- 28 સપ્ટેમ્બરે વાઇબ્રન્ટ ગુજરાત સમિટના 20 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી
- વાઈબ્રન્ટ ગુજરાતની 10મી આવૃત્તિ જાન્યુઆરી 2024માં યોજાશે
- વાઈબ્રન્ટ ગુજરાત 2024 (VG 2024) વેબસાઈટ અને મોબાઈલ એપ્લિકેશન પણ લોન્ચ
વાઇબ્રન્ટ ગુજરાત સમિટના 20 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી કરવા માટે, ગુજરાત સરકાર 28 સપ્ટેમ્બરે અમદાવાદમાં ‘સફળ સમિટ’ નામના કાર્યક્રમનું આયોજન કરશે, એમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બુધવારે જણાવ્યું હતું.
આ કાર્યક્રમ ટાગોર હોલમાં યોજાશે, જે 2003માં યોજાયેલી વાઈબ્રન્ટ ગુજરાતની પ્રથમ આવૃત્તિનું સ્થળ હતું.
“વડાપ્રધાન અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ, વાઇબ્રન્ટ ગુજરાતની પ્રથમ આવૃત્તિ 28 સપ્ટેમ્બર, 2003ના રોજ ટાગોર હોલમાં યોજાઈ હતી. આ મહિને સમિટને બે દાયકા પૂર્ણ થતાં તેની સફળતાની ઉજવણી 28 સપ્ટેમ્બરના રોજ ટાગોર હોલમાં આયોજિત કરવામાં આવી છે,” તેમ સીએમે ગાંધીનગરમાં ઉદ્યોગના પ્રતિનિધિઓ તથા મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું.
વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ( VGGS ) એ ગુજરાતને ભારતના ગ્રોથ એન્જિનની ભૂમિકામાં લાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 2003માં શરૂ કરવામાં આવેલી આ પહેલથી ગુજરાતના સામાજિક-આર્થિક લેન્ડસ્કેપમાં પરિવર્તન આવ્યું છે, તેમ રાજ્ય સરકારે જણાવ્યું હતું.
આ અગાઉ છેલ્લી વાઇબ્રન્ટ સમિટ 2019માં યોજાઈ હતી. ગુજરાત સરકારે ગયા જાન્યુઆરીમાં 10મી સમિટ યોજવાની યોજના બનાવી હતી. જો કે, કોવિડ -19ની અસર ચાલુ હોવાથી અમુક દેશોના વડાઓએ રોગચાળાને કારણે મુસાફરી કરવામાં અસમર્થતા વ્યક્ત કરી હતી, તેથી સરકારને આ ઇવેન્ટ અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવાની ફરજ પડી હતી.
“2003 અને 2023 ની વચ્ચે, ગુજરાત સરકારે આ સમિટની નવ સફળ આવૃત્તિઓનું આયોજન કર્યું છે. સમિટની 10મી આવૃત્તિ 10-12 જાન્યુઆરી, 2024 દરમિયાન યોજાશે.જેની થીમ ‘ગેટવે ટુ ધ ફ્યુચર’ હશે,” તેમ જણાવી મુખ્યપ્રધાને આગામી વાઈબ્રન્ટ ગુજરાત એડિશન માટે વેબસાઈટ, મોબાઈલ એપ્લિકેશન અને બ્રોશર પણ લોન્ચ કર્યા હતા.
વાઇબ્રન્ટ ગુજરાત સમિટની 10મી આવૃત્તિના ભાગરૂપે અત્યાર સુધીમાં રૂ. 13,500 કરોડથી વધુ મૂલ્યના એમઓયુ (મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટેન્ડિંગ) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વાઈબ્રન્ટ ગુજરાત 2024 (VG 2024) વેબસાઈટ અને મોબાઈલ એપ્લિકેશનને પણ લોન્ચ કરવામાં આવી હતી. તેમણે VG 2024 બ્રોશરનું પણ અનાવરણ કર્યું હતું.
આ પણ વાંચો : ગુજરાતમાં યોજાનારી દસમી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાશે