ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કેનેડાના નાગરિકોને વિઝા આપવાની કાર્યવાહી હાલ પૂરતી સ્થગિત

Text To Speech

ભારત અને કેનેડા વચ્ચે તણાવ વધી ગયો છે. છેવટે આજે બપોરે ભારતના વિદેશ મંત્રાલય તરફથી એ વાતને અનુમોદન આપવામાં આવ્યું કે આજથી કેનેડાના નાગરિકોને વિઝા આપવાનું સ્થગિત કરવામાં આવે છે. નવો આદેશ ન થાય ત્યાં સુધી આ સ્થિતિ રહેશે તેમ વિદેશ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું હતું.

પહેલા બંને દેશોના રાજદ્વારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ આજે સવારે એવા સમાચાર આવ્યા હતા કે નવી દિલ્હીએ કેનેડિયન નાગરિકો માટે વિઝા સેવાઓ અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દીધી છે. પરંતુ થોડા જ કલાકમાં આ સમાચારનો રદિયો આવ્યો હતો. અર્થાત હાલ વિઝા પ્રક્રિયા અંગે કોઈ પ્રકારનો અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી અને નાગરિકો માટે વિઝા પ્રક્રિયા યથાવત ચાલુ છે. પછી બપોરે નવેસરથી સત્તાવાર જાહેરાત દ્વારા વિઝા પ્રક્રિયા સ્થિગત કરવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું હતું. 

 

વિદેશ મંત્રાલયે આજે બપોરે (21-9-2023) પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, કેનેડામાં ભારતીય રાજદ્વારીઓ ઉપર જોખમ વધ્યું છે અને તેથી કેનેડાથી આવવા માગતા નાગરિકો માટે વિઝા પ્રક્રિયા સ્થગિત કરવામાં આવી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે, કેનેડાસ્થિત ભારતીય દૂતાવાસમાં આ જ કારણોસર સ્ટાફની સંખ્યા પણ ઘટાડી દેવામાં આવી રહી છે.

ભારતીય અધિકારીએ પુષ્ટિ કરી

એક ભારતીય અધિકારીએ સસ્પેન્શનની વાતને સમર્થન આપ્યું હતું પરંતુ આ અંગે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. “ભાષા સ્પષ્ટ છે અને તે કહે છે કે તે શું કહેવા માંગે છે,” તેણે કહ્યું. કોવિડ-19 રોગચાળા પછી ભારતે વિઝા સસ્પેન્ડ કર્યા હોય તેવો આ પ્રથમ પ્રસંગ છે. અગાઉ, વિદેશ મંત્રાલય દ્વારા એક એડવાઈઝરી જારી કરવામાં આવી હતી જેમાં કેનેડા જતા ભારતીય નાગરિકોને સાવચેત રહેવા જણાવ્યું હતું. એવા કોઈ વિસ્તારમાં ન જશો જ્યાં ભારત વિરોધી ઘટનાઓ બની હોય અથવા એવી ઘટનાઓ બનવાની સંભાવના હોય. કેનેડામાં હેટ ક્રાઇમમાં વધારો થયો છે અને ત્યાં જતી વખતે સાવચેત રહો.

ભારતે કેનેડા પાસે પુરાવા માંગ્યા

20 સપ્ટેમ્બરે સંસદના વિશેષ સત્ર દરમિયાન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ ગૃહમંત્રી અમિત શાહને મળવા આવ્યા હતા. ત્યારથી ભારત સતત કેનેડા સામે કાર્યવાહી કરી રહ્યું છે. ભારતે કેનેડાને કહ્યું હતું કે તેણે આરોપોના પુરાવા રજૂ કરવા પડશે.

Back to top button