમારી સરકાર અને વડાપ્રધાન તેમની સુરક્ષા માટે અને તેમને સુરક્ષિત રીતે ઘરે પરત લાવવા માટે પ્રતિબદ્ધ છે. અમે વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર, વિદેશ મંત્રાલયની ટીમ અને એર ઈન્ડિયાની આ ફ્લાઈટના ક્રૂના આભારી છીએ જેમણે આ શક્ય બનાવ્યું, અમારા બાળકોને સુરક્ષિત અને સ્વસ્થ ઘરે પાછા લાવ્યા અને તેમના પ્રિયજનો પાસે પાછા લાવ્યા.

 

વિદેશ મંત્રીએ ઓપરેશન વિશે આપી હતી માહિતી

વિદેશ મંત્રી એસ. જયશંકરે ઓપેરેશન અજય વિશે માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે, અમે ઈઝરાયેલથી ભારત આવવા ઈચ્છતા લોકો માટે ઓપરેશન અજય શરૂ કરી રહ્યા છીએ. વિશેષ ચાર્ટર ફ્લાઈટ્સ અને અન્ય વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અમે વિદેશમાં રહેતા અમારા નાગરિકોની સલામતી અને સુખાકારી માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ.

 

આ પણ જાણો :વિદેશમંત્રી જયશંકરની સુરક્ષામાં વધારો, Z સિક્યુરિટી મળશે

 

Back to top button