પિતૃ પક્ષમાં આવતી ઇન્દિરા એકાદશીનું શું છે મહત્ત્વ?
- જો તમે ઈન્દિરા એકાદશીનું વ્રત કરો છો અને તેના પુણ્યનું દાન તમારા પિતૃઓને કરો છો. તમારા જે પૂર્વજો કોઈ કારણોસર મોક્ષ મેળવી શક્યા નથી તેમનો ઉદ્ધાર થશે
ઈન્દિરા એકાદશી એ પિતૃ પક્ષમાં આવતી એકાદશી છે. આ એકાદશી એટલા માટે વિશેષ માનવામાં આવે છે કારણ કે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા સાથે પૂર્વજોનું પણ સ્મરણ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે, બ્રાહ્મણોને ઘરે બોલાવીને આદરપૂર્વક ભોજન કરાવવાથી અને દાન-દક્ષિણા આપવાથી આપણા પૂર્વજો પ્રસન્ન થાય છે. આ વર્ષે 9 ઓક્ટોબર અને 10 ઓક્ટોબર, એમ બે દિવસ એકાદશી છે. ઈન્દિરા એકાદશીનું મહત્વ તેનો શુભ સમય અને પૂજા પદ્ધતિ જાણો
ઈન્દિરા એકાદશીનું મહત્ત્વ
ઈન્દિરા એકાદશી વિશે એવું માનવામાં આવે છે કે જે કોઈ પણ આ એકાદશીનું વ્રત કરે છે, ભગવાન વિષ્ણુ તેની પર પ્રસન્ન થાય છે અને તેમને તેમના પૂર્વજો તરફથી પણ આશીર્વાદ મળે છે. ઈન્દિરા એકાદશી વિશે શાસ્ત્રોમાં એવુ કહેવામાં આવ્યું છે કે જો તમે ઈન્દિરા એકાદશીનું વ્રત કરો છો અને તેના પુણ્યનું દાન તમારા પિતૃઓને કરો છો. તમારા જે પૂર્વજો કોઈ કારણોસર મોક્ષ મેળવી શક્યા નથી તેમનો ઉદ્ધાર થશે. તેમના આત્માને શાંતિ મળે છે. આ સાથે એવું પણ કહેવામાં આવે છે કે વ્રત કરનાર વ્યક્તિને નરકમાં જવું પડતું નથી.
ઇન્દિરા એકાદશીનો શુભ સમય
ઈન્દિરા એકાદશી 9 ઓક્ટોબરે બપોરે 12:36 વાગ્યે શરૂ થશે અને 10 ઓક્ટોબરે બપોરે 3:08 વાગ્યે સમાપ્ત થશે. તેથી, ઉદયા તિથિની માન્યતાના આધારે, 10 ઓક્ટોબર, મંગળવારે ઇન્દિરા એકાદશીનું વ્રત કરવામાં આવશે. 11મી ઓક્ટોબરે પારણા કરવામાં આવશે. વ્રતના પારણાનો શુભ સમય સવારે 6.19 વાગ્યે શરૂ થશે અને સવારે 8.38 વાગ્યે સમાપ્ત થશે. આ એકાદશીના ઉપવાસ પછી ભક્તોએ પોતાની ક્ષમતા મુજબ અનાજ, ફળ અને પૈસા કોઈ જરૂરિયાતમંદ બ્રાહ્મણને દાન કરવા જોઈએ.
ઈન્દિરા એકાદશીનું વ્રત કેવી રીતે કરવું?
ઈન્દિરા એકાદશીનું વ્રત પિતૃપક્ષમાં આવે છે, તેથી શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ભક્તોએ શ્રાદ્ધના કેટલાક નિયમોનું પાલન કરવું જોઈએ. વ્રત શરૂ કરતા પહેલા પવિત્ર નદીમાં તર્પણ કરવુ અને સ્નાન કર્યા પછી બ્રાહ્મણોને ભોજન કરાવવુ. ત્યાર બાદ બીજા દિવસે એકાદશી તિથિએ વહેલી સવારે સ્નાન કરી વ્રતનો સંકલ્પ કરવો. શ્રાદ્ધ તર્પણ કરો અને ફરીથી બ્રાહ્મણોને ભોજન કરાવો. તે પછી બીજા દિવસે બારસના દિવસે દાન આપ્યા પછી જ પારણા કરવા.
આ પણ વાંચોઃ નવરાત્રિ 2023: ગ્રહણ પૂર્ણ થયાના થોડા કલાકોમાં થશે કળશ સ્થાપના