2000ની નોટ હવે સાતમી ઑક્ટોબર સુધી જમા કરાવી શકાશે, RBIએ રાહત આપી
- 8મી ઑક્ટોબરથી બેંકોમાં સ્વીકારવાનું બંધ થશે
- 8મી ઑક્ટોબર પછી માત્ર RBIની 19 નિર્ધારિત બ્રાન્ચમાં 2000ની નોટ સ્વીકારાશે
- 2000 રૂપિયાની નોટ કાનૂની ચલણ તરીકે યથાવત રહેશે
ભારતીય રિઝર્વ બેંકે 30 સપ્ટેમ્બરને શનિવારે સાંજે એક યાદી જાહેર કરીને રૂપિયા 2000ની નોટ પરત લેવાની, બેંકમાં એક્સચેન્જ કરાવવાની મુદતમાં વધારો કર્યો છે. તદઅનુસાર હવે આગામી સાતમી ઑક્ટોબરને શનિવાર સુધી 2000 રૂપિયાની ચલણી નોટ કાંતો ડિપોઝિટ કરાવી શકાશે અથવા તેના બદલામાં નાના મૂલ્યની નોટો બેંકમાંથી લઈ શકાશે.
રિઝર્વ બેંકે ટ્વિટ દ્વારા જાણકારી આપી કે, રૂપિયા 2000ની નોટ પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે, અને તે અંગે સમીક્ષા કર્યા બાદ બેંક નોટ પરત લેવાની મહેતલ 7મી ઑક્ટોબર, 2023 સુધી વધારવામાં આવે છે.
₹2000 Denomination Banknotes – Withdrawal from Circulation – Reviewhttps://t.co/hOpOpA0J94
— ReserveBankOfIndia (@RBI) September 30, 2023
બેંકે વધુમાં જણાવ્યું કે, 29 સપ્ટેમ્બર, 2023 સુધીમાં હવે માત્ર 0.14 ટકા 2000ની નોટ બજારમાં છે. અર્થાત 19મે, 2023થી અત્યાર સુધીમાં રૂપિયા 2000ની 96 ટકા નોટ પરત આવી ગઈ છે.
હવે સાત ઑક્ટોબર સુધી જમા કરાવી શકાશે અથવા તેના બદલામાં નાની ચલણી નોટો લઈ શકાશે.
પછી શું થશે?
30 સપ્ટેમ્બરની મુદત વધારીને સાત ઑક્ટોબર કરવામાં આવી છે. ત્યારબાદ આઠમી ઑક્ટોબરથી 2000 રૂપિયાની નોટ ડિપોઝિટ કરાવવાની અથવા બદલાવવાની પ્રક્રિયા બંધ થઈ જશે. 8મી ઑક્ટોબર બાદ વ્યક્તિગત ધોરણે અથવા સંસ્થા-કંપની RBIની નિર્ધારિત 19 બ્રાન્ચમાં એક સાથે મહત્તમ રૂપિયા 20,000 જમા કરાવી શકશે અને તેની સામે નાની રકમની નોટ લઈ શકશે. એ જ પ્રમાણે જે લોકો પોતાના ખાતાંમાં રકમ જમા કરાવવા માગતા હશે તેઓ ગમે તેટલી રકમની 2000ની નોટ માત્ર RBIની નિર્ધારિત 19 શાખા દ્વારા કરી શકશે.
આઠ ઑક્ટોબર પછી વ્યક્તિગત અથવા કંપનીઓ રૂપિયા 2000ની બેંક નોટો ભારતીય પોસ્ટ દ્વારા RBIની નિર્ધારિત 19 બ્રાન્ચમાં મોકલાવી શકશે જેને તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવશે.
આરબીઆઈએ મહત્ત્વની જાહેરાત એ પણ કરી છે કે, રૂપિયા 2000ની બેંકનોટ કાનૂની ચલણી નોટ તરીકે યથાવત રહેશે.