ભારત સરકારની MSME નો લઘુ ઉદ્યોગકરો કેવી રીતે વધુમાં વધુ લાભ લઈ શકે તેના માટે વિભાગના અધિકારીએ આપ્યું માર્ગદર્શન
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) તથા ધી કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT)ના સંયુકત ઉપક્રમે ‘ગવર્મેન્ટ સપોર્ટીવ સ્કીમ્સ ફોર ટ્રેડર્સ એન્ડ એમએસએમઇઝ’ વિષય ઉપર ઇન્ટરેકટીવ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારત સરકારની મિનિસ્ટ્રી ઓફ એમએસએમઇના આસિસ્ટન્ટ ડાયરેકટર નિલેશ ત્રિવેદીએ લઘુ ઉદ્યોગકારો તેમજ ટ્રેડર્સને સરકારની એમએસએમઇ માટેની વિવિધ સ્કીમ્સ વિશે મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું.
ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, એમએસએમઇ એ ભારતની ઇકોનોમીમાં બેકબોર્ન છે. દેશમાં છ કરોડ એમએસએમઇ રજિસ્ટ્રેશન છે. જો કે, ડેવલપ કન્ટ્રીમાં આ રેશિયો 60થી 65 ટકાનો છે. જ્યારે ભારતમાં 30 ટકાનો છે. આથી ભારતમાં એમએસએમઇને હજી વધારે ગ્રો થવું પડશે અને વર્ષ 2025 સુધી આ રેશિયાને 50 ટકા સુધી લઇ જવું પડશે.
ભારત સરકારની મિનિસ્ટ્રી ઓફ એમએસએમઇના આસિસ્ટન્ટ ડાયરેકટર નિલેશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, એમએસએમઇ ઇન્ડસ્ટ્રીમાં વેલ્યુ એડીશન કરવાની જરૂર છે. બધા જ રિસોર્સ આપણી પાસે છે અને એના માટે ગ્રાહક પણ આપણે છીએ. તેમણે લઘુ ઉદ્યોગકારો અને ટ્રેડર્સને પ્રધાનમંત્રી મુદ્રા લોન, સીજીટીએમએસઇ સ્કીમ, એમએસએમઇ ઇનોવેટીવ સ્કીમ, ઝેડ સર્ટિફિકેશન સ્કીમ, એમએસઇ સીડીપી, પીએમઇજીપી સ્કીમ, પીએમએફએમઇ સ્કીમ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રકચર ફંડ વિશે પણ માહિતી આપી હતી.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી મુદ્રા લોનમાં રૂપિયા 10 લાખ સુધીની લોન લેવા માટે કોઇ કો–લેટરલ આપવાની જરૂર હોતી નથી. તેમણે લઘુ ઉદ્યોગકારોને આપવામાં આવતા ટ્રેનીંગ સપોર્ટ વિશે માહિતી આપી વેપારીઓને જેમ પોર્ટલ પર રજિસ્ટર્ડ થવા જણાવ્યું હતું. સાથે જ જે નામથી વેપાર કરતા હોય તે નામનો ટ્રેડમાર્ક કરાવવા પણ જણાવ્યું હતું. ખાસ કરીને લઘુ ઉદ્યોગકારો અને ટ્રેડર્સને ઉદ્યમ રજિસ્ટ્રેશન કરાવવા માટે ખાસ અનુરોધ કર્યો હતો.
ચેમ્બરની એમએસએમઇ કમિટીના ચેરમેન સીએ શૈલેષ લાખનકીયાએ ઇન્ટરેકટીવ સેશનનું સંચાલન કર્યું હતું. CAIT ના ગુજરાત ચેપ્ટરના પ્રમુખ પ્રમોદ ભગતે નિલેશ ત્રિવેદીનો પરિચય આપ્યો હતો. સેશનના અંતે નિલેશ ત્રિવેદીએ ટ્રેડર્સ તથા લઘુ ઉદ્યોગકારોને મુંઝવતા વિવિધ પ્રશ્નોના જવાબ આપ્યા હતા. અંતે CAIT ના ગુજરાત ચેપ્ટરના સેક્રેટરી મિતેષ શાહે સર્વેનો આભાર માની સેશનનું સમાપન કર્યું હતું.