જમ્મુ-કાશ્મીર: સંયુક્ત ઓપરેશનમાં સેનાએ 2 ઘૂસણખોરોને ઠાર કર્યા
- સંયુક્ત ઓપરેશનમાં ઘૂસણખોરી કરનારા બે આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. હજુ ઓપરેશન ચાલુ છે.
- એન્કાઉન્ટર સ્થળ પરથી 2 AKS ગન, 4 AKMags, 90 રાઉન્ડ, 1 પાકિસ્તાની પિસ્તોલ, 1 પાઉચ અને પાકિસ્તાની ચલણના 2100 રૂપિયા મળી આવ્યા છે.
જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. કુપવાડા પોલીસે કહ્યું કે ઘૂસણખોરી કરનારા બે આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે કુપવાડા પોલીસ દ્વારા આપવામાં આવેલી ગુપ્ત માહિતીના આધારે મચલ સેક્ટરના કુમકડી વિસ્તારમાં સેના અને પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા સંયુક્ત ઓપરેશનમાં ઘૂસણખોરી કરનારા બે આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. હજુ ઓપરેશન ચાલુ છે. પોલીસે જણાવ્યું કે એન્કાઉન્ટર સ્થળ પરથી 2 AKS ગન, 4 AKMags, 90 રાઉન્ડ, 1 પાકિસ્તાની પિસ્તોલ, 1 પાઉચ અને પાકિસ્તાની ચલણના 2100 રૂપિયા મળી આવ્યા છે.
જમ્મુ-કાશ્મીરને આતંકવાદમાંથી મુક્ત કરવા માટે સેના અને પોલીસ સતત પ્રયાસો કરી રહી છે. તાજેતરમાં જમ્મુ અને કાશ્મીરના પોલીસ મહાનિર્દેશક દિલબાગ સિંહે કહ્યું હતું કે પાકિસ્તાન અને તેની એજન્સીઓ રાજ્યમાં યુવા પેઢીને નિશાન બનાવવા અને આતંકવાદી પ્રવૃત્તિઓ માટે નાણાં એકત્ર કરવાના ઉદ્દેશ્ય સાથે છેલ્લા બે વર્ષથી નાર્કો-આતંકવાદનો માર્ગ અપનાવી રહી છે. દિલબાગ સિંહે વધુમાં કહ્યું કે આતંકવાદ વિરોધી મોરચે જનતાનો સહકાર અને સમર્થન પ્રોત્સાહક છે, “અમે જમ્મુ અને કાશ્મીરને આતંકવાદથી મુક્ત બનાવવાની ખૂબ જ નજીક છીએ.”
પાકિસ્તાન સમર્થિત તત્વોની યોજનાને નિષ્ફળ બનાવવા માટે સુરક્ષા ગ્રીડ સક્રિય: DGP
જમ્મુ અને કાશ્મીરના પોલીસ મહાનિર્દેશક દિલબાગ સિંહે ગુરુવારે જણાવ્યું હતું કે સરહદ પર અને અંતરિયાળ વિસ્તારોમાં પાકિસ્તાન સમર્થિત રાષ્ટ્રવિરોધી તત્વોની નાપાક યોજનાઓને નિષ્ફળ બનાવવા માટે સુરક્ષા ગ્રીડ સતર્ક અને સક્રિય છે. સિંહે કહ્યું કે જમ્મુ અને કાશ્મીરના લોકો શાંતિ ઇચ્છે છે અને પાકિસ્તાનની ગુનાહિત મૂર્ખતાને ઓળખે છે જે યુવાનોને પોતાના લોકો વિરુદ્ધ ભડકાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.
ઉધમપુર અને રિયાસી જિલ્લાઓની એક દિવસીય મુલાકાતે આવેલા રાજ્યના પોલીસ વડાએ તાલીમાર્થી અધિકારીઓ અને સૈનિકો સાથે વાત કરતાં કહ્યું કે, “સરહદો પર અને આંતરિક વિસ્તારોમાં પાકિસ્તાન દ્વારા સમર્થિત રાષ્ટ્રવિરોધી તત્વોની નાપાક યોજનાઓને નિષ્ફળ બનાવવા માટે સુરક્ષા ગ્રીડ સતર્ક અને સક્રિય છે.”
આ પણ વાંચો: પંજાબમાં ફરી પરાળી સળગાવવાનું શરૂ, દિલ્હી પ્રદૂષણમાં ગુંગળાશે