ડભોડા: ગૌચર જમીનના લીલાબાવળનો સરપંચ પતિએ વેપાર કરી નાખ્યો
- ગાંધીનગર તાલુકાના ડભોડા ગામના સરપંચ પતિએ કોઈ પણની મંજુરી લીધા વિના ગૌચરની જમીનના 23 જેટલા લીલાબાવળ કાપીને વેપાર કરી નાખતાં ગામમાં હોબાળો.
- તલાટી દ્વારા પંચનામા સાથેનો રિપોર્ટ તૈયાર કરી મામલતદારને સોંપાયો.
ગાંધીનગર તાલુકાના ડભોડામાં ગૌચરની જમીનમાંથી ૨૩ જેટલા લીલા ઝાડ કાપી નાખવાની ઘટના સામે આવી છે. આશ્ચર્યની વાત તો એ છે કે મહિલા સરપંચના પતિએ બારોબાર ૨૩ લીલા બાવળ ૨.૫૭ લાખમાં વેચી માર્યા હતા. જેને લઈને ડભોડા ગામના તલાટી દ્વારા પંચનામા સાથે ગાંધીનગર મામલતદારને ફરિયાદ કરી કાર્યવાહી કરવા માટે વિનંતી કરાઈ છે. જેને પગલે સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચે તેવી શક્યતાઓ છે.
ગૌચર જમીનના 23 લીલાબાવળ વેચીમારતાં TDOએ તપાસ હાથ ધરી:
ડભોડા ગામના સર્વે નંબર-૩૬૦૯ વાળી ગૌચરની જમીન આવેલી છે. ગૌચરની જમીન પર રહેલાં ૨૩ લીલાબાવળ સરપંચ પતિ દ્વારા કાપી નાખવામાં આવ્યા હોવાથી મામલો ગાંધીનગર પહોંચ્યો હતો. મંજુરી વગર ગૌચરની જમીનના ઝાડ કપાતાં આ અંગે ફરિયાદો ઉઠતા ડભોડા ગામ પંચાયતના તલાટી દ્વારા તપાસ કરાઈ હતી. જેમાં બંને વેપારીઓની પૂછપરછ કરતાં તેઓએ મહિલા સરપંચ આનંદીબેન પરમારના પતિ ભૂપતસિંહ પરમારનું નામ સામે આવ્યું હતું. જેમાં સરપંચ પતિ ભૂપતસિહે ૨.૫૭ લાખ રુપિયામાં લીલા બાવળ વેચી માર્યા હતા. સરપંચ પતિ દ્વારા બારોબાર લીલાછમ ઝાડ વેચી મારતાં આ અંગે ફરિયાદ મળતા જ TDOએ તલાટીને ઘટના સ્થળે મોકલ્યા હતા.
મળેલી માહિતી મુજબ સરપંચ પતિ ભુપતસિંહ પરમારની આ કરતૂતની ફરિયાદ ગાંધીનગર તાલુકા વિકાસ અધિકારી વિનોદ જોષીને કોઈ જાગૃત નાગરિકે કરી હતી ફરિયાદ મળતાં ટીડીઓ દ્વારા તાત્કાલિક ડભોડા ગ્રામ પંચાયતના તલાટીને દોડાવ્યા હતા. જેમાં ફરિયાદની ખરાઈ માટે સ્થળ તપાસ કરીને સત્યતા જણાય રિપોર્ટ કરવા માટે આદેશ કર્યો હતો. જેને પગલે તલાટી તાત્કાલિક ગૌચરની જમીન ખાતે પહોંચ્યા ત્યાં સુધીમાં ૨૩ જેટલા લીલા બાવળ કાપી નખાયા હતા.
ચાર ટ્રોલી ભરેલા બાવળ જડપ્યા:
TDOના આદેશથી ટલાટી સ્થળની મુલાકાતે પહોંચ્યા હતા. પહોંચ્તાની સાથે જ ચાર ટ્રોલી ભરેલા બાવળના થડ સહિતનો મુદામાલ જિલ્લા પંચાયત ખાતે જમા લઈ લીધો હતો. જે બાદ તલાટી દ્વારા બંને વેપારીઓની પૂછપરછ કરીને ગામના બે રહીશોની હાજરીમાં પંચનામુ કર્યું હતું. પંચનામુ, ઘટના સ્થળનો ફોટો સહિતના સમગ્ર અહેવાલ સાથેની રિપોર્ટ ગાંધીનગર મામલતદારને મોકલી અપાયો હતો. જેમાં સૌરાષ્ટ્ર વૃક્ષ છેદન ધારા અન્વયે યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી કરાઈ છે.
આ પણ વાંચો: વાયબ્રન્ટ ગુજરાતઃ ગુજરાતનાં ગામડાં બન્યાં આત્મનિર્ભર, 20 કરોડ કરતાં વધુ આવક કરી