ટોપ ન્યૂઝવર્લ્ડ

અમેરિકામાં 67 વર્ષીય ગુજરાતીની હત્યા, ભાડાની બાબતે થઈ હતી માથાકૂટ

Text To Speech

અમેરિકા ફરી એક વખત ગુજરાતીની હત્યાની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર, સાઉથ કેરોલિનાના નોર્થ ચાર્લ્સટન શહેરમાં મોટેલ ચલાવતાં 67 વર્ષીય જગદીશભાઈ પટેલની અશ્વેત યુવકે બે ગોળીઓ મારી કરપીણ હત્યા કરી દીધી હતી. મોટેલમાં ભાડા માટે માથાકૂટ થયા બાદ અશ્વેત યુવકે પોતાના પાસે રહેલી ગન વડે જગદીશભાઈ પટેલને માથા તેમજ પેટના ભાગે ગોળીઓ ઉતારી દીધી હતી. જે બાદ તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જો કે, સારવાર દરમિયાન જગદીશભાઈ પટેલે દમ તોડી દીધો હતો.

મૂળ સુરતા સચિન વિસ્તારના લાજપોર પોપડા ગામના વતની 67 વર્ષીય જગદીશભાઈ પટેલ 2007 થી અમેરિકામાં સ્થાયી થયા હતા. અમેરિકાના સ્ટેટ સાઉથ કેરોલિનાના ત્રીજા સૌથી મોટા શહેર નોર્થ ચાર્લ્સટનમાં રિવર્સ એવન્યૂ પાસે ધ ચાર્લ્સટન હાઈટ્સ નામની મોટેલનો વ્યવસાય ચલાવતા હતા. રિપોર્ટ્સ અનુસાર 25 જૂનના રોજ, જ્યારે જગદીશ પટેલ પોતાની ઓફિસમાં બેઠા હતા, ત્યારે આરોપી ડાર્નેલે તેમની ઓફિસમાં આવ્યો હતો. જે બાદ બંને વચ્ચે ભાડા બાબતે માથાકૂટ થઈ હતી. ડાર્નેલ છેલ્લા બે દિવસથી મોટેલમાં રોકાયો હતો, પણ ભાડુ આપતો ન હતો.

ભાડા બાબતે માથાકૂટ થતાં આવેશમાં આવેલાં ડાર્નેલે પોતાના પાસે રહેલી બંદૂક વડે ઉપરાછાપરી જગદીશ પટેલના માથા અને પેટમાં ગોળીઓ ધરબી દીધી હતી અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જો કે, ગોળીબારની ઘટના બાદ તાત્કાલિક જગદીશભાઈને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. પણ 30 જૂનના રોજ જગદીશ પટેલે સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધી હતા. આ મામલે પોલીસે 34 વર્ષીય ડાર્નેલ ડ્વેયન બ્રાઉનની ધરપકડ કરી દીધી છે.

ઘટના બાદ ડાર્નેલ ભાગી ગયો હતો જે પછી પોલીસે શોધખોધ બાદ તેને પકડી પાડ્યો હતો. પોલીસ દ્વારા ડાર્નેલ ઉપર હત્યાના પ્રયાસની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. જો કે, જગદીશભાઈનું નિધન થઈ જતાં ડાર્નેલ ઉપર હત્યાની કલમ પણ ઉમેરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, જગદીશ પટેલના પુત્ર અને વહુ શિકાગોમાં ડૉક્ટર છે. જગદીશ પટેલની હત્યાના સમાચારથી તેમના વતન પોપડામાં શોકનું મોજું ફરી વળ્યું છે.

Back to top button