રાજકીય હિત માટે ત્રાસવાદનો બચાવ ન કરી શકાયઃ UNમાં ભારતના વિદેશપ્રધાનનો કેનેડા પર પ્રહાર
UNSC: કોઇપણ દેશે પોતાની રાજકીય સુવિધા ખાતર ત્રાસવાદ, અંતિમવાદ અને હિંસાને સમર્થન આપવું ન જોઇએ તેમ ભારતના વિદેશપ્રધાન એસ. જયશંકરે આજે યુએન સામાન્ય સભામાં જણાવ્યું હતું. કેનેડાનું નામ લીધા વિના આ શાબ્દિક હુમલો દેખીતી રીતે જસ્ટિન ટ્રુડો સરકાર માટે હતો. એસ. જયશંકરે જણાવ્યું કે, બજારની ક્ષમતાનો ઉપયોગ અન્ન અને ઊર્જા જરૂરિયાતમંદ લોકો પાસેથી ધનિકો તરફ લઈ જવા માટે થવો ન જોઇએ.
ન્યૂયોર્કમાં ચાલી રહેતી 78મી યુએન સામાન્ય સભાની બેઠકમાં ભારત વતી આજે વિદેશપ્રધાન એસ. જયશંકરે “ભારત તરફથી નમસ્તે” કહીને સૌનું અભિવાદન કર્યું હતું. તેમના પ્રવચનમાં તેમણે અન્ય બાબતોની સાથે કેનેડાએ ભારત ઉપર કરેલા પાયાવિહીન આક્ષેપના જવાબમાં ટ્રુડો સરકારને ભારતના મક્કમ વલણનો સ્પષ્ટ સંકેત આપ્યો હતો. વિદેશપ્રધાને વધુમાં જણાવ્યું કે, પ્રાદેશિક અખંડિતતા તથા એકબીજા દેશની આંતરિક બાબતોમાં દખલ નહીં કરીને તેનું સન્માન કરવું એ વાત કોઈ દેશ પોતાની મુુનસફી મુજબ કરી ન શકે. “જ્યારે બોલવટકપણું વાસ્તવિકતાથી આગળ વધી જાય ત્યારે અમારે પૂરી હિંમતપૂર્વક ખોટાને ખોટા કહેવા જ પડે,” તેમ ભારતીય વિદેશપ્રધાને જણાવ્યું હતું.
વિદેશપ્રધાન એસ. જયશંકરે આ ઉપરાંત ભારતમાં તાજેતરમાં યોજાઈ ગયેલી જી-20 શિખર બેઠકની સફળતા વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે, ભારતે એક વિશિષ્ટ જવાબદારીપૂર્વક આ શિખર બેઠકનું આયોજન કર્યું હતું તેમ જણાવી તેમણે ઉમેર્યું કે, “એક પૃથ્વી, એક પરિવાર અને એક ભવિષ્ય” નું ભારતની થીમ માત્ર થીમ નહીં પરંતુ ભારતનો એ વિશાળ દૃષ્ટિકોણ છે જેનો જી-20ના દેશો ઉપરાંત સમગ્ર દુનિયાએ સ્વીકાર કર્યો છે.
આ પણ વાંચોઃ પાકિસ્તાનમાં માનવ અધિકારોનું ઉલ્લંઘન થાય છે તેનું શું? યુએનમાં ભારતે મારી લપડાક