બનાસકાંઠામાં પાલનપુર, ડીસા, થરાદ અને અંબાજીમાં ભાવપૂર્વક જગન્નાથજીની નગરચર્યા
પાલનપુર: બનાસકાંઠા જિલ્લામાં અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા જિલ્લાના પાલનપુર, ડીસા, અંબાજી અને થરાદમાં નીકળી હતી. આ રથ યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. અને ભગવાન જગન્નાથજીના દર્શન કરીને પ્રસાદનો લાભ લીધો હતો “જય રણછોડ માખણ ચોર”ના નાદથી બનાસકાંઠા જિલ્લામાં પાલનપુરમાં મોટા રામજી મંદિરથી ભગવાન જગન્નાથજી ની રથયાત્રા તેના નિર્ધારિત રૂટ ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે નીકળી હતી. એ જ રીતે થરાદ, અંબાજી અને ડીસામાં પણ ભવ્ય રીતે જગન્નાથજીએ નગરચર્યા કરી હતી અને ભક્તોને સામેથી દર્શન આપ્યા હતા. જ્યારે જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા ત્યારે ડીસા શહેરનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. શોભાયાત્રાના ૬ કિલોમીટર લાંબા રુટ પર ભક્તોનું સૈલાબ ઉમટી પડ્યું હતું.
ડીસામાં જગન્નાથની શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી
ગઇકાલે અષાઢી બીજ હતી અને દેશભરમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા નગરચર્યા પર નીકળ્યા હતા. ત્યારે ડીસામાં પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ સુભાષ સેવા સમિતિ દ્વારા શોભાયાત્રા નીકળવામાં આવી હતી. ડીસા શહેરમાં છેલ્લા ૨૪ વર્ષથી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળવામાં આવે છે. ત્યારે આજે ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા દ્વારા ડીસાના રામજી મંદિરથી નીકળેલી ભગવાન જગન્નાથની ૨૪ મી રથયાત્રા ધામધૂમ પૂર્વક નીકળી હતી.જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
શહેરના પ્રાચીન રામજી મંદિરથી નીકળેલી આ શોભાયાત્રા રિસાલા મંદિરથી એસ.સી.ડબલ્યુ. ચાર રસ્તા, અંબિકા ચોક થઈ ભગવાનના મોસાળ ગયા બાદ વિશ્રામ કરીને સાઈબાબા મંદિર પહોંચી હતી. જ્યાં ભગવાન જગન્નાથની શોભાયાત્રા નિયત રુટ પર આગળ વધી હતી. ત્યારબાદ ફુવારા સર્કલ પહોંચી હતી. અને ત્યારબાદ નિજ મંદિર પરત ફરી હતી.. આ શોભાયાત્રામાં લાઈવ ડી.જે., ઘોડા, ઊંટલારીઓ, આનંદ ગરબા મંડળીઑ, ભજન મંડળીઓ, અખાડાઑ, સહિત વિવિધ ઝાંખીઓએ વિશેષ આકર્ષણ જમાવ્યું હતું.