અમદાવાદગુજરાત

એસ.એસ.વી. ફાઉન્ડેશને 70 કુપોષીત બાળકોને દત્તક લીધા

  • ન્યૂ વાસણા વિસ્તારના 70 કુપોષણગ્રસ્ત બાળકોને SSV ફાઉન્ડેશને દત્તક લીધા.
  • ન્યૂ વાસણાની મ્યુનિસિપલ શાળા નં.7-8 ખાતે કુપોષણમુક્તિ માટે કેમ્પ યોજાયો.
  • “પ્રોજેક્ટ વાત્સલ્ય” અંતર્ગત “કુપોષણ માંથી સુપોષણ તરફ” સંસ્થાનું અભિયાન.

સૂર્યાશોભાવંદના ફાઉન્ડેશન દ્વારા ‘પ્રોજેક્ટ વાત્સલ્ય’ અંતર્ગત ‘કુપોષણમાંથી સુપોષણ તરફ’ એક અભિયાન શરુ કરવામાં આવ્યું છે. જેમાં ન્યૂ વાસણાની મ્યુનિસિપલ શાળા નં.7-8 ખાતે 24/09/2023ના રવિવારના રોજ કેમ્પ યોજાયો હતો. જેને લઈને સંસ્થા દ્વારા ન્યૂ વાસણા વિસ્તારની અલગ-અલગ વસાહતોમાં આવેલા ઘરો અને આંગણવાડીમાં જઈને કુલ 750થી વધુ ઘરોના બાળકોનું સ્ક્રિનિંગ કરી સર્વે કર્યો હતો. ત્યારબાદ સંસ્થાએ 70 કુપોષણગ્રસ્ત બાળકોને દત્તક લીધા હતા. કેમ્પમાં કુપોષણગ્રસ્ત બાળકોના 200થી વધુ વાલીઓએ આવીને બાળકોને સારવાર અપાવી હતી. આ બાળકોને સંપૂર્ણપણે કુપોષણમુક્ત બનાવવા સતત છ અઠવાડિયા સુધી ફોલો-અપ લઈને બાળકોના નિષ્ણાંત ડૉક્ટરો દ્વારા નિદાન કરવામાં આવશે. જેથી આ બાળકો કુપોષણમુક્ત બની શકે. કેમ્પમાં એલિસબ્રિજ વિધાનસભાના ધારાસભ્ય અમિત શાહ, અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન ડૉ. સુજય મહેતા, ઈન્ડિયન ફાર્મસી કાઉન્સિલના ચેરમેન ડૉ. મોન્ટુ પટેલ સહિત વાસણા વોર્ડના કાઉન્સલરે ઉપસ્થિત રહ્યા હતા.

એસ.એસ.વી. ફાઉન્ડેશ-HDNEWS

કેમ્પમાં આવેલા કુપોષણગ્રસ્ત બાળકોનું યોગ્ય તપાસ કર્યા પછી જરૂરી દવાઓ પૂરી પાડવામાં આવી હતી. ડૉક્ટર દ્વારા દવાઓ આપ્યા પછી બાળકના માતા-પિતાને કાઉંસ્લિંગ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ બાળકોને પૌષ્ટિક ખોરાક મળે તે માટે સંસ્થા દ્વારા પોષણયુક્ત કીટ આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં એલિસબ્રિજ વિધાનસભાના ધારાસભ્ય અમિત શાહ પણ હાજર રહ્યા હતા, સૂર્યાશોભાવંદના ફાઉન્ડેશનની કામગીરીને બિરદાવતા કેમ્પમાં આવેલા કુપોષણગ્રસ્ત બાળકોના વાલીઓને પોતાના બાળકના સ્વાસ્થ્ય પ્રત્યે ધ્યાન દોરી જાગૃત થવા કહ્યું હતું. આ સાથે સંસ્થાએ જે કેમ્પનું આયોજન કર્યુ છે એમાં સતત છ અઠવાડિયા સુધી પોતાના બાળકને નિદાન અર્થે લાવવા વાલીઓને સલાહસૂચન આપ્યુ હતું.

એસ.એસ.વી. ફાઉન્ડેશ-HDNEWS

એસ.એસ.વી. ફાઉન્ડેશનના ફાઉન્ડર અર્પિતા શાહે શું કહ્યું?

કેમ્પની માહિતી આપતાં અર્પિતા શાહે ક્હ્યું કે, ‘આ પ્રકારનો કેમ્પ કરવાનો મુખ્ય હેતુ એ છે કે, બાળક નોર્મલ થશે તો જ આગળ એ સારુ શિક્ષણ લઈ પોતાનું જીવન સુધારી શકશે. મેડિકલ સાયન્સ પ્રમાણે જો પાંચ વર્ષમાં બાળકના મગજનો વિકાસ ન થાય તો એ બાળક આખી જીંદગી નબળું પણ રહી શકે છે. આવા બાળકોની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાથી કેન્સર અને ટીબી થવાની શક્યતા વધુ રહે છે. શારીરિક અને માનસિક વિકાસ પણ નબળો રહેવાને લીધે સતત બિમારી આખી જીંદગી રહે છે. જેથી બાળક સ્વાસ્થ અને યોગ્ય જીવન જીવી શકે તે માટે અમારી સંસ્થા દ્વારા આવા કેમ્પો કરીને કુપોષણમાંથી સુપોષણ પૂરુ પાડવાના પ્રયાસો કરી રહ્યા છીએ.

એસ.એસ.વી. ફાઉન્ડેશન સંસ્થા શું કાર્ય કરે છે?

સૂર્યાશોભાવંદના ફાઉન્ડેશન પર્યાવરણ, શિક્ષણ, સ્વાસ્થ્ય, પાણી બચાવ જેવા વિવિધ ક્ષેત્રમાં કામ કરે છે. સૂર્યાશોભાવંદના ફાઉન્ડેશન દ્વારા પ્રકૃત્તિનું સંતુલન જળવાય તે માટે વૃક્ષારોપણ અને ભૂગર્ભ જળની સપાટીમાં વધારો કરવા હેતુસર વૉટર રિચાર્જિંગ અને વૉટર હાર્વેસ્ટીંગ ક્ષેત્રે કાર્ય કરવામાં આવે છે. આ સાથે આર્થિક રીતે પછાત વર્ગના લોકોના સ્વાસ્થ્યની સાથે તેમના બાળકોનો સર્વાંગી વિકાસ થાય અને યોગ્ય શિક્ષણ પૂરુ પાડવા ક્ષેત્રે કામ કરવામાં આવે છે.

આ પણ વાંચો:અમદાવાદમાં હોટલો-રેસ્ટોરેન્ટના નાસ્તા ખાવા લાયક નથી, જાણો કેમ 

Back to top button