ડીસાના વિઠોદરમાં 111 કુવા અને બોર વરસાદી પાણીથી રિચાર્જ કરાશે
પાલનપુર: ડીસા તાલુકાના વિઠોદર ગામે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકની અધ્યક્ષતામાં બોર રિચાર્જ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ડીસા તાલુકા વિકાસ અધિકારી તેમજ મનરેગાની ટીમ હાજર રહી ગામ લોકોને પાણી બચાવવા માટે અપીલ કરી હતી. આ વખતે ગામના 111 કુવા અને બોર રીચાર્જ કરાશે.
ગ્રામ વિકાસ એજન્સીના નિયામકની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો
ગત વર્ષે ડીસા શહેર સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં પડેલા નહિવત વરસાદના કારણે આ વર્ષે તેની સીધી અસર ખેડૂતો અને લોકોના જનજીવન પર જોવા મળી રહી છે. ખાસ કરીને નહિવત વરસાદના કારણે દિવસે ને દિવસે ભુગર્ભ પાણીના તળ ઊંડા જઈ રહ્યા છે. જેના કારણે ડીસા તાલુકામાં ખેતી કરવી મુશ્કેલ બની ગઈ છે. ત્યારે આ સમસ્યાને પહોંચી વળવા માટે ડીસા તાલુકાના ખેડૂતોએ અનોખી પહેલ શરૂ કરી છે. જેમાં ડીસા તાલુકામાં હાલ અનેક ખેતરોમાં ખેડૂતોએ ખેત તલાવડી બનાવી છે. જેના થકી વરસાદી પાણી એકત્રિત કરી અને એક વર્ષ સુધી ખેતી કરી શકાય, તો બીજી તરફ હવે ખેડૂતો બોર અને કુવા રિચાર્જ કરવા તરફ વળ્યા છે. જે અંતર્ગત શુક્રવારે ડીસા તાલુકાના વિઠોદર ગામે બનાસકાંઠા જિલ્લા હરામ વિકાસ એજન્સીના નિયામકની ટિમ, ડીસા તાલુકા વિકાસ અધિકારી તેમજ મનરેગાની ટીમ સાથે રહી બોર અને કુવા રિચાર્જ કરવા માટેનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વિઠોદર ગામના ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સરકાર દ્વારા જે પ્રમાણે હાલમાં પાણી બચાવવા માટેની પહેલ શરૂ કરવામાં આવી છે. તેમાં ડીસા તાલુકાના ખેડૂતો પણ જોડાયા છે. આ કાર્યક્રમમાં ખેડૂતોએ કઈ રીતે વરસાદી પાણીથી બોર અને કુવારિચાર્જ કરવા તે અંગે પણ જિલ્લા નિયામક દ્વારા માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જણાવવામાં આવ્યું હતું કે, ડીસા તાલુકાના વિઠોદર ગામમાં 111 કુવા અને બોર આવનારા સમયમાં વરસાદી પાણીથી રિચાર્જ કરવામાં આવશે. જેના કારણે ખેડૂતોને જે પાણીના તળ ઊંડા જઈ રહ્યા છે તે મહદ અંશે ઊંચા આવી શકશે.