ઇઝરાયેલ- હમાસની જંગમાં મૃત્યુઆંક 1,100ને પાર પહોંચ્યો
- ગાઝામાં 1 લાખ 23 હજાર લોકોને ઘર છોડવા મજબૂર
- અમેરિકાએ ઇઝરાયેલની મદદ માટે હાથ લંબાવ્યો
- યુદ્ધમાં 2,000થી વધુ લોકો ઈજાગ્રસ્ત બન્યા
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે ત્રીજો દિવસ છે. BBCના રિપોર્ટ મુજબ, અત્યાર સુધીમાં 700 ઇઝરાયેલના મૃત્યુ થયા છે, જ્યારે 2100 ઘાયલ છે. બીજી તરફ, ગાઝામાં ઇઝરાયેલના હવાઈ હુમલાને કારણે 413 પેલેસ્ટિનિયન માર્યા ગયા છે અને 2000થી વધુ ઘાયલ થયા છે. આ દરમિયાન યુએનએ કહ્યું- ઈઝરાયેલના હુમલા બાદ ગાઝામાં 1 લાખ 23 હજાર લોકોને ઘર છોડવા મજબૂર બન્યા છે. લગભગ 74 હજાર લોકો શાળાઓમાં આશરો લઈ રહ્યા છે. આ ઉપરાંત, અમેરિકાએ ઈઝરાયેલને સૈન્ય મદદ આપવાની વાત કરી છે. યુએસ ડિફેન્સ સેક્રેટરી લોયડ ઓસ્ટીને કહ્યું- અમારા જહાજો અને ફાઈટર પ્લેન મદદ માટે ઈઝરાયેલ તરફ આગળ વધી રહ્યા છે.
હમાસે ઇઝરાયેલીઓને બંધક બનાવ્યા
હમાસે દાવો કર્યો છે કે તેણે ઈઝરાયેલમાંથી 163 લોકોનું અપહરણ કર્યું છે. તે તેમને ગાઝા પટ્ટીને અડીને આવેલી સુરંગોમાં રાખી રહ્યા છે. હમાસ ઇઝરાયેલી બંધકોને માનવ ઢાલ તરીકે ઉપયોગ કરશે, જેથી જો ઇઝરાયેલ હુમલો કરે, તો તેના પોતાના લોકો માર્યા જાય. બીજી તરફ, ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સનું કહેવું છે કે હમાસે મહિલાઓ અને બાળકો સહિત લગભગ 200 ઈઝરાયેલ લોકોને બંધક બનાવ્યા છે. આ ઉપરાંત, સોશિયલ મીડિયા પર ઘણા ફોટો-વીડિયો વાઇરલ થઈ રહ્યા છે જેમાં હમાસના લોકો ઈઝરાયેલના નાગરિકોને બળજબરીથી વાહનોમાં લઈ જતા જોવા મળે છે.
નેતન્યાહુએ કહ્યું- આ યુદ્ધમાં અમે ચોક્કસ જીતીશું
યુદ્ધની વચ્ચે ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુએ કહ્યું- આ યુદ્ધ લાંબા સમય સુધી ચાલી શકે છે. અમે અમારા સંરક્ષણ દળોની તાકાતનો ઉપયોગ કરીને હમાસનો નાશ કરીશું. ગાઝામાં રહેતા લોકોએ બહાર નીકળવું જોઈએ. તેમણે વધુમાં કહ્યું કે, હમાસ આપણા બધાને ખતમ કરી દેવા માંગે છે. ઘરમાં ઘૂસીને તેઓ માતા-બાળકોને નિશાન બનાવી રહ્યા છે. અગાઉ, 7 ઓક્ટોબરે નેતન્યાહૂએ યુદ્ધની જાહેરાત કરી હતી. કેબિનેટ સાથેની ઈમરજન્સી મીટિંગ બાદ તેમણે કહ્યું હતું – આ યુદ્ઘમાં દુશ્મનોએ ભારે કિંમત ચૂકવવી પડશે.
ઇઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે શા માટે વિવાદ
મધ્ય પૂર્વના આ વિસ્તારમાં ઓછામાં ઓછા 100 વર્ષથી આ સંઘર્ષ ચાલી રહ્યો છે. વેસ્ટ બેન્ક, ગાઝા પટ્ટી અને ગોલાન હાઇટ્સ જેવા વિસ્તારો પર વિવાદ છે. પૂર્વ જેરુસલેમ સહિત આ વિસ્તારો પર પેલેસ્ટાઈન દાવો કરે છે. સાથે જ ઈઝરાયેલ જેરુસલેમ પરનો પોતાનો દાવો છોડવા તૈયાર નથી. ગાઝા પટ્ટી ઇઝરાયેલ અને ઇજિપ્તની વચ્ચે છે. આ જગ્યા હાલ હમાસના નિયંત્રણમાં છે. આ ઈઝરાયેલ વિરોધી જૂથ છે. સપ્ટેમ્બર 2005 માં, ઇઝરાયેલે ગાઝા પટ્ટીમાંથી તેના સૈન્યને પાછું ખેંચી લીધું. 2007માં ઈઝરાયેલે આ વિસ્તાર પર અનેક નિયંત્રણો લાદ્યા હતા. પેલેસ્ટાઈનનું કહેવું છે કે વેસ્ટ બેન્ક અને ગાઝા પટ્ટીમાં સ્વતંત્ર પેલેસ્ટાઈન રાજ્યની સ્થાપના થવી જોઈએ.
આ પણ વાંચો: ઈઝરાયેલ પર હમાસનો હુમલો, ભારત સરકારે નાગરિકો માટે એડવાઈઝરી જારી કરી