પિતૃ પક્ષમાં શું હોય છે માતૃ નવમી કે માતૃ શ્રાદ્ધનું મહત્ત્વ, જાણો ક્યારે છે?
- માતૃ નવમીના દિવસે દિવંગત માતાઓ, પુત્રવધૂઓ અને પરિણીત મહિલાઓનું પિંડદાન કરવામાં આવે છે. આ કારણથી તેને માતૃ નવમી કે માતૃ શ્રાદ્ધ કહેવામાં આવે છે.
સનાતન ધર્મમાં, પિતૃ પક્ષ વર્ષમાં 15 દિવસ માટે આવે છે. આ 15 દિવસો દરમિયાન લોકો પોતાના પૂર્વજોને-પિતૃઓને યાદ કરીને શ્રાદ્ધ અને તર્પણ કરે છે. આમાં જે તારીખે વ્યક્તિનું મૃત્યુ થાય છે તે તિથિઓ પર 15 દિવસમાં શ્રાદ્ધ કરવામાં આવે છે. પરંતુ, એવી બે તિથિઓ છે જેનું વિશેષ મહત્વ છે. પ્રથમ છે માતૃ નવમી અને બીજી સર્વ પિતૃ અમાસ.જાણો આ બે તિથિનું શું મહત્ત્વ છે
માતૃ નવમી ક્યારે છે?
માતૃ નવમી આસો મહિનાના કૃષ્ણ પક્ષની નોમના દિવસે આવે છે. 07 ઓક્ટોબર 2023 શનિવારના રોજ નોમ એટલે કે માતૃ નવમી હશે. અને અંતિમ દિવસે એટલે કે 14મી ઓક્ટોબરે સર્વ પિતૃ અમાસ હશે.
માતૃ નવમીનું શું છે મહત્ત્વ?
માતૃ નવમીના દિવસે દિવંગત માતાઓ, પુત્રવધૂઓ અને પરિણીત મહિલાઓનું પિંડદાન કરવામાં આવે છે. આ કારણથી તેને માતૃ નવમી કે માતૃ શ્રાદ્ધ કહેવામાં આવે છે. માતૃ નવમી પર માતાનું શ્રાદ્ધ કરવાથી પરિવારમાં સુખ-સમૃદ્ધિ વધે છે. તેમજ ઘરની મહિલાઓ આ દિવસે પૂજા અને ઉપવાસ કરે તો સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. દિવંગત મહિલાઓનું શ્રાદ્ધ કરવામાં આવે તો તેમને પણ ખુશી મળે છે.
માતૃ નોમ પર શું કરવું?
સવારે વહેલા ઉઠી સ્નાન કરો અને સફેદ વસ્ત્રો પહેરો.દક્ષિણ દિશામાં સફેદ આસન રાખી. આસન પર મૃતક પરિવારના સભ્યનો ફોટો મુકો અને માળા પહેરાવો.ફોટાની સામે કાળા તલનો દીવો પ્રગટાવો અને તેમને ગંગાજળ અને તુલસી દળ અર્પણ કરી યાદ કરો.
ગરુડ પુરાણ અને ગીતા પાઠ
માતૃ નવમીના દિવસે ગરુડ પુરાણ અથવા શ્રીમદ ભાગવત ગીતાનો પાઠ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ કારણોસર, પૂજા દરમિયાન તેનો પાઠ કરો અને પછી તેમને ભોજન આપો. શ્રાદ્ધ પછી, પરિવારના દિવંગત સભ્યો માટે ભોજનનો એક ભાગ કાઢો. આ દિવસે ગાય, કાગડો, કીડી, પક્ષી અને બ્રાહ્મણને પણ જમાડો. તો જ શ્રાદ્ધ પૂર્ણ માનવામાં આવશે.
આ પણ વાંચોઃ પિતૃ પક્ષમાં દાઢી, મૂંછ અને વાળ કાપવા જોઇએ કે નહીં?