શ્રમિકોના દૈનિક લઘુતમ વેતનના ભથ્થામાં વધારો
- રાજ્યના આશરે બે કરોડથી વધુ શ્રમિકોને ભથ્થામાં વધારાનો થશે લાભ
રાજ્યના શ્રમિકોનું માસિક લઘુતમ વેતનમાં વધારો કરતાં મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે રાજ્યના શ્રમિકોનું માસિક લઘુતમ વેતનમાં રૂ.૧૧,૪૬૬ થી વધીને ખાસ ભથ્થા સાથે વેતન રૂ. ૧૨,૦૧૨ કરવામાં આવશે. આ વધારાથી રાજ્યના આશરે બે કરોડથી વધુ શ્રમિકોને લાભ થશે.
ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું કે શ્રમિકોના હિતો અને કલ્યાણને વરેલી રાજ્ય સરકારે ચાલુ વર્ષે બજેટ સત્ર દરમિયાન વર્ષ-૨૦૨૩માં શ્રમિકોના લઘુતમ વેતનમાં ૨૫ ટકા જેટલો માતબર વધારો કર્યો હતો. હવે શ્રમિકોને માસિક ભથ્થામાં રૂ. ૫૪૬નું ખાસ ભથ્થુ તેમના વેતનમાં આપવામાં આવશે.
શ્રમિકોના વેતનમાં ખાસ ભથ્થા તરીકે દૈનિક રુ. 21 અપાશે
રાજ્યના ઝોન-૧ અને ઝોન-૨ના કુશળ, અર્ધ કુશળ અને બિન કુશળ કેટેગરીનાં તમામ શ્રમિકોના વેતનમાં ખાસ ભથ્થા તરીકે દૈનિક રૂ.૨૧ આપવામાં આવશે, જે તા.૧લી ઓક્ટોબર ૨૦૨૩થી તા.૩૧મી માર્ચ ૨૦૨૪ સુધી અમલમાં રહેશે.
આ પણ વાંચો: ગુજરાતની રિન્યૂએબલ એનર્જી પૉલિસી-2023 જાહેર