ગુજરાતની ભૂમિના દ્વાર સૌ કોઈ પોતાની પ્રગતિ કરી રહ્યું છે ત્યારે જમ્મુ કાશ્મીરના વિદ્યાર્થીઓ નર્સિંગના અભ્યાસ માટે સુરત સિવિલ હોસ્પિટલની સરકારી નર્સિંગ કોલેજમાં પ્રવેશ મેળવ્યો છે. જમ્મુ કાશ્મીરના 8 જેટલાં વિદ્યાર્થીઓએ AICTE ની પ્રવેશ પરીક્ષા પાસ કર્યા બાદ કેન્દ્ર સરકારની પ્રાઈમ મિનિસ્ટર્સ સ્પેશ્યલ સ્કોલરશીપ યોજના (PMSSS) અંતર્ગત સ્પેશ્યલ ક્વોટામાં નર્સિંગ અભ્યાસ કરી રહ્યા છે.
પોતાના ગુજરાત અને ખાસ કરીને સુરતના અનુભવ અંગે વાત કરતાં એક વિદ્યાર્થી નાસિર હલીમ જણાવે છે કે, “સુરત અમને ઘર-પરિવાર સમાન લાગે છે.” 19 વર્ષીય નાસિર જમ્મુના ડોડા જિલ્લાના તીલોગરા તાલુકાના ચિલીપીગલ ગામનો વતની છે. તેણે આ વર્ષે સુરતમાં બી.એસ.સી. નર્સિંગમાં એડમિશન મેળવ્યું છે. તેના પિતા ઝફરુલ્લા વતનમાં ખેતી કરે છે. તેણે જણાવ્યું કે, દેશના દુશ્મન આતંકીઓ દ્વારા જમ્મુ કાશ્મીરમાં સતત અસ્થિર માહોલ રહે એવી આતંકી ગતિવિધિઓ થતી રહે છે, જેની સામે મને ગુજરાત અને ખાસ કરીને સુરતની શાંતિપ્રિયતાનો અહેસાસ થાય છે. સરકારી નર્સિંગ કોલેજના તમામ વિદ્યાર્થીઓ સાથે હળીમળીને અભ્યાસ કરીએ છીએ. કોલેજ સ્ટાફ પણ અમને કોઈ સમસ્યા ન પડે એ માટેની સતત કાળજી લે છે.
આ ઉપરાંત સરકારી નર્સિંગ કોલેજમાં બી.એસ.સી. નર્સિંગના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી જમ્મુની 18 વર્ષીય નેન્સી જસરોટીયા, તેણી જમ્મુના કઠુઆના હિરાનગરના ચઢવાલ ગામની વતની છે તેમજ તેના પિતા કરમસિંઘ જસરોટીયા ભારતીય સેનામાં છે. પોતાની ખુશી વ્યક્ત કરતા નેન્સીએ જણાવે છે કે, ગુજરાતની ત્રણ સરકારી કોલજોમાંથી સુરત નર્સિંગ કોલેજ મારી પ્રથમ પસંદ હતી. સુરતના મારા સહાધ્યાયીઓ ખૂબ મળતાવડા હોવાથી અમારી ખૂબ કાળજી લઈ રહ્યા છે. તેઓ પરિવારના સભ્યની જેમ અમારી કાળજી રાખે છે. એટલે જ અમને વતનથી દૂર હોઈએ એવું લાગતું નથી. ગુજરાત વિષે ખૂબ વાંચ્યું અને સાંભળ્યું છે. અને સુરત આવીને મોજીલા ગુજરાતીઓની આગવી કાર્યશૈલીનો પ્રત્યક્ષ અનુભવ થયો છે. ગુજરાતની સ્થાનિક સંસ્કૃતિ સૌ સાથે એકતાનો સંદેશ આપે છે એમ નેન્સી ઉમેરે છે.
નર્સિંગ કોલેજના આચાર્ય ડો. ઇન્દ્રાવતી રાવના જણાવે છે કે, દર વર્ષે સરકારી નર્સિંગ કોલેજમાં જમ્મુ કાશ્મીરથી 5 થી 6 વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવે છે, જેઓ અહીંના સામાજિક માહોલ અને કોલેજના વાતાવરણમાં સહેલાઈથી એડજસ્ટ થઈ જાય છે.