બનાસકાંઠાના ડીસા પાસે મુડેઠા ટોલ પ્લાઝાના બુથ ઓપરેટર પર જીવલેણ હુમલો
- કારના ચાલક સહિત બે શખ્સોએ છરા વડે કર્યો હુમલો
- ઇજાગ્રસ્ત ઓપરેટરને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડાયો
બનાસકાંઠા : ડીસા-રાધનપુર નેશનલ હાઈવે પર આવેલા મુડેઠા ટોલ પ્લાઝા પર મોડી રાત્રે બુથ ઓપરેટર પર બે શખ્સોએ છરી વડે હુમલો કર્યો હોવાની ઘટના બની છે. ઘટનાને પગલે ભીલડી પોલીસ ટોલ પ્લાઝા પર પહોંચી ઇજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડી હુમલો કરનારા શખ્સો સામે ફરિયાદ નોંધી છે અને આગળની કાર્યવાહી શરૂ કરી છે.
સમગ્ર ઘટનામાં શું બન્યું હતું?
ડીસા પાસે આવેલા મુડેઠા ટોલ પ્લાઝા પર મોડી રાત્રે ટોલ આપવા બાબતે થયેલી બબાલમાં બે શખ્સોએ કર્મચારી પર હુમલો કર્યો હતો. મુડેઠા ટોલ બુથ પર ગેટ નંબર પાંચ પર કિશનભા વાઘેલા નામનો કર્મચારી કામ કરી રહ્યા હતા. તે સમયે રાધનપુર તરફથી આવી રહેલી એક ગાડીનું ફાસ્ટેગ કામ ન કરતા તેને અન્ય ગેટ પર લેવડાવી રહ્યા હતા અને તે સમયે તે ગાડી પાછળ આવેલી સ્કોર્પિયોના ચાલકે ગાડી પાછી લેવાનું કહેતા કર્મચારી સાથે બોલાચાલી કરી હતી તેમજ ઉશ્કેરાઈ જઈ સ્કોર્પિયોના ચાલક સહિત બે શખ્સોએ ગાડીમાંથી બહાર આવી છરા વડે ટોલ પ્લાઝાના કર્મચારી કિશનભા પર જીવલેણ હુમલો કર્યો હતો.
જો કે, કિશનભાને બચાવવા વચ્ચે પડતા જામાભાઈ દેસાઈ નામના બુથ ઓપરેટરને ડાબા હાથે ગંભીર ઈજા પહોંચી હતી. બનાવને પગલે આજુબાજુના કર્મચારીઓ દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત જામાભાઈને સારવાર માટે ડીસાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતા જ ભીલડી પોલીસ પણ ટોલ પ્લાઝા પર પહોંચી હતી અને હુમલો કરનારા ભચાઉના પ્રવિણસિંહ વાઘેલા અને માંડવીના રઘુવીરસિંહ જાડેજા સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ જુઓ: ‘ધ વેક્સિન વોર’ બૉક્સ ઑફિસ કલેક્શન નહીં, રિવ્યૂ અગત્યનાઃ વિવેક અગ્નિહોત્રી