ગુજરાતટ્રેન્ડિંગનેશનલબિઝનેસવિશેષ

ગુજરાતના ઓટોમોબાઈલ ક્ષેત્રનું મૂલ્ય ત્રણ અબજ ડૉલરે પહોંચ્યું

  • આઠ લાખથી વધુ વાહનોની વાર્ષિક નિકાસ સાથે ભારતના ઓટોમોટિવ લેન્ડસ્કેપમાં ગુજરાતનું મહત્વપૂર્ણ યોગદાન
  • 2020-21ના નાણાકીય વર્ષમાં 8 લાખ વાહનોની નિકાસ સાથે ગુજરાત ઓટોમોબાઈલ અને ઓટો કોમ્પોનેન્ટ્સનું નોંધપાત્ર નિકાસકાર બન્યું

ગાંધીનગર: ગુજરાતના ઓટોમોબાઈલ ક્ષેત્રનું મૂલ્ય આજે 3 બિલિયન યુએસ ડોલર છે. છેલ્લા બે દાયકામાં આવેલું આ અભૂતપૂર્વ પરિવર્તન છે. આઠ લાખથી વધુ વાહનોની વાર્ષિક નિકાસ સાથે, ગુજરાત ભારતના ઓટોમોટિવ લેન્ડસ્કેપમાં મહત્વપૂર્ણ યોગદાન આપતું રાજ્ય સાબિત થયું છે. ઓટોમોટિવ હબ બનવા તરફ રાજ્યની સફર 2009માં સાણંદમાં ટાટા મોટર્સ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટની સ્થાપના સાથે શરૂ થઈ, જે રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય બંને રોકાણકારોને આકર્ષે છે.

ગુજરાતના ઓટોમોબાઈલ ક્ષેત્રમાં ક્રાંતિનો પ્રારંભ 2003માં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) સાથે શરૂ થયો હતો. ગુજરાતના ઓટોમોબાઈલ ઉદ્યોગની સફળતાની ગાથાઓમાં વર્ષ 2011માં ફોર્ડ મોટર્સ દ્વારા તેમના સાણંદ ખાતેના પ્લાન્ટમાં ₹5,000 કરોડના રોકાણનો સમાવેશ થાય છે, જેના કારણે ગુજરાતમાં 3000 નોકરીનું સર્જન થયું, તેમજ વર્ષ 2014માં સુઝુકી મોટર્સના ₹14,784 કરોડના મેગા યુનિટનો સમાવેશ થાય છે, જેણે ગુજરાતમાં 9100 નોકરીઓનું સર્જન કર્યું. વર્ષ 2022માં ટાટા મોટર્સે સાણંદમાં સ્થિત ફોર્ડ મોટર્સનો પ્લાન્ટ હસ્તગત કર્યો. વધુમાં, JETRO સાથે ગુજરાતના સહયોગથી ભારતનો પ્રથમ પ્લગ-એન્ડ-પ્લે પાર્ક એટલે કે જાપાનીઝ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક બન્યો છે. 2017 માં, MG મોટર્સે ₹2000 કરોડના પ્રારંભિક રોકાણ અને વાર્ષિક 80,000 યુનિટ્સની ઉત્પાદન ક્ષમતા સાથે GM ઇન્ડિયાનો હાલોલ પ્લાન્ટ હસ્તગત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ભારતમાં આ MGની એકમાત્ર મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી છે.

ઓટોમોબાઈલ
ગુજરાતમાં વાહન ઉદ્યોગ

2020-21ના નાણાકીય વર્ષમાં 8 લાખ વાહનોની નિકાસ સાથે ગુજરાત ઓટોમોબાઈલ અને ઓટો કોમ્પોનેન્ટ્સનું એક નોંધપાત્ર નિકાસકાર બન્યું છે. ઇલેક્ટ્રિક મોબિલિટી તરફના વૈશ્વિક પરિવર્તનને ધ્યાનમાં રાખીને, ગુજરાત ઇલેક્ટ્રીક વાહન (EV)ના ઉત્પાદનને સક્રિયપણે પ્રોત્સાહન આપી રહ્યું છે. રાજ્ય સરકારે EV બેટરી પ્લાન્ટ સ્થાપવા માટે ટાટા ગ્રુપ સાથે ₹13,000 કરોડના મહત્વપૂર્ણ એમઓયુ (MoU) પર હસ્તાક્ષર કર્યા છે. આ સસ્ટેનેબલ મોબિલિટી માટે ભારતની પ્રતિબદ્ધતા સાથે એકીકૃત રીતે સુસંગત થાય છે અને ગુજરાતને EV ઉત્પાદન માટે અગ્રણી હબ તરીકે પ્રસ્થાપિત કરે છે.

ઓટોમોબાઈલ ઉદ્યોગમાં શૂન્યમાંથી ત્રણ અબજ યુએસ ડૉલરના ઓટોમોટિવ પાવરહાઉસ બનવા સુધીની ગુજરાતની સફર જોતાં એક વાત સ્પષ્ટ છે કે ઓટોમોટિવ સેક્ટરમાં રાજ્યની વૃદ્ધિ અને નવીનતાનો માર્ગ સતત આગળ વધતો રહેશે.

Back to top button