રાજસ્થાન સરકારે ચૂંટણીની પૂર્વસંધ્યાએ ત્રણ નવા જિલ્લાની જાહેરાત કરી
- રાજસ્થાનમાં ચૂંટણી પહેલા મુખ્યમંત્રી અશોક ગહલોતની મોટી જાહેરાત
- ત્રણ નવા જિલ્લાનો સમાવેશ થતાં રાજસ્થાન બનશે 53 જિલ્લાનું રાજ્ય
રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગતિવિધિઓને વેગ મળી રહ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી અશોક ગહલોત દ્વારા શુક્રવારે (6 ઓક્ટોબરે) મોટી જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રી અશોક ગહલોતે રાજસ્થાનમાં વધુ ત્રણ જિલ્લા બનાવવાનું એલાન કર્યું છે. આ જાહેરાત અનુસાર માલપુરા, સુજાનગઢ, કુચામનને હવે જિલ્લા બનાવવામાં આવશે. જેની માહિતી મુખ્યમંત્રી અશોક ગહલોતે ટ્વીટ કરીને આપી હતી.
ત્રણ નવા જિલ્લા બનાવવાની મુખ્યમંત્રી અશોક ગહલોતની જાહેરાત
રાજ્યમાં ત્રણ નવા જિલ્લા બનાવવાની જાહેરાત કરતા મુખ્યમંત્રી અશોક ગહલોતે ટ્વિટમાં જણાવ્યું હતું કે, જનતાની માંગ અને ઉચ્ચ સ્તરીય સમિતિની ભલામણ અનુસાર રાજસ્થાનમાં ત્રણ નવા જિલ્લા બનાવવામાં આવશે. જેમાં ત્રણ નવા જિલ્લા તરીકે માલપુરા, સુજાનગઢ, કુચમનનો સમાવેશ થશે. આમ હવે રાજસ્થાન 53 જિલ્લાનું રાજ્ય બનશે તેમજ ભવિષ્યમાં પણ ઉચ્ચ સ્તરીય સમિતિની ભલામણો મુજબ સીમાંકન વગેરે જેવી સમસ્યાઓનું નિરાકરણ થતું રહેશે.
અશોક ગહલોતે પોતે આ જાણકારી તેમના સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા શૅર કરી હતી.
जनता की मांग एवं उच्च स्तरीय समिति की अनुशंसा के अनुसार राजस्थान में तीन नए जिले और बनाए जाएंगे-
1. मालपुरा
2. सुजानगढ़
3. कुचामन सिटी
अब 53 जिलों का होगा राजस्थान.
आगे भी उच्च स्तरीय समिति की सिफारिशों के मुताबिक सीमांकन आदि परेशानियों को दूर किया जाता रहेगा।
— Ashok Gehlot (@ashokgehlot51) October 6, 2023
દેશના 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ પક્ષો સક્રિય થઈ ગયા છે. આ પક્ષોના દિગ્ગજ નેતાઓ પણ આ રાજ્યોમાં દમદાર સંબોધનની સાથે વિરોધીઓને આડે હાથ લઈ રહી છે. ત્યારે રાજસ્થાનમાં પણ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ વિધાનસભા ચૂંટણીની તારીખો ટૂંક સમયમાં જાહેર થવાની શક્યતા છે. ત્યારે આ વિધાનસભાની ચૂંટણી પૂર્વે રાજકીય પાર્ટીઓ દ્વારા પોતાની જીત નિશ્ચિત કરવા અવનવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે કે જેથી પોતાની પાર્ટીનો ચૂંટણીમાં વિજય થઈ શકે.
આ પણ વાંચો :નોબેલ શાંતિ પુરસ્કાર માટે ઈરાનની નર્ગીસ મોહમ્મદીની પસંદગી