અમરેલી પંથકમાં હચમચાવતી ઘટના સામે આવી છે. જિલ્લાના ચિતલ ગામે માતાએ પોતાના 7 માસના બાળકને ઝેર આપી પોતે આપઘાત કરી લેવાની હૃદય દ્રાવક ઘટના સામે આવી છે. માતાએ પહેલા પુત્રને ઝેર આપી મોત નિપજાવ્યા બાદ માતાએ પણ ઝેર ગટગટાવી આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. આ બનાવને લઈને હજુ સુધી મોતનુ કોઈ કારણ હજુ સુધી સામે આવ્યુ નથી.
સવારે પુત્રને ઝેરી દવા પીવડાવી, બપોરે પોતે પી લીધી હતી
મળતી માહિતી પ્રમાણે અમરેલીના ચિતલ ગામે નૈમી ચારણ્ય ગૌ શાળા નદીના કાંઠે રહેણાંક મકાનમાં કાજલબેન તુષારભાઈ સાવલિયા નામની 28 વર્ષીય પરણિતાએ પોતાના 7 માસના પુત્ર જયવીરને ગત તારીખ 01 જૂલાઈના રોજ સવારના 9 વાગ્યાથી બપોરના 2 વાગ્યાના સમય ગાળા દરમિયાન ઝેરી દવા પીવડાવી અને હત્યા નિપજાવ્યા બાદ પોતે પણ ઝેરી દવા પી જતા તેને સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જોકે સારવાર દરમિયાન તેમનું મોત થયુ હતુ. બનાવ અંગે પોલીસ તપાસ ચલાવી ચાલી રહી છે.
પરિણીતાના પિતાએ પોલીસને જાણ કરી
આ બનાવમાં પોલીસે આપેલી માહિતી મુજબ પરિણતાના પતિનું નામ તુષાર ભરતભાઈ સાવલિયા જે ચિતલના રહેવાસી છે. તેમજ ઘટનામાં યુવતીના પિતા વિનોદભાઈ મનજીભાઇ ટીંબડીયા નામના ખેડૂત છે. જે બાબરાના ચમારડી પ્લોટ વિસ્તારમાં રહે છે. તેમના દ્વારા બનાવ અંગે તાલુકા પોલીસમાં તેમની પુત્રીના મોતને લઈને જાણ કરવામાં આવી હતી. આ અંગે પોલીસ આગળ તપાસ કરી રહી છે.