ચીફ એસ.સોમનાથનો ખુલાસો: ISRO પર દરરોજ 100થી વધુ સાયબર હુમલાઓ
- ઈસરો પર સાયબર હુમલાનું જોખમ વધ્યું
- ISRO આવા હુમલાઓથી સંપૂર્ણપણે સુરક્ષિત: સોમનાથ
- ઈન્ટરનેશનલ સાઈબર કોન્ફરન્સમાં નિવેદન આપ્યું
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) ના સોફ્ટવેર પર દરરોજ 100થી વધુ સાયબર હુમલાઓ થાય છે. ઈસરોના ચીફ એસ સોમનાથે શનિવારે કેરળના કોચીમાં બે દિવસીય ઈન્ટરનેશનલ સાઈબર કોન્ફરન્સ દરમિયાન આ વાત કહી. સોમનાથે કહ્યું- રોકેટ ટેક્નોલોજીમાં સાયબર હુમલાની શક્યતા ઘણી વધારે છે, કારણ કે તેમાં એડવાન્સ સોફ્ટવેર અને ચિપ્સનો ઉપયોગ કરાયો છે. આ જોખમ ભલે ગમે તેટલું મોટું કેમ ના હોય, ISRO આવા હુમલાઓથી સંપૂર્ણપણે સુરક્ષિત છે. અમારી સિસ્ટમ સાયબર સુરક્ષા નેટવર્કથી સજ્જ છે. તેની સાથે કોઈપણ રીતે છેડછાડ કરી શકાય નહીં.
ઈસરોના વડાએ વધુમાં જણાવ્યું કે સોફ્ટવેર ઉપરાંત, ઈસરો રોકેટની અંદર હાર્ડવેર ચિપ્સની સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરીને વિવિધ પરીક્ષણો સાથે પણ આગળ વધી રહ્યું છે. અનેક ઉપગ્રહો પર દેખરેખ રાખવાની સૉફ્ટવેરની રીતમાં પણ ફેરફાર થયો છે. જે આ સેક્ટરમાં વૃદ્ધિ દર્શાવે છે. વધુમાં ઉમેર્યું કે, COVID દરમિયાન દૂરસ્થ સ્થાનથી પ્રક્ષેપણ શક્ય હતું જે ટેક્નોલોજીનો વિજ્ય છે. આ ઉપરાંત તેમણે ટેક્નોલોજી સાથે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ જેવી ટેક્નોલોજીનો ઉપયોગ કરીને સાયબર ગુનાઓ દ્વારા સામે આવેલા પડકારોનો સામનો કરી શકીએ છીએ. જેના માટે રિસર્ચ અને સખત મહેનતની જરૂર છે.
ચંદ્રયાન-3ની સફળતાથી દેશ ઉત્સાહિત
એસ સોમનાથે કહ્યું કે ભારતીયો અવકાશ અને સંશોધન મિશનમાં ખૂબ જ રસ ધરાવે છે, તેઓ આ ક્ષેત્રમાં થઈ રહેલા કામની ઝીણવટ પર નજર રાખે છે. ચંદ્રયાન-3એ દેશમાં વૈજ્ઞાનિક ભાવના ફેલાવી. યુવાનો ઉત્સાહપૂર્વક ખગોળશાસ્ત્રના ક્ષેત્રમાં આવી રહ્યા છે. આ ખગોળશાસ્ત્ર માટે એક વિશાળ ટેલેન્ટ પૂલ બનાવવામાં મદદ કરશે, જે અમારા કાર્યને આગળ લઈ જશે. ચંદ્રયાન-3ની સફળતાથી સમગ્ર દેશ ઉત્સાહિત છે. અમે આ સંપૂર્ણપણે ભારતીય મિશનને ખૂબ જ ઓછા ખર્ચે પાર પાડ્યું.
આ પણ વાંચો: સ-માનવ ગગનયાન મિશન માટે ઈસરોએ પરીક્ષણની શરૂ કરી તૈયારી