અમદાવાદના બોપલમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાઈ ‘અમૃત કળશ યાત્રા’
અમદાવાદના બોપલ વિસ્તારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમૃત કળશ યાત્રામાં જોડાયા હતા. માટીને નમન, વીરોને વંદનના ઉદ્દેશ સાથે વકીલ સાહેબ બ્રિજથી શરૂ થયેલી અમૃત કળશ યાત્રા બોપલની ઈન્ડિયા કોલોનીમાં આવી પહોંચી હતી. જ્યાં સોસાયટીના હોદ્દેદારોએ મુખ્યમંત્રીનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. જ્યાં મુખ્યમંત્રીએ ઘરે-ઘરે જઈને કળશમાં માટી લીધી હતી. ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીના આઝાદીના અમૃત મહોત્સવે જન્મભૂમિ અને અમર બલિદાનીઓના સમ્માનમાં “માટીને નમન- વીરોને વંદન” નામનું દેશવ્યાપી અભિયાન શરૂ કરાવ્યું હતું.
જેને પગલે સાઉથ બોપલ વિસ્તારની વિવિધ સોસાયટીઓ ચેરમેન તથા અન્ય હોદ્દેદારોએ પોતાના વિસ્તારના ધારાસભ્ય અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને માટી ભરેલા કલાત્મક કળશ અર્પણ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે દેશના વિવિધ વિભાગોમાંથી આવેલી આ માટી દિલ્હી સ્થિત “અમૃત વાટિકા”માં પધરાવવામાં આવશે. સાથોસાથ આજના કાર્યક્રમમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં હાજર સૌ નાગરિકોએ વડાપ્રધાન મોદી દ્વારા સૂચિત “પંચ પ્રણ” લીધા હતા.
આજના સમારોહમાં અમદાવાદ શહેરના ધારાસભ્ય અમિત શાહ, દિનેશસિંહ કુશવાહ, જીતુ પટેલ, અમદાવાદ શહેરના મેયર પ્રતિભા જૈન, ડે.મેયર જતીન પટેલ, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી, મહાનગરપાલિકાના શાસક પક્ષના નેતા ગૌરાંગ પ્રજાપતિ, મહાનગરપાલિકાના શાસક પક્ષના દંડક શીતલ ડાગા સહિતના આગેવાનો અને સ્થાનિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા.
આ પણ વાંચો: CM ભૂપેન્દ્ર પટેલે સીએમ રીલીફ ફંડ માટે ઓનલાઈન પોર્ટલ કર્યું લૉન્ચ