ટ્રેન્ડિંગનેશનલ

શિક્ષક ભરતી કાંડમાં મમતા બેનરજીના ભત્રીજાને હાઇકોર્ટમાંથી રાહત

Text To Speech

પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજીના ભત્રીજા અને ટીએમસી નેતા અભિષેક બેનરજીને શિક્ષક ભરતી કાંડમાં શુક્રવારે કલકત્તા હાઇકોર્ટમાંથી રાહત મળી હતી.

કલકત્તા હાઇકોર્ટે પશ્ચિમ બંગાળમાં શાળામાં શિક્ષકોની ભરતીના કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરિટ (ઈડી)ને અભિષેક બેનરજી વિરુદ્ધ આકરાં પગલાં ન લેવા હાઇકોર્ટે સૂચના આપી હતી. હાઇકોર્ટના આ વચગાળાના આદેશથી મમતા બેનરજીના ભત્રીજાને આંશિક રાહત મળી હતી. ન્યાયમૂર્તિ તિર્થંકર ઘોષ દ્વારા ઈડીને આ સૂચના આપવામાં આવી હતી.

જોકે, હાઇકોર્ટે અભિષેક બેનરજી વિરુદ્ધ દાખલ કરેલા એન્ફોર્સમેન્ટ કેસ ઇન્ફર્મેશન રિપોર્ટ-ઈસીઆઈઆર ને રદ્દ કરવાનો ઇનકાર કર્યો હતો. ઈસીઆઈઆર એક પ્રકારે ફોજદારી કેસમાં થતી એફઆઈઆર જેવી જ હોય છે. અભિષેક બેનરજીએ ઈસીઆઈઆર રદ્દ કરવાની દાદ માગતી અરજી કરી હતી જેનો કલકત્તા હાઇકોર્ટે સ્વીકાર કર્યો નહોતો.

અલબત્ત, અભિષેક બેનરજી વિરુદ્ધ માત્ર આ એક કેસમાં જ નહીં પરંતુ નારદા-શારદા સહિત અન્ય કૌભાંડમાં પણ તપાસ ચાલી રહી છે. તે ઉપરાંત અભિષેકના પત્ની વિરુદ્ધ પણ કોલસાની ખાણોના કોન્ટ્રેક્ટ આપવાના કેસમાં તપાસ ચાલી રહી છે.

Back to top button