ઉત્તર ગુજરાતગુજરાતટ્રેન્ડિંગ

અંબાજી : ભાદરવી પૂનમના મેળા દરમિયાન તંત્રની સફળ કામગીરી

  • ખોરાક-ઔષધ નિયમન વિભાગે રૂ. ૮ લાખનો ભેળશેળયુક્ત ઘીનો જથ્થો ઝડપ્યો
  • પ્રસાદી બનાવનાર મે. મોહિની કેટરર્સનો ૨૮૨૦ કિ.ગ્રા ઘીનો જથ્થો કર્યો જપ્ત

અંબાજીના ભાદરવી પૂનમના મેળા દરમિયાન ભાવી ભક્તોને ગુણવત્તાયક્ત પ્રસાદ મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્રની બનાસકાંઠા વર્તુળ કચેરી દ્વારા મે. મોહિની કેટરર્સની રૂબરૂ મુલાકાત લઇ તપાસ કરવામાં આવી હતી. જેમાં તપાસ દરમિયાન પ્રસાદી બનાવવા માટે ઉપયોગમાં લેવાતા ખાદ્ય ઘી પર શંકા જણાતા તેનું સ્થળ પર જ મોબાઈલ ફૂડ ટેસ્ટીંગ વાનમાં પ્રાથમિક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જે યોગ્ય ન જણાતા રૂ. ૮ લાખની કિંમતનો ૨૮૨૦ કિ.ગ્રા ઘીનો ભેળશેળયુક્ત જથ્થો તા.૨૮મી ઑગસ્ટના રોજ જપ્ત કરવામાં આવ્યો હતો. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પ્રસાદી બનાવવાનો કોન્ટ્રકટ મે. મોહિની કેટરર્સને આપવામાં આવ્યો હતો.

શું જણાવ્યું ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશ્નરે?

ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશ્નર ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યું છે કે, તંત્ર દ્વારા મે. મોહીની કેટરર્સના જવાબદાર આલોક અમરસિંહ ઝઝારીયા પાસેથી ભાદરવી પૂનમના મેળા પૂર્વે ઘીના ૨ લીગલ નમૂનાઓ લેવાયા હતા. આ બંને નમૂના અમૂલ ઘીના નામે ભળતા જે મે. મોહીની કેટરર્સ દ્વારા લોભ લાલચમાં આવીને ખરીદવામાં આવ્યું હતું. આ ઘી ઉપયોગમાં ન લેવાય તે માટે તમામ જથ્થો ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા જપ્ત કરાયો હતો. આ બાબત તરફ અંબાજી મંદિરના ટ્રસ્ટનું તાત્કાલિક ધ્યાન જતા ટ્રસ્ટ દ્વારા બનાસ ડેરીમાંથી પ્રસાદી માટેનું શુદ્ધ ઘી પૂરું પાડવામાં આવ્યું હતું. વધુમાં જણાવ્યું હતું કે, તપાસ દરમિયાન અંદાજે રૂ. ૮ લાખની કિંમતના ૧૫ કિગ્રાના કુલ ૧૮૮ ટીનમાંથી ૨૮૨૦ કિલોગ્રામ ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો હતો અને પૃથક્કરણ માટે મોકલી આપવામાં આવ્યો હતો. આ ખાદ્ય ઘી બિન-આરોગ્યપ્રદ હોવાથી તેનો પૃથક્કરણ અહેવાલ “સબ સ્ટાન્ડર્ડ” આવતા મે. મોહિની કેટરર્સના જવાબદાર વ્યક્તિ સામે કોર્ટમાં કાર્યવાહી ચાલુ છે.

ભેળશેળયુક્ત ઘી જથ્થો-HDNEWS

અંબાજી મંદિરને “BHOG” સર્ટિફિકેશન

વધુમાં રાજ્યના મોટા ધાર્મિક સ્થળોનું નવી દિલ્હીના ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઇન્ડિયા (FSSAI) દ્વારા કૂલ ૪૭ મંદિર પરિસરનું ટ્રેનિંગ અને ઓડીટ કરાવવામાં આવ્યું હતું અને તેમને “Blissful Hygienic Offering to God (BHOG)” સર્ટિફિકેશન આપવામાં આવ્યું છે. જેમાં અંબાજી મંદિર ખાતે પધારનાર ભાવી ભક્તોને શુદ્ધ, સલામત અને સાત્વિક ભોજન અને પ્રસાદી મળી રહે તે માટે મંદિર પરિસરનું પણ “BHOG” સર્ટિફિકેશન કરવામાં આવ્યું છે.

Back to top button