ગુજરાત

વાયબ્રન્ટ ગુજરાતના વાયબ્રન્ટ મંત્રી કુબેરભાઈ ડિંડોર, શિક્ષણ ક્ષેત્રે કેવી રીતે લાવી રહ્યા છે પરિવર્તન?

  • લેખક : ડૉ. કનૈયાલાલ ભટ્ટ

ઈશ્વર ઘણી વખત ઘણી વ્યક્તિઓને લોકસેવા-જનસેવાના કાર્યો કરવાનું સદભાગ્ય આપતો હોય છે. કેમ કે ઈશ્વરને એ વ્યક્તિ ઉપર પૂર્ણ શ્રદ્ધા હોય છે કે મારો ઉદ્દેશ આ વ્યક્તિ જ પરિપૂર્ણ કરશે. ઈશ્વર ક્યારેય સદેહે લોકોની મદદ કરવા પૃથ્વી ઉપર નથી અવતરતો પણ કોઈ વ્યક્તિને આપણા કે પ્રજાના જીવનમાં મોકલીને આપણા કે પ્રજાના જીવનનું પરિવર્તન જરૂર કરી દે છે. અને આખા સમાજ કે રાષ્ટ્રના પરિવર્તન માટે તો ખાસ વિશેષ પ્રકારના વ્યક્તિની જરૂર પડે છે. જેનામાં અનેક ઉદાત ગુણો હોય જનકલ્યાણ માટે ધબકતુ હૃદય હોય. એવી વ્યક્તિઓને ઈશ્વર હંમેશા લોકસેવા કરવાની તક આપતો હોય છે. આવી જ તક રાજ્યના શિક્ષણમંત્રી તરીકેનો હાલમાં પદભાર સંભાળતા ડો.કુબેરભાઈ ડીંડોરને મળ્યો છે. ત્યારે તેઓ પણ પુરા ખંતથી પોતાની આ જવાબદારી વહન કરી રહ્યા છે.

ડો.કુબેરભાઈ ડીંડોરનો પરિચય

મહીસાગર જિલ્લાના સંતરામપુર વિધાનસભા બેઠક (123)ના લોકપ્રિય લોક પ્રતિનિધિ તરીકે આ વિસ્તારમાંથી સતત બીજી વખત જેઓ લોકપસંદગી બન્યા છે, ચૂંટાયા છે, એવા પ્રોફેસર ડૉ. કુબેરભાઇ ડિંડૉરનો જન્મ તા. પહેલી જુન ૧૯૭૦ ના રોજ આ વિસ્તારના એક સાવ નાના એવા ગામ ભંડારામાં ગરીબ માતાપિતાને ઘેર થયેલો હતો. પિતા સાવ સામાન્ય ખેડૂત આદિવાસી પરિવાર, ખેતીવાડી અને મજુરી કરીને ગુજરાન ચલાવતા. સંતાનોને સંસ્કારિત કરીને શિક્ષિત કરવા એ આદિવાસી પરિવાર અને વિસ્તાર માટે કદાચ અશક્ય હતું, જેને એમના પિતાજીએ શક્ય કરી બતાવ્યું.

એબીવીપીના કાર્યકર તરીકે રાજકારણની શરૂઆત

રાજનીતિમાં ડૉ.કુબેરભાઈનો પ્રવેશ પણ સાહજિક રીતે થયેલો. એક યુવા કાર્યકર તરીકે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં જોડાઈને આદિવાસી વિસ્તારોમાં સતત સક્રિય રહીને પ્રજાલક્ષી કાર્યો કરીને લોકપ્રિયતા તો મેળવેલી વળી આ વિસ્તારની પ્રજા સાથે રહીને, એમના નાના મોટા પ્રશ્નોમાં અંગત રસ લઈને, સંઘર્ષ કરીને પ્રજાના કામો પણ કરેલા, અને સાથે સાથે પોતાની પારિવારિક સ્થિતિ સામે પણ ટકી રહીને, પર્વતો ચડી ઊતરીને પ્રાથમિક શિક્ષણ મેળવેલું. આજુબાજુના ગામોની આશ્રમશાળાઓમાં સરકારી યોજનાઓનો લાભ લઈને માધ્યમિક શિક્ષણ લેવું અને ઘરની આર્થિક સ્થિતિ સારી ના હોવાથી પિતાની સાથે રજાના દિવસોમાં મજુરી કામે પણ જઈને પિતાને, પરિવારને આર્થિક ટેકો આપીને પોતાનુ કૉલેજનું ઉચ્ચ શિક્ષણ પણ પૂરું કરીને આજના તમામ યુવાનોને શ્રમ, સાહસ અને શિક્ષણના મૂલ્યને ચરિતાર્થ કરી બતાવે છે કે જો સચ્ચાઈથી પરિવારની સ્થિતિ સમજીને પિતાની સાથે પરિશ્રમ કરીને, મન લગાવીને પોતાનામાં સંપૂર્ણ વિશ્વાસ રાખીને અભ્યાસ કરવામાં આવે તો એક દિવસ ભાગ્યએ પણ બદલાવું પડે છે.

