મણિપુરમાં હિંસા ચરમસીમાએ, ટોળાએ ભાજપ કાર્યાલયને ચાંપી આગ
- મણિપુરમાં બે વિધ્યાર્થીઓની હત્યા બાદ હિંસા
- ટોળાએ ભાજપ કાર્યાલયને આગ ચાંપી, BJP પ્રમુખના ઘર પર હુમલો કર્યો અને CMનું પૂતળું સળગાવ્યું
- પોલીસ દ્વારા પ્રદર્શનકારીઓ પર ટીયર બોમ્બ-પેલેટ ગનથી ફાયરિંગ
મણિપુરમાં 3 મેથી મૈતેઈ અને કુકી સમુદાયો વચ્ચે ચાલી રહેલી હિંસા અટકવાનું નામ લઈ રહી નથી. ત્યારે જુલાઈથી ગુમ થયેલા બે વિદ્યાર્થીઓના મૃતદેહોના ફોટા સામે આવ્યા બાદ ફરી હિંસા ભડકી ઊઠી છે. જેને પગલે બુધવારે(27 સપ્ટેમ્બરે) રાજધાની ઈમ્ફાલ સહિત અનેક સ્થળોએ પ્રદર્શનકારીઓ અને સુરક્ષા દળો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. પ્રદર્શનકારીઓમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સામેલ હતા. પ્રદર્શનકારીઓએ થાઉબલ જિલ્લામાં ભાજપ કાર્યાલયને આગ ચાંપી અને ઇમ્ફાલમાં બીજેપી અધ્યક્ષના ઘર પર પણ હુમલો કર્યો હતો તેમજ મુખ્યમંત્રી એન.બિરેન સિંહનું પણ પૂતળું સળગાવ્યું હતું. પોલીસે ભીડને વિખેરવા માટે ટીયરગેસના શેલ અને પેલેટ ગનથી ફાયરિંગ કર્યું હતું. જેમાં અનેક વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. તે જ સમયે, એક વિદ્યાર્થીના માથામાં છરા ઘૂસી જવાથી તેની હાલત ગંભીર છે.
પોલીસે સમગ્ર હિંસા મુદ્દે શું કહ્યું ?
પોલીસે બુધવારે જણાવ્યું હતું કે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વાતાવરણ તંગ રહ્યું છે. પરંતુ સ્થિતિ કાબૂમાં આવી હતી. હિંસા સંબંધિત ઘટનાઓના સંબંધમાં 1697 લોકોની અટકાયત કરવામાં આવી છે. સીબીઆઈના સ્પેશિયલ ડાયરેક્ટર અજય ભટનાગર વિદ્યાર્થી હત્યાકેસની તપાસ માટે તેમની ટીમ સાથે સ્પેશિયલ ફ્લાઈટમાં ઈમ્ફાલ પહોંચ્યા હતા. રાજ્યના બાકીના વિસ્તારોને ડિસ્ટર્બ વિસ્તાર જાહેર કરવામાં આવ્યા હતા.
ઇન્ટરનેટ સેવા બંધ અને સમગ્ર રાજ્ય ડિસ્ટર્બ વિસ્તાર જાહેર
શનિવારે(23 સપ્ટેમ્બરે) ચાલુ કરેલી ઈન્ટરનેટ સેવાઓ માત્ર ત્રણ જ દિવસમાં બંધ કરી દેવામાં આવી છે. 6 જુલાઈથી ગુમ થયેલા બે વિદ્યાર્થીઓની હત્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આદેશ મુજબ મણિપુરમાં 1 ઓક્ટોબરના સુધી પાંચ દિવસ માટે મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે તેમજ બુધવારે(27 સપ્ટેમ્બરે) સમગ્ર મણિપુર રાજ્યને ડિસ્ટર્બ વિસ્તાર જાહેર કરવામાં આવ્યો હતો.
આ પણ જાણો:સોમનાથ દર્શન કરવા આવી પહોંચ્યા ઈસરોના ચેરમેન સોમનાથ