ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મોડી રાત્રે રાજ્યસભામાં પણ મહિલા અનામત ખરડો પસાર થયો

Text To Speech
  • હવે રાષ્ટ્રપતિની સહી થયા બાદ કાયદો બનશે
  • રાજ્યસભામાં 214 મતે બે તૃતિયાંશ કરતાં વધુ બહુમતીથી ખરડો પસાર
  • ખરડાના વિરોધમાં એકપણ મત ન પડ્યો
  • મહિલા અનામત ખરડો પસાર થવા સાથે સંસદ અચોક્કસ મુદત માટે સ્થગિત

નારી શક્તિ વંદન અધિનિયમ અર્થાત 128મો બંધારણીય સુધારા ખરડો ગુરુવારે મોડી રાત્રે રાજ્યસભામાં લગભગ સર્વાનુમતે પસાર થયો હતો. ખરડાના સમર્થનમાં ગૃહમાં ઉપસ્થિત સભ્યો પૈકી 214 સાંસદોએ મત આપ્યા હતા, જ્યારે વિરોધમાં એકપણ મત પડ્યો નહોતો. એ જ રીતે મતદાનથી અળગા રહેવા (એબ્સટેઈન)નો વિકલ્પ પણ રાજ્યસભાના એકપણ સાંસદે પસંદ કર્યો નહોતો.

ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે રાત્રે લગભગ 10.15 વાગ્યે મત સંખ્યાની જાહેરાત કરી ત્યારે ખરડો 215 મતે પસાર થયો હોવાનું જણાવ્યું હતું, પરંતુ ફરીથી મતગણતરી થયા બાદ 214 મતનો સચોટ આંકડો જાહેર થયો હતો.

ખરડો પસાર થયા બાદ જોકે ઘણી મોટી સંખ્યામાં સુધારા ખરડા ઉપર લગભગ દોઢ કલાક સુધી મતદાન પ્રક્રિયા ચાલુ રહી હતી, અને મોટાભાગના સુધારા ખરડા ના-મંજૂર થયા હતા.

બુધવારે 20 સપ્ટેમ્બરે લોકસભામાં 454 વિરુદ્ધ બે મતની જંગી બહુમતીથી પસાર થયેલો ખરડો ગુરુવારે મોડી રાત્રે રાજ્યસભામાં પણ પસાર થતાં હવે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂની સહી માટે જશે અને તેમની સહી થયા બાદ કાયદો બનશે.

રાજ્યસભામાં આ ખરડા અંગે ગુરુવારે સવારે શરૂ થયેલી ચર્ચામાં મોડી રાત સુધીમાં 72 સાંસદોએ પોતપોતાના વિચાર વ્યક્ત કર્યા હતા. મોટાભાગના વિપક્ષોએ ખરડાને સમર્થન તો જાહેર કર્યું હતું, પરંતુ ખરડાની કેટલીક જોગવાઈ અંગે તેમજ ખરડો તત્કાળ શા માટે લાગુ કરવામાં નથી આવતો તે અંગે પ્રશ્નો ઉપસ્થિત કરીને સરકારની દાનત સામે નારાજગી વ્યક્ત કરી હતી.

બીજી તરફ લોકસભામાં પણ મોડી રાત સુધી ચંદ્રયાન મિશનની સફળતા સહિત વિવિધ મુદ્દે ચર્ચા ચાલુ રહી હતી અને અંતે ગૃહ અચોક્કસ મુદત સુધી સ્થગિત રાખવાની લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા દ્વારા જાહેરાત કરવામાં આવી હતી.

એ જ રીતે રાજ્યસભા પણ મહિલા અનામત ખરડો પસાર થયા પછી અચોક્કસ મુદત માટે સ્થગિત કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

Back to top button