ગુજરાતટોપ ન્યૂઝ

આજથી કેજરીવાલ બે દિવસ ગુજરાતની મુલાકાતે, ‘આપ’ના નવા સંગઠનના હોદ્દેદારોને શપથ લેવડાવશે

Text To Speech

અમદાવાદઃ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજથી 2 દિવસની ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. આજે બપોરે 2.30 વાગ્યે અરવિંદ કેજરીવાલ અમદાવાદ એરપોર્ટ પહોંચશે. સાંજે ચાર વાગ્યે નરોડા મેવાડા ગ્રીન પાર્ટી પ્લોટમાં આમ આદમી પાર્ટી ગુજરાતના સંગઠનના 7500 જેટલા પદાધિકારીઓને શપથ લેવડાવશે.

આ ઉપરાંત તેઓ 4 જુલાઈના રોજ સવારે 11 વાગ્યે વીજળીના મુદ્દે વૈષ્ણવદેવી સર્કલ પાસે ટાઉન હોલમાં કાર્યક્રમ પણ યોજશે. ત્યારબાદ દિલ્લી જવા રવાના થશે. સતત બીજા મહિને અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ત્યારે કહી શકાય કે નક્કી ગુજરાતની આ વર્ષની વિધાનસભા ચૂંટણી ધમાકેદાર રહેવાની છે.

ગુજરાતનું બીજા નંબરનું સૌથી મોટું સંગઠનઃ ઇસુદાન
આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યના બીજા સૌથી મોટા સંગઠનમાં 7500 પદાધિકારીઓને શપથ લેવડાવવા માટે આજે ગુજરાત આવી રહ્યા છે. જેમાં હાલમાં 6000થી વધુ પદાધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે અને આ પહેલાં 1500 લોકોનું સંગઠન જાહેર કરવામાં આવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતુ કે, નરોડા મેવાડા ગ્રીન પાર્ટી પ્લોટમાં નવનિયુક્ત પદાધિકારીઓ શપથ ગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહી તમામ હોદ્દેદારોને શપથ લેવડાવશે. ગુજરાતની જનતા ની સારી સેવા કરવી જોઈએ, આવનારી ચૂંટણીમાં પક્ષ ને મજબૂત સ્થિતિમાં મૂકવો જોઈએ અને પોતાના પદ ની તમામ જવાબદારીઓ નિભાવવી જોઈએ, આ તમામ બાબતો માટે શપથ લેવડાવવામાં આવશે.

આમ આદમી પાર્ટીએ ગુજરાતના ગામડાઓ અને શહેરોમાં ફ્રી વીજળી આંદોલન શરૂ કર્યું છે. જેમાં અમારો મુદ્દો છે કે જો દિલ્હી અને પંજાબની જનતાને મફત વીજળી મળી શકે છે તો ભ્રષ્ટ ભાજપ સરકાર ગુજરાતની જનતાને મફત વીજળી કેમ નથી આપી રહી? વીજળી મુદ્દે પણ અરવિંદ કેજરીવાલ કાર્યક્રમ કરવાના છે.

બીજા દિવસે 4 જુલાઈના રોજ સવારે 11 વાગ્યે વીજળી મુદ્દે વૈષ્ણોદેવી સર્કલ પાસે ટાઉન હોલ કાર્યક્રમ યોજશે. જેમાં ગુજરાતમાં ફ્રી વીજળી મુદ્દે તેઓ ચર્ચા કરશે. આ સાથે ગુજરાતને લગતી જે પણ મહત્વની સમસ્યા છે, પછી તે આદિવાસી સમાજની સમસ્યા હોય કે ગરીબ અને વંચિત લોકોની સમસ્યા હોય કે ખેડૂતોની સમસ્યા હોય, આ તમામ સમસ્યાઓ પર અરવિંદ કેજરીવાલ સાથે મહત્વપૂર્ણ વાતચીત થશે. ત્યારબાદ દિલ્લી જવા તેઓ રવાના થશે.

Back to top button