ઉત્તર ગુજરાતગુજરાત

ડીસા: સૂચનાની અવગણના કરનાર યુવક બનાસ નદીમાં ડૂબ્યો

Text To Speech
  • ડીસા પાસે બનાસ નદીમાં પાણી આવતા યુવક ડૂબ્યો; ધારાસભ્ય સહિત તંત્રની ટીમ ઘટનાસ્થળે પહોંચી

ડીસા બનાસ નદી: રાજ્યભરમાં થઈ રહેલા સાર્વત્રિક ભારે વરસાદથી નદી નાળાઓ છલકાયા છે. ત્યારે બનાસ નદીમાં પણ દાંતીવાડા ડેમમાંથી પાણી છોડવામાં આવતા ડીસા નજીક નદીના પાણીમાં ન્હાવા ગયેલો યુવક ડૂબ્યો હોવાની ઘટના બની છે. ડીસાના ધારાસભ્ય સહિત તંત્રની ટીમ ઘટનાસ્થળે પહોંચી યુવકની શોધખોળ હાથ ધરી છે.

ચાલુ વર્ષે ચોમાસાની શરૂઆતે બીપરજોય વાવાઝોડા અને ત્યાર બાદ સારો વરસાદ થતાં દાંતીવાડા ડેમ છલોછલ ભરાયો હતો. જેથી જેમાં અગાઉ દાંતીવાડા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હતું. બનાસ નદીમાં ચાલુ વર્ષે 8 જેટલા લોકો ડૂબ્યા હોવાની ઘટના બની હતી. ત્યારે રાજ્યમાં ફરીથી છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલી અવિરત મેઘમહેરથી જળાશયો, નદી નાળા છલકાઈ ગયા છે. મોટાભાગના ડેમોમાંથી નદીઓમાં પાણી છોડવામાં આવ્યું છે. ત્યારે દાંતીવાડા ડેમમાંથી પણ બનાસ નદીમાં ફરીથી પાણી છોડવામાં આવ્યું છે અને ડીસા બનાસ નદીમાં પાણી પહોંચતા રાજપુર વિસ્તારમાં કેટલાક યુવકો નદીમાં ન્હાવા પડ્યા હતા.

ડીસાનો યૂવક નદીમાં ડૂબ્યો-HDNEWS

રાજપુર વિસ્તારમાં રહેતો દશરથ કરસનભાઈ મકવાણા નામનો યુવક નદીના પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. આ અંગે આજુબાજુના લોકોએ જાણ કરતાં તંત્રની ટીમ પહોંચી હતી. જ્યારે ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી, પાલિકાના ચીફ ઓફિસર પંકજ બારોટ સહિત અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સ્થાનિક તરવૈયાઓની ટીમે નદીમાં ડૂબેલા દશરથ મકવાણાની શોધખોળ હાથ ધરી હતી.

ડીસાનો યૂવક નદીમાં ડૂબ્યો-HDNEWS

ડીસા બનાસ નદીમાં પાણી આવતા દર વર્ષે મોટા પ્રમાણમાં લોકોના ડૂબવાના બનાવ બનતા વહીવટી તંત્ર દ્વારા નદી વિસ્તારમાં જવા પર પ્રતિબંધ મુકેલો છે. જ્યારે પોલીસ તંત્ર દ્વારા પણ અવાર-નવાર બંદોબસ્ત ગોઠવી પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે. તેમ છતાં હરખઘેલા લોકો નદીમાં ન્હાવા પડતાં ડૂબવાની ઘટનાઓ બની રહી છે.

આ પણ વાંચો: ત્રણ દિવસથી સાંબેલાધાર વરસાદ: ડીસામાં સાડા ચાર ઇંચ વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ

Back to top button