પીએચડી પૂર્ણ કરીને અધ્યાપક બન્યા

જિંદગીમાં સફળ થવા માટે સગવડ અને સમૃદ્ધિ કરતા શ્રમ. સપના અને સાહસ જરૂરી છે. અને એ રીતે જ તેઓ છેક પીએચ.ડી સુધીનો અભ્યાસ કરીને તલોદ કૉલેજમાં હિંદી વિષયના અધ્યાપક પણ બને છે. મને પણ તલોદ કૉલેજમાં થોડા વર્ષો પી.જી.ના લેકચર્સ લેવા જતા પરિચય અને મિત્રતાને કારણે ડૉ. કુબેરભાઈને નજીકથી ઓળખવાનો અવસર મળ્યો છે. આજકાલ મોટાભાગના લોકો બે મહોરા લઈને જીવતા જોવા મળે છે. બીજા ચહેરા ઉપર પણ બીજા અનેક મહોરાઓ પહેરીને ખેલ ખેલતા જોવા મળે છે, જ્યારે ડૉ. કુબેરભાઈ ડિંડોર એકદમ સરળ, સહજ, સાહજિક અને શુદ્ધ ગ્રામ સંસ્કાર લઈને અધ્યાપક બનેલા અને હવે કેબિનેટ મંત્રી તરીકે આખા ગુજરાતના પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ તથા આદિજાતિ વિકાસ જેવા મહત્વના ખાતાઓને પોતાની સેવાઓ આપી રહ્યા છે.

મોડેસુધી ઓફિસમાં કામ કરે તો પણ એજ ઉર્જા

વળી એમની કાર્યશક્તિ એટલી ઊર્જાવાન છે કે રોજ સવારે 11 વાગ્યે ઓફિસે આવીને સાંજના સાત કે આઠ કે કદી નવ દસ પણ વાગી જાય અને પ્રજાએ આપેલા પ્રશ્નોનો ખુબ જ બારિકાઈથી અભ્યાસ કરીને એના ઉકેલ માટે સૂચનો આપી દે છે. અને રાતે ઘેર ગયા પછી પણ એટલા જ ઉર્જાવાન અને માનસિક રીતે સ્વસ્થ હોય છે, મેં ઘણીવખત રાતની એમના ઘરની મુલાકાતોમાં પૂછ્યું છે કે “ઑફિસમાં દિવસભર અનેક ફાઈલો જોવાની, અનેક લોકોને મળવાનું, અધિકારીઓને, કાર્યકર્તાઓને, મુલાકાતીઓને મળીને સૌના પ્રશ્નો ધ્યાનથી સાંભળવાના, સમજવાના અને રાતે ઘેર આવીને પણ રાતના એક બે વાગ્યા સુધી કામ કરો છો, તમે આટલીબધી ઊર્જાશક્તિ કયાંથી લાવો છો ?” તો તેઓ હસીને તરત કહે, “ કનૈયાલાલ, હું તો બસ નિમિત્ત છું, ઈશ્વરે જે કામ સોંપ્યું છે તે કરું છું, માનનીય વડાપ્રધાનશ્રી નરેંદ્ર મોદીજી જો પ્રજા માટે 18/20 કલાક કામ કરી શકતા હોય તો અમારે પણ કરવું જોઈએ ને ? બસ, અમે તો મોદીજીને અનુસરીયે છીએ. અને કામમાં મન પરોવવાથી કામનો ભાર પણ લાગતો નથી.

