ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિત 5 રાજ્યોમાં જામશે વિધાનસભા ચૂંટણીની જંગ

  • દેશના 5 રાજ્યોમાં વાગશે વિધાનસભા ચૂંટણીનું બ્યુગલ
  • કેન્દ્રીય ચૂંટણી પંચ આજે 12 વાગ્યે ચૂંટણીની તારીખો કરશે જાહેર  

દેશમાં આ વર્ષે મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. 2024ની લોકસભા ચૂંટણી પહેલા આ ખૂબ જ મહત્વપૂર્ણ ચૂંટણી માનવામાં આવી રહી છે. ત્યારે કેન્દ્રીય ચૂંટણી પંચ સોમવારે (9 ઓક્ટોબરે) બપોરે 12 વાગ્યે પાંચ રાજ્યોની ચૂંટણીની તારીખો જાહેર કરવા જઈ રહ્યું છે. આ વર્ષે મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પંચ દિલ્હીમાં ઓલ ઈન્ડિયા રેડિયોના રંગ ભવન ઓડિટોરિયમમાં તારીખોની જાહેરાત કરશે. આ દરમિયાન મુખ્ય ચૂંટણી કમિશનર સહિત ચૂંટણી પંચના મહત્વના અધિકારીઓ હાજર રહેવાના છે.

 

અહેવાલો અનુસાર, આ રાજ્યોમાં નવેમ્બરના બીજા અઠવાડિયાથી ડિસેમ્બરના પહેલા સપ્તાહ સુધી અલગ-અલગ તારીખો અને તબક્કામાં મતદાન થવાની શક્યતા રહેલી છે. ગત વખતની જેમ રાજસ્થાન, મધ્યપ્રદેશ, મિઝોરમ અને તેલંગાણામાં એક જ તબક્કામાં ચૂંટણી યોજાય તેવી શક્યતા છે. તે જ સમયે, છત્તીસગઢમાં બે તબક્કામાં મતદાન થઈ શકે છે. જોકે, મતદાનની તારીખ બદલાય તેવી ધારણા છે. પરંતુ તમામ ચૂંટણી રાજ્યોની મતગણતરી એકસાથે કરાવવાનો નિર્ણય લઈ શકાય છે.

રાજસ્થાન વિધાનસભાનો કાર્યકાળ 14 જાન્યુઆરી 2024ના રોજ થશે પૂરો

રાજસ્થાનમાં વિધાનસભાનો કાર્યકાળ 14 જાન્યુઆરી 2024ના રોજ પૂરો થઈ રહ્યો છે. નવેમ્બર 2023માં રાજ્યની 200 બેઠકો પર મતદાન થઈ શકે છે. 2018માં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસે રાજ્યમાં સરકાર બનાવી અને અશોક ગેહલોત મુખ્યમંત્રી બન્યા હતા.

છત્તીસગઢની 90 સીટો પર થશે મતદાન

છત્તીસગઢની 90 બેઠકો પર પણ આ વર્ષના અંતમાં ચૂંટણી યોજાવાની છે. છત્તીસગઢ વિધાનસભાનો કાર્યકાળ 3 જાન્યુઆરી, 2024ના રોજ સમાપ્ત થશે. છેલ્લી વિધાનસભા ચૂંટણી નવેમ્બર 2018માં યોજાઈ હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થયો હતો અને ભૂપેશ બઘેલ રાજ્યના મુખ્યમંત્રી બન્યા હતા.

મિઝોરમની 40 બેઠકો પર મતદાન

મિઝોરમમાં પણ આ વર્ષના અંતમાં 40 સીટો સાથે ચૂંટણી યોજાવાની છે. મિઝોરમ વિધાનસભાનો કાર્યકાળ 17 ડિસેમ્બર 2023ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લી વિધાનસભા ચૂંટણી નવેમ્બર 2018માં યોજાઈ હતી, જેમાં મિઝો નેશનલ ફ્રન્ટ પાર્ટીએ જીત મેળવી હતી અને રાજ્યમાં સરકાર બનાવી હતી. ત્યારબાદ જોરમથાંગા મુખ્યમંત્રી બન્યા હતા.

છેલ્લી વખત મધ્યપ્રદેશમાં કેવું રહ્યું હતું પરિણામ?

મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીની વાત કરીએ તો, આ વર્ષના અંતમાં ચૂંટણી યોજાવાની આશા છે. મધ્યપ્રદેશની તમામ 230 બેઠકો માટેની ચૂંટણી નવેમ્બર 2023માં અથવા તે પહેલાં જાહેર થઈ શકે છે. રાજ્યમાં વિધાનસભાનો કાર્યકાળ 6 જાન્યુઆરી, 2024ના રોજ પૂરો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લી વિધાનસભા ચૂંટણી નવેમ્બર 2018માં યોજાઈ હતી. તે ચૂંટણીમાં કોંગ્રેસે રાજ્યમાં સરકાર બનાવી અને કમલનાથ મુખ્યમંત્રી બન્યા હતા. પરંતુ માર્ચ 2020માં, કોંગ્રેસના 22 ધારાસભ્યોએ વિધાનસભામાંથી રાજીનામું આપ્યું અને જ્યોતિરાદિત્ય સિંધિયા સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. આ પછી રાજ્ય સરકાર પડી ગઈ અને ત્યારબાદ મુખ્યમંત્રી કમલનાથે રાજીનામું આપવું પડ્યું. આ પછી રાજ્યમાં ભાજપે સરકાર બનાવી અને શિવરાજ સિંહ ચૌહાણ મુખ્યમંત્રી બન્યા હતા.

 

આ પણ વાંચો :દિવાળી પછી થઈ શકે છે 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણી, ECનો પ્લાન તૈયાર

Back to top button