શરદ પવાર અને ગૌતમ અદાણી શનિવારે ગુજરાતમાં એક કાર્યક્રમમાં સાથે જોવા મળશે
- API પ્રોટિન ઉત્પાદનો માટે ભારતનું સૌપ્રથમ એકમ ગુજરાતમાં શરૂ થશે
- બાવળા રોડ ઉપર ગેલોપ્સ ઔદ્યોગિક પાર્કમાં શનિવારે શરદ પવાર અને ગૌતમ અદાણીની ઉપસ્થિતિમાં ઉદ્દઘાટન
- ગુજરાતના 7.5 લાખ ખેડૂતો સાથે કંપનીએ કોલોસ્ટ્રમ યુક્ત દૂધ મેળવવા માટે કરાર કર્યા
અમદાવાદઃ વિવિધ બીમારી અને વાયરસ સામે રક્ષણ આપી શકે તેવા એપીઆઈ પ્રોટીન ઉત્પાદન એકમનો શનિવારે ગુજરાતમાં પ્રારંભ થશે. અમદાવાદ અને બાવળા વચ્ચે આવેલા ગેલોપ્સ ઔદ્યોગિક પાર્કમાં એક્ઝિમપાવર ઈનોવેશન પ્રા. લિ.ના આ ઉત્પાદન એકમના ઉદ્દઘાટન પ્રસંગે મુખ્ય મહેમાનો તરીકે એનસીપીના દિગ્ગજ નેતા શરદ પવાર અને દેશના ટોચના ઉદ્યોગપતિ ગૌતમ અદાણી હાજર રહેશે. ઉત્પાદન એકમના ઉદ્દઘાટન સમયે કંપનીના ડિરેક્ટર પ્રકાશ ગણપત ખલાટે તથા અક્ષય ખલાટે પણ ઉપસ્થિત રહેશે.
માનવ ઉપરાંત સસ્તન પ્રાણીઓ, ખાસ કરીને ગાયોના પ્રથમ ધાવણમાં ઉપલબ્ધ વિવિધ પ્રકારના પ્રોટીનનું ઉત્પાદન હાલ દુનિયાના અન્ય દેશોમાં થાય છે, પરંતુ ભારતમાં હજુ સુધી આવા પ્રોટીનનું ઉત્પાદન કરનાર એકપણ કંપની નથી તેમ કંપનીના ડિરેક્ટર ડૉ. આરતી રામનાથ ગોલેચાએ હમ દેખેંગે ન્યૂઝ સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું.
મહારાષ્ટ્રને બદલે આ ઉત્પાદન માટે ગુજરાતની પસંદગી કરવા અંગેના પ્રશ્નના જવાબમાં ડૉ. આરતી ગોલેચાએ જણાવ્યું કે, ગુજરાતની ગીર ગાય વાછરડાને જન્મ આપે પછીના પ્રથમ બે દિવસનું તેનું દૂધમાં આવા કોલોસ્ટ્રમ (Colostrum) ની હાજરી પ્રોટીનના ઉત્પાદન માટે સર્વશ્રેષ્ઠ ગણાય છે અને તેથી અમે ગુજરાત ઉપર પસંદગી ઉતારી છે. તેમણે કહ્યું કે, આ માટે કંપનીએ ગુજરાતના 7.5 લાખ ખેડૂતો સાથે કરાર કરવામાં આવ્યો છે જ્યાંથી કંપનીને જરૂરી કોલોસ્ટ્રમ યુક્ત દૂધ ઉપલબ્ધ થશે. તેમણે માહિતી આપી કે, યુનિટમાં હાલ 22 કર્મચારી કાર્યરત રહેશે છતાં તેમનું આ યુનિટ સંપૂર્ણ ઑટોમેટિક રહેશે.
મૂળ મહારાષ્ટ્રના પૂણેસ્થિત કંપની એક્ઝિમપાવર ઈનોવેશન પ્રા. લિ. દ્વારા તેના ગુજરાતસ્થિત ઔદ્યોગિક પાર્કના યુનિટમાં લેક્ટોફેરિન (Lactoferrin-LF), પ્રોલિન રિચ પ્રોલીપેપ્ટાઈડ (Proline-rich-polypeptide – PRP), ઈમ્યુનોગ્લોબલિન (Immunoglobulin – IgG), મિલ્ક ફૅટ ગબલ મેમ્બરેન (Milk-fat-gbbule-membrane – MFGM) ને લગતી પ્રોડક્ટનું ઉત્પાદન કરવામાં આવશે.
ગેલોપ્સ સૌથી વિશાળ ઔદ્યોગિક પાર્ક છે જેમાં એમેઝોન સેલર સર્વિસ, નાયકા ઈ-રિટેલ, મેઘમણી ઈન્ડસ્ટ્રીઝ, મેક્રો પોલિમર્સ, ધિયાન લોજિસ્ટિક્સ, બોનસાઈ ફાર્મા, રિલાયન્સ, ક્રોમા, કિટ્ટેન જેવી અનેક અગ્રણી રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કંપનીએ યુનિટ સ્થાપ્યા છે. હવે આવા એક મહત્ત્વના ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં ભારતનું સૌપ્રથમ એપીઆઈ પ્રોટીન ઉત્પાદન એકમ પણ શરૂ થઈ રહ્યું છે.