આગવી કાર્યપદ્ધતિના કેટલાક ઉત્કૃષ્ટ ઉદાહરણ

ડૉ.કુબેરભાઈ ડિંડોર કેબિનેટ મંત્રી બન્યા પછી એમણે કેટલાંક મહત્વના નિર્ણયો લઈને પોતાની સૂઝ અને કાર્યપદ્ધતિનો પણ ખ્યાલ આપી દીધો છે. જેમાં HTATના મુખ્ય શિક્ષકને મૂળ શાળામાં મૂકવા બાબતના નિર્ણયથી લગભગ બે હજાર શિક્ષકોને આનો લાભ મળેલ છે. તો વળી આ વખતે ધો. 10 અને 12નું પરિણામ માનનીય મુખ્યમંત્રીશ્રી અને માન શિક્ષણમંત્રીશ્રીના શુભેચ્છા સંદેશ સાથે વૉટસએપ પર શરુ થતા 4.70 લાખ બાળકોએ આ સેવાનો લાભ માત્ર બે જ મહિનામાં લીધો છે. તો વળી 2600 પ્રાથમિક શિક્ષકોની ભરતી પ્રક્રિયા પુરી થઈ ગઈ છે અને 1520 HMAT માધ્યમિક શાળાના આચાર્યોની ભરતી પણ પૂર્ણ થઈ ગઈ છે. નવી શિક્ષણ નીતિ અન્વયે બાળકોનો શાળા પ્રવેશ છ વર્ષનો થતા પાંચથી છ વર્ષનું એક વર્ષ “બાલવાટિકા તરીકે શરુ કરીને આમાં પાંચ વર્ષના બાળકોને બિલકુલ મફત શિક્ષણ આપવાનું ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શરું કરાયું છે.

પ્રાથમિક શિક્ષકોની બદલીના કેમ્પનું નિરાકરણ લાવ્યા

ડૉ.કુબેરભાઈએ સૌથી મહત્વનું કામ લાંબા સમયથી પડતર પ્રાથમિક શિક્ષકોની બદલીના કેમ્પનું નિરાકરણ કરીને હાલ બદલીના કેમ્પો ચાલી રહ્યા છે. જેમાં 30000 શિક્ષકોને પારદર્શક રીતે આ બદલી કેમ્પનો લાભ મળ્યો છે. વિશેષમાં આ વર્ષે પહેલી વાર વેકેશન બાદ શાળાઓ ખૂલે એ પહેલા ધોરણ એક થી બાર સુધીના બધા જ વર્ગના સાતેક કરોડ પુસ્તકો ગુજરાતની તમામ શાળાઓમાં વિનામૂલ્યે પહોંચી ગયા છે. અને સમયસર અભ્યાસ શરુ થયો છે. જ્યારે બાલવાટિકા” માં 12.45 લાખ પુસ્તકો વિનામૂલ્યે પહોંચાડવામાં આવ્યા છે. તો વળી ગુજરાતી માધ્યમના બાળકો માટે ધો.6 થી 12ના ગણિત-વિજ્ઞાન વિષયોના પાઠ્યપુસ્તકો દ્વિભાષી બનાવવામાં આવ્યા છે. જેમાં ગુજરાતી – અંગ્રેજી ભાષાનો પ્રયોગ અને પારિભાષિક શબ્દોનો વિનિયોગ કરવામાં આવ્યો છે. જેથી શિક્ષકો અને વિદ્યાર્થીઓને અભ્યાસમાં સરળતા રહે. જ્યારે માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પહેલી એપ્રિલથી અભ્યાસસત્ર શરૂ કરવાના નિર્ણયને સ્થગિત કરીને એક જૂનથી શૈક્ષણિક મંત્ર શરું કરવાના નિર્ણયથી લાખો વિદ્યાર્થીઓને વેકેશનની મસ્તી કરવાની અને વાર્તાઓ સાથે બહાર કરવાની મજા માણવા દીધી છે.

