શું ગુજરાતમાં હવે આવતા વર્ષથી કૉમન એડમિશન પ્રક્રિયા શરૂ થશે?
ગાંધીનગરઃ ગુજરાતમાં હવે યુનિવર્સિટી શિક્ષણ માટે આવતા વર્ષથી સમાન પ્રવેશ પ્રક્રિયા (કોમન એડમિશન પ્રક્રિયા) શરૂ થઈ શકે છે, કેમ કે રાજ્ય વિધાનસભાએ ચાલુ મહિને કૉમન યુનિવર્સિટી (જેનું નામ પછીથી પબ્લિક યુનિવર્સિટી) કાયદો પસાર કરવામાં આવ્યો હોવાથી પ્રવેશ પ્રક્રિયા પણ સમાન રહેવાની શક્યતા છે.
ગુજરાત વિધાનસભામાં ચોમાસું સત્રના અંતિમ દિવસે અર્થાત 16 સપ્ટેમ્બરે કોમન યુનિવર્સિટી બિલ બહુમતીથી પસાર કરવામાં આવ્યું હતું. આ બિલથી હવે રાજ્યની તમામ 11 યુનિવર્સિટીઓમાં સમાન કાયદા અને નિયમોને આધીન સંચાલન કરવામાં આવશે. આ તમામ યુનિવર્સિટીઓમાં આવતાં વર્ષથી સમાન પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે. જેને પગલે યુનિવર્સિટીઓમાં ચાલતી સેનેટ પ્રથા અને રાજકીય પ્રતિનિધિત્વ ખતમ થશે. આ કોમન યુનિવર્સિટી એક્ટ લાગું થતા સેનેટ અને સિન્ડિકેટની જગ્યાએ બોર્ડ ઓફ મેનેજમેન્ટ અસ્તિત્વમાં આવશે. રાજ્યમાં મેડિકલ, પેરામેડિકલ, એન્જિનિયરિંગ, ફાર્મસી, ટેક્નિકલ અને વ્યાવસાયિક સહિતનાં અભ્યાસક્રમોની એડમિશન પ્રક્રિયા સમાન છે. જો કે, રાજ્યની યુનિવર્સિટીઓમાં કલા, વાણિજ્ય, વિજ્ઞાન, કાયદો અને શિક્ષણમાં સ્નાતક (UG) તેમજ અનુસ્નાતક (PG) અભ્યાસક્રમો અલગ છે.
હવેથી અલગ-અલગ પોર્ટલ નહીં
હાલ, રાજ્યની યુનિવર્સિટીઓ પોતાના અલગ-અલગ પોર્ટલ, વેબસાઇટ અને ઍપ્લિકેશન મારફતે એડમિશનની પ્રક્રિયા ચલાવી રહી છે. જેમાં હવે મોટો ફેરફાર થતાં આવતાં વર્ષથી રાજ્યની તમામ યુનિવર્સિટીઓમાં માટે એકજ ઓનલાઈન કેન્દ્રીય પ્રવેશ પોર્ટલ શરૂ થશે. સરકારે GIPL (Guj Info Petro Ltd)ને પ્રવેશ પ્રક્રિયા માટે એકસમાન સોફ્ટવેર સોલ્યુશન વિકસાવવા માટેનો કોન્ટ્રાક્ટ આપ્યો છે. હાલમાં, ગુજરાત યુનિવર્સિટીના એડમિશન પોર્ટલ સહિત ઘણી યુનિવર્સિટીઓનું સંચાલન GIPL દ્વારા કરવામાં આવે છે.
સરકારનું પહેલું પગલું પોર્ટલ અને બાદમાં એપ્લિકેશન
હાલમાં સરકાર પ્રવેશ પ્રક્રિયા માટે 11 યુનિવર્સિટીઓને એક જ છત હેઠળ મૂકવાની યોજના બનાવી રહી છે અને તેના માટે તે વિવિધ અભ્યાસક્રમો પરનાં જરૂરી ડેટા એકત્રિત કરી રહી છે. આ ડેટાનાં આધારે, સરકાર પાસે વિવિધ રાજ્યની યુનિવર્સિટીઓમાં ઉપલબ્ધ વિવિધ અભ્યાસક્રમોનો ભંડાર હશે. વિદ્યાર્થીઓ સરકાર દ્વારા ડિઝાઇન કરાયેલ એક જ પોર્ટલમાં તમામ યુનિવર્સિટીના અભ્યાસક્રમોની માહિતી મેળવશે. ત્યારબાદ 2-3 મહિનામાં સરકાર તેના માટે એક એપ્લિકેશન પણ લોન્ચ કરશે. વિદેશની અસંખ્ય યુનિવર્સિટીઓ દ્વારા અપનાવવામાં આવેલી કેન્દ્રિય પ્રવેશ પ્રણાલીથી પ્રેરિત એક પગલામાં, ગુજરાત સરકારે વિદ્યાર્થીઓ અને અરજદારોની સુવિધા માટે તમામને એક છત હેઠળ લાવીને, વિવિધ યુનિવર્સિટીઓ માટે પ્રવેશ પ્રક્રિયાઓને એક જ છત નીચે લાવવા માટે એક પ્રવેશ પોર્ટલ શરૂ કરવાની પણ યોજના બનાવી છે. એક જ નોંધણી સાથે, વિદ્યાર્થીઓ અને અરજદારો માહિતી મેળવી શકે છે અને એક જ જગ્યાએ વિવિધ યુનિવર્સિટીઓ માટે તેમની પ્રવેશ ફી ચૂકવી શકે છે.
આ પણ વાંચો : તમાકુ ઉત્પાદનોના વેચાણ, સંગ્રહ અને વિતરણ પરનો પ્રતિબંધ લંબાયો