ગુજરાત

ડીસામાં પાંચ ઇંચ વરસાદ, 50 દુકાનોમાં પાણી ઘૂસ્યા

Text To Speech

પાલનપુર: બનાસકાંઠા જિલ્લામાં શુક્રવારની રાત્રે ખાબકેલા વરસાદના કારણે ડીસા આખોલ ચાર રસ્તા પાસે આવેલા શોપિંગ સેન્ટરની 50 જેટલી દુકાનોમાં ચારથી પાંચ ફૂટ જેટલા પાણી ઘૂસી જતા વ્યાપારીઓને ભારે નુકસાન થયું છે. જ્યારે બેકરી કુવા વિસ્તારમાં બે મકાનો ધરાશાયી થયા છે. જિલ્લામાં સૌથી વધુ દિયોદરમાં આઠ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. પ્રથમ વરસાદે નુકસાન થયું છે. પરંતુ ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રસરી છે.

Banaskatha
કરિયાણા, ઓટો પાર્ટ્સ,બેટરી અને ઈલેક્ટ્રીકની દુકાનોમાં ભારે નુકસાન
બનાસકાંઠા જિલ્લામાં અષાઢી બીજની મોડી રાત્રે એકાએક ભારે વરસાદ વરસ્યો હતો અને સતત ચારથી પાંચ કલાક સુધી વરસેલા વરસાદમાં ઠેકઠેકાણે પાણી ભરાયા હતા. જેમાં ડીસામાં આવેલા ઓવરબ્રીજ ઉપર પણ નોંધપાત્ર પાણી ભરાયું હતું. અને પ્રથમ વરસાદે જ ઓવરબ્રિજ સ્વિમિંગ પુલમાં ફરવાઈ જતા ઓવરબ્રિજની પોલ ખુલી ગઈ હતી. જ્યારે આખોલ ચાર રસ્તા પાસે આવેલા અલગ -અલગ શોપિંગ સેન્ટરોમાં કરિયાણા, ઓટો પાર્ટ્સ, બેટરી તેમજ ઇલેક્ટ્રીકની મળીને અંદાજે 50થી વધુ દુકાનોમાં ચારથી પાંચ ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે વ્યાપારીઓનો માલ સામાન બગડતા લાખો રૂપિયાનું નુકસાન થયાનો અંદાજ છે.

Banaskatha

બેકરીકુવા વિસ્તારમાં બે મકાનો ધરાશાયી

ડીસામાં પ્રથમ વરસાદમાં પાંચ ઇંચ વરસાદ ખાબકતા શહેરના બેકરી કુવા વિસ્તારમાં આવેલા બે કાચા અને પતરાવાળા મકાનો ધરાશાયી થઈ ગયા હતા. અને મકાનમાં પડેલો માલસામાન પલળી ગયો હતો. જોકે કોઈ જાનહાની થવા પામી નથી. જિલ્લામાં સૌથી વધુ વરસાદ દિયોદરમાં આઠ ઇંચ, ડીસા અને અમીરગઢમાં પાંચ- પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે જિલ્લાના દરેક તાલુકામાં સરેરાશ એક ઇંચથી વધુ વરસાદ થયો છે. જેને લઇને ખેડૂતોમાં ખુશીની લહેર છે. હાલમાં ભારે ઉકળાટ બાદ વરસાદની એન્ટ્રી થતા ચોતરફ ઠંડક પ્રસરી છે.

Banaskatha
બેકરીકુવા વિસ્તારમાં બે મકાનો ધરાશાયી

કયા તાલુકામાં કેટલો વરસાદ (મીમીમાં)
અમીરગઢ 120
કાંકરેજ 73
ડીસા 120
થરાદ 52 મિમી,
દાંતા 59
દાંતીવાડા 40
દિયોદર 190
પાલનપુર 37
ભાભર 73
લાખણી 35
વડગામ 38
વાવ 75
સુઇગામ 72

Back to top button