પોતાના વિસ્તારમાં પ્રજાલક્ષી કાર્યો કર્યા

ડૉ. કુબેરભાઈ ડિંડોરની આ બીજી ટર્મ છે. અગાઉની પ્રથમ ટર્મમાં પોણા ચાર વર્ષ ધારાસભ્ય તરીકે અને સવા વર્ષ રાજ્યકક્ષાના મંત્રી તરીકેના આ પાંચ વર્ષ (2017 – 2022) માં પણ એમણે પોતાના વિસ્તારમાં પ્રજાલક્ષી અનેક કાર્યો કર્યાં છે. જેને કારણે પૂજાએ ફરીથી એમને લોકસેવા કરવાની તક આપી છે. અગાઉના પાંચ વર્ષમાં ડૉ. કુબેરભાઈએ પંચાયત, માર્ગ અને મકાન વિભાગ દ્વારા સંતરામપુર તાલુકાના યિતવા, ખરેલી, સુરપુર, ફૂલપરી, કુડા હનુમાન, મોટી ક્યાર, મોટી સરસણ, મોવાસા જીવાલિયા, સીમલીયા, સગવાડિયા, બટકવાડા, નરસિંગપુર, શણબાર, બામણિયા, ભમરી કુંડા, દોટાવાડા, તલાદરા, ભંડારા, રાયડુંગરી, કોસંબા, ગોઠીંબડા, ભોટવા, હીરાપુર, મોટા શરણાયા ડુંગરાલીત, ભાણાસીમલ, નાની ભગેડી, માલણપુર, કલમઘાર્ટી, મોલારા, બાબરોલ, ડાહ્યાપુર, કણઝરા, સવઢવ, તળાયા ફળિયા, કસલપુર, ગડા શરીવગેરે અનેક ગામડાઓમાં તથા કડાણા તાલુકાના જોગણ બેડી, કેળામૂળ, જાગુના મુવાડા, ડીટવાસ, લુહારના મુવાડા, મોટા પડાદરા, રાયણ, પછેર, નિનકા, ડામોર ફળિયા, રેલવા ગામ, કેળામુખ, સાદવડા, રણકપુર, ઝાલાસાગ, તાંતરોલી, જામુનાળા, માલવણ શિયાલ, ડોડીયા ચામટા, દધાલીયા, માકોડી, આંકલિયા, મછારના વાંટા, ખુચાવાડા, વેલણવાડા, સાદવાઝીઝવા, મોટી રાઇ, મહાપુર સામતવાડા, બચકરીયા કેસરપુર, ગોલણપુર, મુનપુર, લીંભોલા જેવા અનેક ગામડાઓમાં પાકા ડામર રોડ બનાવ્યા, રીસર ફેસીંગ ડામર રોડ બનાવ્યા તથા નવા પુલ અને ડીપના કાર્યો કર્યા.

આરોગ્ય વિભાગ દ્વારા કડાણા તાલુકાના ડીટવાસ, કદાના ચુંથાના મુવાડા, માલવણ, સરસવા, ક્રેટા, સંઘરી, રાયણીઆ, દધાલિયા, ભેમાંની વાવો, ધૃણિયા, બુચાવાડા ગામો તથા સંતરામપુર તાલુકાના ગોઠીબ, ચિતવા, ઉખરેલી, ઉબેર, ઝાલદડા, નાની રેલ, પાર્ટી, ઘેરા, મોટી સરસણ, ભાણાસીમલ, ખરેલા, નાનાં ઘર, જૂના કાળીબેલ વગેરે આરોગા કેમેના અધૂરા કામો પૂર્ણ કર્યાં. પાણી પુરવઠા વિભાગ દ્વરા આ વિસ્તારમાં ઉક્ત યોજના તથા નળ સે જળ યોજના થકી 140 જેટલા ગામ, ફળિયાને સામાન્વિત કરીને પાણીની સમસ્યાઓ દૂર કરી છે. તાલુકાની એકવીસ જેટલી શાળાઓના શેડોના સમારકામ કરાવ્યા છે. 5 જેટલા ગામેમાં વીજળીના કામો, 42 જેટલા ગામોમાં પાક અને કૃષિના કાર્યો કરાવ્યા છે.

હવે આગામી સમયમાં વિસ્તારમાં આર.સી.સી રોડ પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો, નવા બગીચાઓનું નિર્માણ. જુના મંદિરોનો જીર્ણોદ્વાર. નવો ટાઉંનહોલ, સ્મશાનનું આધુનિકીકરણ, ફાયર સ્ટેશન, વેસ્ટ મેનેજ્મેન્ટ પ્લાન, સોલર પ્રોજેક્ટ બિરસામુંડાની પ્રતિમાનું અનાવરણ, નવું સ્પોર્ટ્સ કોમ્પ્લેકસ, નવુ શોપિંગ સેન્ટર, અઘતન એસ.ટી.ડેપો વિસ્તારને મળશે. સરકારી દવાખાનામાં ડાયાલિસીસ સેન્ટર, નવી મેડિકલ કોલેજ, વગેરે કાર્યો કરવાની તેઓની નેમ છે. અને તેઓને વિશ્વાસ છે કે તેઓ આ બધા કાર્યો જરૂર પૂર્ણ કરી બતાવશે.

Back to top button