ઉદયપુર – જયપુર વંદે ભારત એક્સપ્રેસ મોટી દુર્ઘટનાનો શિકાર બની બચી ગઈ છે. લોકો પાયલોટની તત્પરતાના કારણે આ દુર્ઘટના ટળી હતી. રાજસ્થાનના ગંગરાર – સોનિયાના સેક્શનમાં, કેટલાક તોફાની તત્વોએ વંદે ભારત ટ્રેનના માર્ગ પર રેલ્વે ટ્રેક પર પથ્થરો અને લોખંડના સળિયા નાખ્યા હતા. જો ત્યાંથી ટ્રેન પસાર થઈ હોત તો મોટી દુર્ઘટના થઈ શકી હોત. આ ઘટના સવારે 9.55 વાગ્યાની આસપાસ બની હતી. રેલવે પોલીસ અને સ્થાનિક પોલીસ તેની તપાસ કરી રહી છે.
શું બની હતી આખી ઘટના ?
મળતી માહિતી મુજબ, સોમવારે, ઉદયપુર-જયપુર વંદે ભારત એક્સપ્રેસના સતર્ક લોકોમોટિવ પાઇલટ્સે સમયસર ટ્રેક પર પત્થરો અને લોખંડના સળિયા જોયા અને ટ્રેનને તેના ઉપર જતી અટકાવવા માટે ઇમરજન્સી બ્રેક લગાવી હતી. ટ્રેનમાંથી ઉતર્યા પછી, લોકો પાઇલટ્સે ટ્રેક સાફ કર્યો અને ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. આ વીડિયોમાં ગંગરાર-સોનિયાના સેક્શનમાં ટ્રેકની જોગલ પ્લેટમાં પથ્થર અને બે સળિયા મૂકવામાં આવેલા જોવા મળ્યા હતા.
જાનહાની ટળી ગઈ
ઉલ્લેખનીય છે કે, આ ટ્રેનના લોકો પાઈલોટની સતર્કતાનર કારણે હજારો મુસાફરોની જાન બચી ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ રેલવે વિભાગનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને બનાવના પુરાવાઓ એકત્રિત કરીને તેના અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. બીજી તરફ આ રેલવે લાઈન સાફ કરાવી હતી અને ટ્રાફિક ક્લિયર કરાવી અન્ય ટ્રેનોને આગળ દોડાવી હતી.