સુરતમાં લેન્ડિંગ સમયે 9 સીટર વિમાનનું ટાયર ફાટ્યું, 6 મુસાફરોનો જીવ અધ્ધર
સુરત એરપોર્ટ પર વેન્ચુરા કંપનીનું 9 સીટર વિમાનના લેન્ડિંગ સમયે જ વિમાનનું ટાયર ફાટી ગયું હતું. જેને કારણે વિમાનમાં સવાર 6 જેટલા મુસાફરોનો જીવ અધ્ધર થઈ ગયો હતો. એરપોર્ટ પર લેન્ડિંગ સમયે જ વિમાનનું ટાયર ફાટતાં 2 કલાકથી વધુ રન-વે બંધ કરયો હતો. જેના કારણે સુરત એરપોર્ટ પર આવતી બીજી ફ્લાઈટોને આકાશમાં જ ચક્કર મારવા પડ્યા હતા.
સુરત એરપોર્ટ પર રાત્રે 9 વાગ્યે વેન્ચુરા કંપનીનું 9 સીટર વિમાન સુરત એરપોર્ટ પર જ્યારે લેન્ડિંગ કરી રહ્યું હતું ત્યારે તેનું અચાનક ટાયર ફાટતાં જ તેમાં સવાર 6 લોકોના જીવ અધ્ધર થઈ ગયા હતા. ત્યારે વિમાનમાં સવાર પેસેન્જરોની સલામતી જોતા કેપ્ટને ATCને કરતાંજ ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી, ત્યાર બાદ વિમાનમાં સવાર પેસેન્જરોને સલામત રીતે ઊતારીને ટર્મિનલ ખાતે પહોંચાડ્યા હતા.
વિમાનનું ટાયર ફાટતાં અનેક વિમાનોના ટાઈમ ખોરવાયો
સુરત એરપોર્ટ પર લેન્ડિંગ સમયે વેન્ચુરા કંપનીના વિમાનનું ટાયર ફાટતાં અનેક વિમાનોના ટાઈમ ખોરવાયો હતો. ટાયર ફાટતાં બે કલાક સુધી રન-વે બંધ રખાતાં ઇન્ડિગોની દિલ્હી-સુરત ફલાઈટને આકાશમાં 3 ચક્કર મારવા પડ્યા હતા. ચક્કર માર્યા બાદ પણ રન-વે ખુલ્લો ન થતાં ફ્લાઈટને અમદાવાદ ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી, આ ઉપરાંત એર એશિયાની દિલ્હીની ફ્લાઈટને પણ આકાશમાં 5 ચક્કર મારવા પડ્યા હતા.
આ પણ વાંચો: ગુજરાત: ભારે વરસાદથી ખેડૂતોને થયેલ નુકસાનનો સર્વે કરવાના આદેશ કરાયા