ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

વિધાનસભા ચૂંટણીઃ પક્ષોએ પોતાની જીતના દાવા સાથે શું કહ્યું?

  • કેન્દ્રીય ચૂંટણી પંચે 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખો કરી જાહેર
  • ચૂંટણીની તારીખો જાહેર થતાં રાજકીય પાર્ટીઓ દ્વારા કરાયો જીતનો પ્રચંડ દાવો

કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા સોમવારે(9 ઓક્ટોબરે) 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. નવેમ્બરમાં સાતમીથી લઈને 30મી સુધીમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, તેલંગાણા, મિઝોરમ, ઝારખંડમાં ચૂંટણી યોજાશે. આ ચૂંટણીની તારીખો થતાં વિવિધ રાજકીય પાર્ટીઓ દ્વારા જીતનો દાવો કરવામાં આવ્યો છે અને પ્રચંડ બહુમતથી જીતવાની ખાતરી આપી છે. આ ચૂંટણીનું પરિણામ તારીખ 3 ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં થશે.

ભાજપ તમામ રાજ્યોમાં બહુમતી સાથે બનાવશે સરકાર : જેપી નડ્ડા

ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ ચૂંટણી પંચ દ્વારા વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાતનું સ્વાગત કર્યું છે અને તેમણે દાવો કરતા કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ તમામ રાજ્યોમાં પ્રચંડ બહુમતી સાથે સરકાર બનાવશે. અમે આવનારા પાંચ વર્ષ સુધી લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરવા દૃઢ નિશ્ચય સાથે કામ કરીશું.

 

પૂરી તાકાતથી ચૂંટણી લડીશું : અરવિંદ કેજરીવાલ

પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે આમ આદમી પાર્ટી (AAP) રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં ચૂંટણી લડી રહી છે. AAPના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દાવો કરતા કહ્યું કે, અમે રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશની ચૂંટણી અમારી પૂરી તાકાત સાથે લડીશું.

 

તેલંગાણામાં લોકો અમારા ઉમેદવારોની કરશે તરફેણ: ઓવૈસી

હૈદરાબાદના સાંસદ અને AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, “રાજસ્થાનમાં, 23 નવેમ્બરે ચૂંટણી યોજાઇ રહી છે. અમે રાજસ્થાનમાં અમારા 3 ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે અને તેલંગાણા માટે પણ ટૂંક સમયમાં જાહેરાત કરીશું. અમારી પાર્ટી ચૂંટણી માટે તૈયાર છે. મને ખાતરી છે કે તેલંગાણામાં લોકો અમારા ઉમેદવારોની તરફેણ કરશે. અમે ખાતરી કરીશું કે, ચૂંટણીની ભાવના સાથે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી થાય. અમે મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી ઇચ્છીએ છીએ “

 

છત્તીસગઢમાં બિનકાર્યક્ષમ સરકારને કારણે વિકાસ નબળો પડ્યો : રમણસિંહ

છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીની જાહેરાત પર, પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રમણસિંહે કહ્યું કે, આ પાંચ વર્ષમાં આ ભ્રષ્ટ અને બિનકાર્યક્ષમ સરકાર પર એટલા આરોપો લાગ્યા છે જેનાથી છત્તીસગઢમાં વિકાસ નબળો પડ્યો છે. ચોક્કસપણે છત્તીસગઢની આ સરકાર પ્રત્યે જનતાના મનમાં નારાજગી છે. જનતા રાહ જોઈ રહી હતી કે, ચૂંટણીની જાહેરાત થાય અને અધિકારીઓને જેલમાંથી મુક્ત કરવામાં આવે, ત્યારબાદ અધિકારીઓ મુક્તપણે કામ કરી શકશે.”

 

વિકાસ-ગરીબ કલ્યાણના મુદ્દે બહુમતીથી ચૂંટણી જીતીશું : વી.ડી. શર્મા

મધ્યપ્રદેશની ચૂંટણીની જાહેરાત પર ભાજપના પ્રદેશ અધ્યક્ષ વી.ડી. શર્માએ કહ્યું કે, “હું ચૂંટણી પંચનો આભાર માનું છું. ભાજપના દરેક કાર્યકર્તા અને સંગઠન ચૂંટણીની તૈયારીઓમાં લાગેલા છે. મને પૂરો વિશ્વાસ છે કે ભાજપની સરકાર બનશે. વિકાસ અને ગરીબ કલ્યાણના મુદ્દે ભાજપના  ઐતિહાસિક યોગદાન બદલ બહુમતીથી ચૂંટણી જીતીશું.”

 

મધ્ય પ્રદેશમાં બીજેપીને બહારનો રસ્તો બતાવવા લોકો બેતાબ : કોંગ્રેસ સાંસદ

5 રાજ્યોમાં ચૂંટણીની જાહેરાત પર કોંગ્રેસના સાંસદ રણદીપ સુરજેવાલાએ કહ્યું, “કોંગ્રેસ વતી, અમે ચૂંટણી પંચ દ્વારા આજે ચૂંટણીની તારીખની જાહેરાતને આવકારીએ છીએ. પાંચ રાજ્યોની ચૂંટણી ભારતમાં એક નવો ઈતિહાસ રચશે. મધ્ય પ્રદેશમાં સ્થિતિ એકદમ સ્પષ્ટ છે, ત્યાંના લોકો સીએમ શિવરાજ સિંહ ચૌહાણ અને બીજેપીને બહારનો રસ્તો બતાવવા બેતાબ છે.”

 

અમે ચૂંટણી લડવા માટે તૈયાર છીએ : રાજસ્થાન કોંગ્રેસ પ્રમુખ

વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવતા રાજસ્થાન કોંગ્રેસના પ્રમુખ ગોવિંદ સિંહ દોતાસરાએ દાવો કરતા જણાવ્યું કે, રાજ્યમાં 23 નવેમ્બરે ચૂંટણી યોજાવા જઈ રહી છે. અમે આ ચૂંટણી માટે તૈયાર છીએ. રાજસ્થાનની જનતાએ નક્કી કર્યું છે કે તેઓ ફરીથી કોંગ્રેસને સત્તા સોંપવા જઈ રહ્યા છે.

 

100% આશા છે કે કોંગ્રેસ ચૂંટણી જીતશે : કોંગ્રેસ મંત્રી

રાજસ્થાન ચૂંટણીની જાહેરાત પર રાજસ્થાન સરકારના મંત્રી પ્રતાપસિંહ ખાચરીયાવાસે કહ્યું કે, “હું લોકોને અપીલ કરું છું કે એક તરફ કોંગ્રેસનું કામ રાખો અને બીજી તરફ કેન્દ્રની સરકાર ભાજપનું કામ રાખો, જો અમારું કામ સારું હોય તો અમારી સાથે આવો. અમે જે કામ કર્યું છે તે લોકોને દેખાઈ રહ્યું છે. અમે દિલથી કામ કર્યું છે તેથી અમને 100% આશા છે કે કોંગ્રેસ ચૂંટણી જીતશે.”

 

આ પણ વાંચો :પાંચ રાજ્યમાં વિધાનસભા ચૂંટણી જાહેર, 7 નવેમ્બરથી મતદાન, 3 ડિસેમ્બરે મતગણતરી

Back to top button