ખુમારી : પોસ્ટ પોલિયો સિન્ડ્રોમથી પિડાતી મહિલા ઓપરેશન માટે 10 લાખ પોતાના વાર્તા સંગ્રહમાંથી એકત્ર કરશે
બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલા ઝેરડા ગામમાં એક મહિલા પોસ્ટ પોલિયો સિન્ડ્રોમથી પીડાઈ રહી છે.આ હોનહાર મહિલાના ઈલાજ માટે દશ લાખ રૂપિયાની જરૂર છે, ત્યારે આ મહિલાએ કોઇની આગળ હાથ લંબાવવાના બદલે પોતાની લેખન કલાનો સહારો લઈને અત્યારે પોતાના ઈલાજ માટે નાણાં એકત્રિત કરી રહી છે.
ડીસાના ઝેરડાની મહિલા ‘પુનરાષ્ટમી’ લઘુ વાર્તા સંગ્રહ પ્રકાશિત કરશે
નામ વર્ષાબેન બારોટ. જન્મસ્થળ ડીસા તાલુકામાં આવેલું ઝેરડા ગામ. ઉંમર ૪૪ વર્ષ.અભ્યાસ ગુજરાતીમાં માસ્ટર ડિગ્રી. અને પોતે લેખિકા અને કવિયત્રી પણ છે. સાહિત્યનું જ્ઞાન ધરાવતા વર્ષાબેન અત્યારે પોસ્ટ પોલિયો સિન્ડ્રોમ નામની બીમારીથી પીડાઈ રહ્યા છે. તેમનો ડાબો પગ હવે કામ પણ નથી કરી રહ્યો. માત્ર બે વર્ષની ઉંમરમાં જ વર્ષાબેન પોલિયો ગ્રસ્ત થઈ ગયા હતા. બાળપણમાં તેમના માત-પિતાએ હોમિયોપેથી સારવાર કરાવતા વર્ષાબેન ચાલવા લાયક તો થયા પરંતુ મુસીબતો વર્ષાબેનનો પીછો છોડવાનું નામ જ ના લેતી હોય તેમ એક પછી એક મુસીબતો તેમના સામે આવતી ગઈ. તેમ છતાં વર્ષાબેને હિંમત હારી નહીં અને પોતે પોલિયોગ્રસ્ત હોવા છતાં પણ મુસીબતો સામે લડતા રહ્યા અને સામાન્ય મહિલાઓ જેમ કામ કરતા રહ્યા.
આટઆટલી મુસીબતોનો સામનો કરી રહેલા વર્ષાબેન માટે આટલી મુસીબતો ઓછી હોય તેમ વર્ષ ૨૦૧૨માં સહુથી મોટી મુસીબત આવી ગઈ. બાળપણ પોલિયોની સારવાર કરવાથી ઠીકઠાક ચાલતા થયેલા વર્ષાબેનને અકસ્માત નડ્યો. તેમના પોલિયો ગ્રસ્ત ડાબા પગમાં જ ફ્રેકચર થયું. ત્યારબાદ પોલિયોગ્રસ્ત પગની સર્જરી કરવવામાં આવી. બસ ત્યારથી જ વર્ષાબેનની મુશ્કેલીઓ વધવા માંડી. ધીરે ધીરે તેમનો ડાબો પગ કામ કરતો બિલકુલ બંધ થઈ ગયો. અત્યારે તો લાકડીના સહારે ચાલવાની નોબત આવી ગઈ છે.
વર્ષાબેન નાનકડા ઝેરડા ગામમાં કટલરીની દુકાન ચલાવે છે. પગમાં કમજોરી હોવાના લીધે દુકાનમાં જ્યારે ગ્રાહક આવે છે ત્યારે તે માત્ર એકાદ મિનિટ ઊભા રહે તો પણ વર્ષાબેન અસહ્ય પીડાથી કણસી ઊઠે છે. તેના લીધે તેમના વેપાર પર પણ વિપરીત અસરો પડી રહી છે. પરંતુ અડગ મનના વર્ષાબેન આ સમસ્યાના નિવારણ માટે ઓનલાઈન તપાસ કરીને હરિયાણા સારવાર માટે ગયા. ત્યાં તબીબે વર્ષાબેનને પોસ્ટ પોલિયો સિન્ડ્રોમ નામની બીમારી હોવાનું નિદાન કર્યું. તે ઠીક થઈ શકે છે પરંતુ તેના માટે ઓપરેશન કરવું પડશે. પરંતુ ઓપરેશનનો ખર્ચ અંદાજિત દશ લાખ કરતાં પણ વધારે જણાવતા હતાશ થયેલા વર્ષાબેન પરત આવ્યા. પરત આવ્યા બાદ વર્ષાબેને વિચાર કર્યો કે તેમનામાં રહેલી સાહિત્ય કલાનો ઉપયોગ કરીને તે નાણાં એકત્રિત કરી શકે તેમ છે. અને વર્ષાબેને શરૂઆત કરી વાર્તાઓ લખવાની. પોતાનામાં રહેલી સાહિત્યની કલાના માધ્યમથી ‘પુનરાષ્ઠમી’ નામના વાર્તા સંગ્રહની રચના કરી. જેમાં દશ લઘુ વાર્તા છે અને તેમાં વર્ષાબેને પોતાના જીવન વિષે પણ લખ્યું છે. વર્ષાબેનને આશા છે કે, તેમના આ પુસ્તકના પ્રકાશન બાદ જે આવક થશે તેનાથી તે તેમની બીમારીનો ઈલાજ કરાવી શકશે. સાથે સાથે પોતાની બીમારીના ઈલાજ માટે લોકો આગળ હાથ ફેલાવવા કરતાં વર્ષાબેને પુસ્તક લખીને લોકોને પુસ્તક પ્રકાશન બાદ ખરીદવા માટે અપીલ કરી છે.