બાલારામમાં નેચર એજ્યુકેશન એન્ડ ઇકોટુરિઝમ કેમ્પ સાઇટનું શનિવારે લોકાર્પણ
પાલનપુરઃ વન્યજીવ સપ્તાહની ઉજવણી-૨૦૨૩ નિમિત્તે રાજ્યના વન વિભાગ દ્વારા પાલનપુર તાલુકાના બાલારામ ખાતે તૈયાર કરવામાં આવેલા ઉજાણી- નેચર એજ્યુકેશન એન્ડ ઇકોટુરિઝમ કેમ્પ સાઇટનું લોકાર્પણ તા. ૭ ઓક્ટોબર-૨૦૨૩ ના રોજ સવારે-૧૦.૦૦ કલાકે પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, વન અને પર્યાવરણ તથા ક્લાયમેન્ટ ચેન્જ વિભાગના કેબીનેટ મંત્રી મુળુભાઇ બેરાના વરદહસ્તે કરવામાં આવશે.
બાલારામ ઉજાણી ગૃહ ચિત્રાસણી ખાતે અંદાજીત પાંચ હેક્ટર વિસ્તારમાં નેચર એજ્યુકેશન એન્ડ ઇકોટુરિઝમ કેમ્પ સાઇટ બનાવવામાં આવી છે. ઉજાણી માટે ઇકો ટુરિઝમ ડેપવલમેન્ટ સોસાયટી, ચિત્રાસણીની રચના પણ કરવામાં આવી છે અને ઈકો ટુરિઝમના ઉદ્દેશ્યથી વિવિધ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.
જેસોર વેરા કેમ્પ સાઈટ તથા બાલારામ ખાતે ઉજાણી કેમ્પ સાઈટ ખાતે પ્રકૃતિ શિક્ષણ શિબિર ઇકો ટુરીઝમ થકી ભાવિ પેઢીને પ્રકૃતિ અને અહીંના વન્યજીવનને નજીકથી સમજવાનો અને તેની સાથે સંવેદના કેળવવાનો અવસર મળશે. જેની સાથે ઈટીડીસી/ ઇડીસી / જેએફએમસી જેવી વ્યવસ્થા થકી અહીંના સ્થાનિક લોકો માટે પણ રોજગારી અને આવકના નવા સ્ત્રોત ઉભા થશે તેમના સહકાર થકી વન સંવર્ધનની પ્રવૃતિને બમણો વેગ મળશે.
ભારતમાં દર વર્ષે ૨ થી ૮ ઓક્ટોબર સુધી રાષ્ટ્રીય વન્યજીવ સપ્તાહ ઉજવવામાં આવે છે. આ સપ્તાહનો ઉદ્દેશ્ય ભારતના વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિનું રક્ષણ અને સંરક્ષણ કરવાનો છે. વાઇલ્ડલાઇફ વીકની કલ્પના ૧૯૫૨માં લુપ્તપ્રાય અને જોખમમાં મુકાયેલી પ્રજાતિઓના પ્રાણીઓના જીવનને સુરક્ષિત કરવાના લાંબા ગાળાના ધ્યેય સાથે શરૂ કરવામાં આવી હતી. આ વખતે ૬૯ મો Partnership for Wildlife Conservation ની થીમ સાથે વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે
આ સમયગાળા દરમ્યાન શેરી નાટકો, સભાઓ, વન વિસ્તારોમાં ભ્રમણ (Jungle tracking), પક્ષી નિદર્શન કેમ્પ વગેરેનું આયોજન કરવામાં આવે છે. ખાસ કરીને બાળકો વન્યજીવ સંરક્ષણ અને સંવર્ધન માટે જાગૃત થાય એ માટે વિવિધ શાળા અને કોલેજોમાં વન્ય જીવ સંરક્ષણ સંબંધિત સેમિનાર, ચિત્ર સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, રેલી, નાટકો વગેરેનું આયોજન કરવામાં આવે છે.
વન્યજીવ સંપદાની દ્રષ્ટીએ બનાસકાંઠા જિલ્લો ખુબ જ મહત્વની જૈવ વિવિધતા ધરાવે છે. ઉત્તર ગુજરાતમાં સૌથી વઘુ જૈવ વિવિધતા ધરાવતું બનાસકાંઠા વન્યજીવ વિભાગ 1956 થી વન તથા વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધનમાં સતત કાર્યરત છે.
