સંસદના વિશેષ સત્રના એક દિવસ પહેલા રવિવારે સરકારે સર્વપક્ષીય બેઠક યોજી હતી. આ દરમિયાન સત્તાધારી પક્ષ અને વિપક્ષ સહિત અનેક પક્ષોએ મહિલા અનામત બિલને સંસદમાં રજૂ કરવાનો આગ્રહ કર્યો હતો. બેઠકમાં ઘણા નેતાઓએ કહ્યું કે આ લાંબા સમયથી પેન્ડિંગ બિલ રજૂ કરવું જોઈએ. તે સર્વસંમતિથી પસાર થઈ શકે છે. આ બિલમાં લોકસભા અને રાજ્યની વિધાનસભાઓમાં મહિલાઓ માટે એક તૃતીયાંશ બેઠકો અનામત રાખવાની જોગવાઈ છે.
પહેલા દિવસે જૂના સંસદ ભવનમાં સત્ર
બેઠક બાદ કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે પહેલા દિવસે જૂના સંસદ ભવનમાં સત્ર યોજાશે. જૂના સંસદમાં બીજા દિવસે એટલે કે 19મી સપ્ટેમ્બરે ફોટો સેશન થશે. ત્યારબાદ સવારે 11 વાગ્યે સેન્ટ્રલ હોલમાં એક કાર્યક્રમ થશે. તે પછી અમે નવી સંસદમાં પ્રવેશ કરીશું. નવી સંસદમાં સંસદનું સત્ર 19મીથી શરૂ થશે અને 20મીથી નિયમિત સરકારી કામકાજ થશે.
પ્રહલાદ જોશીએ બેઠકમાં સરકારનું પ્રતિનિધિત્વ કર્યું
અગાઉ સર્વપક્ષીય બેઠકમાં બીજુ જનતા દળ (બીજેડી) અને ભારત રાષ્ટ્ર સમિતિ (બીઆરએસ) સહિત અનેક પ્રાદેશિક પક્ષોએ સંસદમાં મહિલા અનામત બિલ રજૂ કરવાનો આગ્રહ કર્યો હતો. રક્ષા મંત્રી રાજનાથ સિંહ, લોકસભામાં ગૃહના ઉપનેતા અને કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ, રાજ્યસભામાં ગૃહના નેતા પ્રહલાદ જોશીએ બેઠકમાં સરકારનું પ્રતિનિધિત્વ કર્યું હતું.