ઉત્તર ગુજરાતગુજરાત

ડીસા: 50થી વઘુ ડમ્પરો અટકાવી ગ્રામજનોએ નોંધાવ્યો વિરોધ

Text To Speech
  • બેફામ ડમ્પરચાલકોથી પરેશાન ગ્રામજનોમાં રોષ, જુનાડીસા પાસે રોડ પર બેફામ ચાલતા 50 થી વધુ ડમ્પરો અટકાવી ચક્કાજામ કર્યો

બનાસકાંઠા જિલ્લામાં ડીસા પાસે રેતી ભરીને બેફામ રીતે ચાલતા ડમ્પર ચાલકો સામે લોકો રોષે ભરાયા છે અને કંટાળેલા ગ્રામજનોએ આજે રોડ પર ડમ્પર રોકી ચક્કાજામ કરી વિરોધ દર્શાવ્યો હતો.

જુનાડીસા વાસણા રોડ પર છેલ્લા ઘણા સમયથી નદીની રેતી ભરીને બેફામ રીતે ડમ્પર ચાલકો પસાર થાય છે. દિવસભર પસાર થતા ડમ્પરોના કારણે આ માર્ગ પરથી પસાર થતાં વાહનચાલકો, ખેડૂતો, પશુપાલકો અને વિદ્યાર્થીઓ હેરાન થઈ રહ્યા છે. મોટાભાગના ડમ્પરો પાછળ પ્લાસ્ટિક ન લગાવ્યું હોવાના કારણે રેતી ઉડવાથી પાછળ આવતા વાહનચાલકોને મુશ્કેલી પડે છે. ત્યારે આવા ડમ્પરોને બંધ કરવા માટે લોકોએ વારંવાર રજૂઆત કરી હતી. તેમ છતાં પણ હજુ સુધી બેફામ રીતે ચાલતા ડમ્પરો બંધ ન થતા આજે આ માર્ગ પર આવતા વાસણા, લુણપુર, સદરપુર સહિત આજુબાજુના ગામના લોકોએ ભેગા થઈ ડમ્પરોને અટકાવી ચક્કાજામ કર્યો હતો.

આ અંગે સ્થાનિક રહેવાસી રમેશભાઈ જોશી અને હરેશભાઇ માળીએ જણાવ્યું હતું કે, જુનાડીસાથી જાબડીયા રોડ પર રોજના અસંખ્ય ડમ્પરચાલકો બેફામ રીતે ચાલે છે. જેના કારણે અન્ય વાહનોચાલકો હેરાન થાય છે. ડમ્પરચાલકો તાડપત્રી ન બાંધતા પાછળ આવતા વાહનોને રેતી ઉડીને આંખમાં વાગતા અકસ્માતો પણ થાય છે. ડમ્પરચાલકો પાછળ આવતા વાહનોને ઓવરટેક પણ કરવા દેતા નથી. આ માટે અમે વારંવાર સરકારમાં રજૂઆત કરી હોવા છતાં પણ હજી સુધી કોઈ જ કાર્યવાહી થઈ નથી. એટલે કંટાળીને અમારે આજે ડમ્પરો અટકાવી વિરોધ કર્યો છે અને જો આ માર્ગ પરથી ચાલતા ડમ્પરો બંધ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપી છે.

આ પણ વાંચો: શ્રમિકોના દૈનિક લઘુતમ વેતનના ભથ્થામાં વધારો

Back to top button