Asian Games 2023: મહિલા ટીમ ઈન્ડિયા સેમીફાઈનલમાં, મલેશિયા સામેની મેચ રદ્દ
એશિયન ગેમ્સ 2023માં મહિલા ક્રિકેટ ઈવેન્ટમાં ભારત અને મલેશિયા વચ્ચે મેચ રમાઈ હતી. આ ક્વાર્ટર ફાઈનલ મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. આ સાથે ભારતીય મહિલા ટીમે હવે સેમિફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. આ મેચમાં ભારતીય દાવ દરમિયાન પણ વરસાદમાં વિક્ષેપ પડ્યો હતો, જેના કારણે મેચને 15-15 ઓવરની કરવામાં આવી હતી.
આ મેચમાં ભારતીય મહિલા ટીમે 15 ઓવરમાં 173 રન બનાવ્યા હતા. આ પછી, મલેશિયાની ઇનિંગ્સમાં માત્ર 2 બોલ રમ્યા બાદ ભારે વરસાદને કારણે મેચ રોકી દેવામાં આવી હતી. અમ્પાયરોએ વરસાદ ન રોકાવાને કારણે મેચ રદ્દ કરવાનો નિર્ણય લીધો હતો. હવે ટીમ ઈન્ડિયા 24 સપ્ટેમ્બરે સેમીફાઈનલ મેચ રમવા મેદાનમાં ઉતરશે.
શેફાલી વર્મા અને જેમિમાહ રોડ્રિગ્ઝેનું જોરદાર પર્ફોમન્સ
જો મલેશિયા સામે ભારતીય ટીમના બેટિંગ પ્રદર્શનની વાત કરીએ તો આ મેચમાં કેપ્ટન સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માની જોડીએ ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી. બંને વચ્ચે પ્રથમ વિકેટ માટે 57 રનની ભાગીદારી જોવા મળી હતી. મંધાના 16 બોલમાં 27 રનની ઇનિંગ રમીને પેવેલિયન પરત ફરી હતી.
આ પણ વાંચોઃ IND vs AUS Series : ઓસ્ટ્રેલિયા સામે આ બે ભારતીય બોલરોનો રહ્યો દબદબો
3 નંબર પર બેટિંગ કરવા આવેલી સ્ટાર ખેલાડી જેમિમાહ રોડ્રિગ્ઝે એક છેડેથી ઝડપથી રન બનાવવાનું શરૂ કર્યું હતું. શેફાલી વર્મા પણ સતત આક્રમક બેટિંગ કરી રહી હતી. બંને વચ્ચે બીજી વિકેટ માટે 47 બોલમાં 86 રનની ભાગીદારી થઈ હતી. આ મેચમાં શેફાલી વર્મા 39 બોલમાં 67 રનની શાનદાર ઇનિંગ રમીને પેવેલિયન પરત ફરી હતી.
અહીંથી જેમિમાને રિચા ઘોષનો સાથ મળ્યો અને બંને વચ્ચે ત્રીજી વિકેટ માટે 12 બોલમાં 30 રનની ભાગીદારી થઈ. ટીમ ઈન્ડિયા 15 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 173 રન બનાવી શકી હતી. જેમિમાએ 29 બોલમાં અણનમ 47 રન બનાવ્યા હતા જ્યારે રિચાએ પણ 7 બોલમાં 21 રનની અણનમ ઇનિંગ રમી હતી.