બનાસકાંઠા વન્યજીવ વિભાગમાં મુખ્યત્વે ત્રણ અભયારણ્ય આવેલા છે. જેમાં જેસોર રીંછ અભયારણ્ય, બાલારામ- અંબાજી અભયારણ્ય તેમજ ઘુડખર અભયારણ્યનો ભાગ આવેલ છે. અહીં રીંછ, દીપડા ઘુડખર, વરૂ, ચીંકારા, ઘોરખોદીયું, કીડીખાઉ, કાટવર્ણી બિલાડી, વણીયર જેવા અતિ મહત્વના પ્રાણીઓ તેમજ વનસ્પતિ સૃષ્ટીની જૈવ વિવિધતાનો ખજાનો છે.
અહીંના બાલારામ- અંબાજી તથા જેસોર વન્યજીવ અભયારણ્યોમાં જૈવ વિવિધતાની દ્રષ્ટિએ ૪૮૭ થી વધુ પ્રકારની વનસ્પતિ, ૨૧૨ પ્રકારના પક્ષીઓ, 30 પ્રકારના સસ્તન પ્રાણીઓ, ૩૫ પ્રકારના સરીસૃપ, ૧૨ પ્રકારના ઉભયજીવી, ૧૫૭ પ્રકારના કરોળીયાની જાતિ તથા 3ર પ્રકારની ફૂગ નોંધવામાં આવેલ છે. ઘુડખર વન્યપ્રાણી અભયારણ્યમાં ઘુડખર તેમજ વિવિધ યાયાવર પક્ષીઓના સંરક્ષણ તેમજ સંવર્ધનથી જૈવસૃષ્ટિમાં સતત વધારો થઇ રહેલો જોવા મળે છે. આ વન્યજીવોના સંરક્ષણ માટે ફળાઉ વૃક્ષોનું વાવેતર, પવન ચક્કી દ્વારા પાણીની સુવિધા, ટ્રેપ કેમેરા, ફેરણ, ચેકડેમ, વન તળાવડી, ગઝલર, કૃત્રિમ રાફડા, કૃત્રિમ ગુફાઓ જેવી વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવે છે. અહીં રેડ જંગલ ફાઉલ તથા ચિત્તલનું સંવર્ઘન કેન્દ્ર તેમજ વરૂ સોફ્ટ રીલીઝ સેન્ટર થકી વન્યજીવના સંવર્ધનની પ્રવૃતિઓ કરવામાં આવે છે.
બનાસકાંઠા વન વિભાગની આ સઘન પ્રવૃત્તિઓ દ્વારા સંરક્ષણ અને સંવર્ધનના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જેના ફળસ્વરૂપે ગુજરાતમાં રીંછ તથા ઇજિપ્શન ગીધની સૌથી વધુ વસ્તી બનાસકાંઠામાં નોંધાયેલ છે. વર્ષ-૨૦૧૬-૧૭ માં ચિત્તલ સંવર્ધન કેન્દ્રમાં ૫ ચિત્તલ સાથે શરૂ કરવામાં આવેલ ચિત્તલની સંખ્યા હાલ ૨૩ સુધી પહોંચી છે. જેમાંથી અમુક સંખ્યામાં યોગ્ય જોડીમાં આ ચિત્તલને જેસોરના જંગલમાં મુક્ત કરવામાં આવશે. ત્યાં જ રેડ જંગલનું પણ બ્રિડીંગ સેન્ટર આવેલ છે. તાજેતરમાં નવા નડાબેટ ખાતે Wolf soft release centre પણ વિકાસ કરવામાં આવ્યું છે.
બાલારામ- અંબાજી અભયારણ્યમાં આવેલા એનિમલ કેર સેન્ટર થકી વન્યપ્રાણીઓના બચાવ તેમજ સારવાર બાબતે પશુ ચિકિત્સક સહિત વન વિભાગની કુશળ ટુકડી દિવસ રાત સતત કાર્યરત રહી આ જિલ્લા સહિત સંલગ્ન અન્ય જિલ્લાઓમાં પણ વન્યપ્રાણીઓના બચાવ અભિયાનની કામગીરી સફળતાપૂર્વક પાર પાડવામાં આવે છે.
આ પણ વાંચોઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ: ઓખા-બેટ દ્વારકા ‘સિગ્નેચર બ્રીજ’ની 92 ટકા કામગીરી પૂર્ણ