જૂનાગઢવાસીઓને સ્વાદિષ્ટ પ્રાકૃતિક ભોજન માટે એકવાર તો અચૂક પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફેમાં પધારવું જોઈએ. અહીં લોકોને પ્રાકૃતિક ભોજન ઉપલબ્ધ કરાવવા માટે પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફેની સંચાલક સખી મંડળની બહેનોએ જિલ્લાના ચાર ખેડૂતો સાથે MoU કર્યા છે. આ ખેડૂતોએ પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફેમાં પ્રાકૃતિક રીતે પકવેલ અનાજ અને શાકભાજી પૂરું પાડવાનું રહેશે.
વડાલ, ભેંસાણના એક-એક અને આલિધ્રાના બે ખેડૂતો સાથે MoU
જૂનાગઢ શહેરના મધ્યમાં આઝાદ ચોક ખાતે પ્રારંભ થયેલ આ કાફેનું સર્વોદય સખીમંડળ દ્વારા સંચાલન કરવામાં આવશે. આ મંડળના સંચાલક રેખાબેન સોલંકી કહે છે કે, નવા અભિગમ સાથે આ કાફે શરૂ કરવામાં આવ્યું છે. અમારી નેમ છે કે, લોકોને આરોગ્યપ્રદની સાથે પ્રાકૃતિક ભોજન મળી રહે. આ માટે પ્રાકૃતિક ખેતિ કરતા વડાલ, ભેંસાણના એક-એક અને આલિધ્રાના બે ખેડૂતો સાથે MoU કર્યા છે. જે પ્રાકૃતિક અનાજ અને શાકભાજી પૂરું પાડશે. આમ, હવે પ્રાકૃતિક રીતે પકવેલ અનાજ અને શાકભાજી ખેડૂતના ખેતરમાંથી સીધું પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફેના રસોડામાં આવશે. રેખાબેન કહે છે કે, લોકો પ્રાકૃતિક ભોજનનો ઘરે બેઠા લુફ્ત લઈ શકશે. આ માટે ઓનલાઈન ઓર્ડર પણ કરી શકશો.
પ્લાસ્ટિક જમા કરાવનારને પ્રોત્સાહન રૂપે સરબત અને પૌવા-ઢોકળાનો નાસ્તો
આ કાફે દેશનું પ્રથમ પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફે છે. જેમાં એક આગવા અભિગમ સાથે અહિંયા પ્લાસ્ટિક જમા કરાવનારને પ્રોત્સાહન રૂપે સરબત અને પૌવા-ઢોકળાનો નાસ્તો આપવામાં આવશે. મહત્વનુ છે કે, દેશમાં તા.૧લી જૂલાઈથી સિંગલયૂઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફેનો તાજેતરમાં તા.૩૦ જૂનના રોજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ શુભારંભ કર્યો હતો. આ સાથે તેમણે આ કાફેને સમગ્ર દેશને પ્રેરણા આપનારૂ ગણાવ્યું હતું. સિંગલયૂઝ પ્લાસ્ટિકથી મુક્તિ તરફના આ નવતર અભિગમને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ આવકાર્યો હતો.
સરકારી યોજનાનો લાભ મળ્યો, આવકની રકમ જરૂરિયાત સમયે ઉપયોગી
જિલ્લા વહીવટી તંત્રનો આભાર માનતા રેખાબેન કહે છે કે, જિલ્લા કલેક્ટર રચિત રાજ દ્વારા ખૂબ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. ઉપરાંત મહિલા અને બાળ વિકાસ અધિકારી જીગર જસાણીનું માર્ગદર્શન પણ ખૂબ ઉપયોગી સાબિત થયું છે. સર્વોદય સખીમંડળ વર્ષ-૨૦૦૯થી કાર્યરત છે, આ બહેનો દ્વારા સરકારી પોલીટિકનીક ખાતે પણ કેન્ટીન ચલાવી રહ્યા છે. તેમ જણાવતા રેખાબેન કહે છે કે, રાજ્ય સરકાર દ્વારા નજીવા દરે લોન આપવાની સાથે માલ સામાનના હેરફેર માટે એક ફોર વ્હિલર વાહન ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. ઉપરાંત મંડળના દરેક સભ્ય બહેનો દર માસે એક નિશ્ર્ચિત રકમ ભેગી કરવામાં આવે છે. આ રકમનું સખીમંડળના સભ્ય બહેનોને જરૂરિયાતના સમયે ધિરાણ પેટે કે વગર વ્યાજે નાણાં આપવામાં આવે છે.
પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફેમાં ભોજનનો થશે એક નવો અહેસાસ
કલેકટર રચિત રાજના માર્ગદર્શન હેઠળ આ પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફેની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને લોકોનું પ્રકૃતિ સાથે અનુસંધાન કેળવાય તેની કાળજી લેવામાં આવી છે. સાથે લોકોનો પ્રકૃતિ પ્રેમ વિકસે અને પ્લાસ્ટિકનો વપરાશ નહીંવત પ્રમાણમાં કરવા પ્રેરાય તેને ધ્યાનમાં રાખીને આ ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફેની છતને આકર્ષક બનાવવા માટે તેમાં વાંસની સુંડલીઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઉપરાંત કાફેની દીવાલો પર પણ આકર્ષક પેઇન્ટિંગ અને ફૂલઝાડને કંડારવામાં આવ્યા છે. વુડન બેઈઝડ ફર્નિચર તૈયાર કરવામાં આવ્યું છે. આમ, અહીં આવતા લોકોને ભોજનનો એક નવો અહેસાસ થાય તેવા પ્રયત્નો કરવામાં આવ્યા છે.