ગુજરાતચૂંટણી 2022

રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર-કચ્છના ચૂંટણી અધિકારીઓની તાલીમ યોજાઇ

Text To Speech

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આગામી ડિસેમ્બર મહિના સુધીમાં યોજાવાની નિશ્ર્ચિત છે ત્યારે આ અંગે સરકારી તંત્ર સતર્ક બની ગયુ છે અને બેઠકો તેમજ તાલીમનો દૌર શરુ થઇ ગયો છે. દરમિયાન આજે રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર-કચ્છના ચૂંટણી અધિકારીઓની તાલીમનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં મુખ્ય ચૂંટણી અધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓ દ્વારા વીડિયો કોન્ફરન્સના માધ્યમથી માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.

12 જિલ્લાના આશરે 90 જેટલા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા

મળતી માહિતી મુજબ આજે શહેરનાં હેમુગઢવી હોલ ખાતે મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીના માર્ગદર્શન તળે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિધાનસભાની ચૂંટણી સંબંધિત સૌરાષ્ટ્ર-કચ્છના મતદાર નોંધણી અધિકારી અને નાયબ ચૂંટણી અધિકારીઓનો તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. કલેકટર અરૂણ મહેશ બાબુના અધ્યક્ષ સ્થાને યોજાયેલાં આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર કચ્છના 12 જિલ્લાના નાયબ ચૂંટણી અધિકારીઓ સહિત આશરે 90 જેટલા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.  આ તાલીમ કાર્યક્રમમાં અમદાવાદ જિલ્લાના અધિક જિલ્લા ચૂંટણી અધિકારી સી.એ. ગાંધી દ્વારા પ્રેઝનટેશનના માધ્યમથી ચૂંટણી અધિકારીઓને મતદાર યાદી, નામ નોંધણી, નામ કમી, જરૂરી સુધારા વધારા, ઇપીએસસી સંબંધી પ્રશ્ર્નોના નિકાલ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરીને માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.

18 વર્ષથી ઉપરના નવા મતદારો તથા મહિલાઓને પ્રોત્સાહન આપવા સૂચન
આ ઉપરાંત નાના લાગતાં ઈશ્યુઓ પરત્વે ગંભીરતા દાખવી તાત્કાલિક નીકાલ કરવાનું સુચન કર્યું હતું, વધુમાં 18 વર્ષ પૂર્ણ કરતાં નવા યુવાઓની મતદાર નોંધણીની ઝુંબેશ શરૂ કરવાની પ્રેરણા આપી હતી. આ સાથે મહિલા મતદારોની સંખ્યા વધે તે માટે વિવિધ વિસ્તારોનો સર્વે કરીને મહિલાઓને મતદાર યાદીમાં સામેલ કરવાની કામગીરી હાથ ધરવા કહ્યું હતું. આ ઉપરાંત મુખ્ય નિર્વાચન અધિકારી પી.ભારતી અને અધિક નિર્વાચન અધિકારી આર.કે.પટેલ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાઈને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ તકે ગાંધીનગર કચેરીના નાયબ સચિવ એમ.બી.દેસાઈ અને અને આઈ.ટી.નિષ્ણાંત પ્રિતેષભાઈ ટેલર દ્વારા તાલીમ આપવામાં આવી હતી.
Back to top button