ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

બંધારણ અને લોકશાહીને બચાવવાની જવાબદારી કોંગ્રેસની છેઃ ખડગે

કોંગ્રેસ : હૈદરાબાદ ખાતે ચાલી રહેલા કોંગ્રેસ કારોબારી સમિતિ (સીડબલ્યુસી)ની બે દિવસની બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિત ટોચના નેતાઓએ આક્રમક વલણ દર્શાવીને આગામી વિવિધ ચૂંટણીમાં પક્ષના વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. CWC બેઠકના બીજા દિવસે ખડગેએ મોદી સરકાર અને ભાજપ ઉપર આકરા પ્રહારો કરીને જણાવ્યું હતું કે, 2024ની લોકસભા ચૂંટણીમાં આપણું લક્ષ્યાંક ભાજપને હરાવવાનું હોવું જોઇએ. ખડગેએ આગામી લોકસભા ચૂંટણી ઉપરાંત વિવિધ રાજ્ય વિધાનસભાની ચૂંટણી માટે પણ સજ્જ થવા પક્ષને હાકલ કરી હતી.

કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યપ્રધાનો, રાજ્યોના કોંગ્રેસ પ્રદેશ પ્રમુખો, વિવિધ રાજ્ય વિધાનસભામાં કોંગ્રેસના અગ્રણી નેતાઓની બનેલી વિસ્તૃત કારોબારી સમિતિને પક્ષ પ્રમુખ ખડગેએ સંબોધન કર્યું હતું. તેમણે 2024ની લોકસભા ચૂંટણીમાં કોઇપણ ભોગે નરેન્દ્ર મોદીને હરાવવાની હાકલ કરી હતી.

ખડગેના મતે આ દેશમાં કોંગ્રેસ પક્ષે બંધારણ તેમજ લોકશાહીનો પાયો નાખ્યો હતો અને તેથી તેનું રક્ષણ કરવાની જવાબદારી પણ કોંગ્રેસની છે.

ખડગેએ કહ્યું કે, ગાંધીએ 1924માં કોંગ્રેસનું પ્રમુખપદ સંભાળ્યું હતું અને તેથી 2024માં એ ઘટનાનું શતાબ્દી વર્ષ કહેવાય તેથી ભાજપને સત્તા પરથી દૂર કરવો એ જ ગાંધીને સાચી અંજલિ ગણાશે.

કોંગ્રેસ અધ્યક્ષે રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, તેલંગણા તથા મિઝોરમમાં ટૂંક સમયમાં યોજનાર વિધાનસભા ચૂંટણી માટે પક્ષને સજ્જ થવા પણ હાકલ કરી હતી.

આ પણ વાંચો :  એ પત્રકારોનો બહિષ્કાર નહીં પણ અસહકાર આંદોલનઃ કોંગ્રેસ

આ અગાઉ ગઇકાલે સીડબલ્યુસીના પ્રથમ દિવસે પણ કોંગ્રેસે વર્તમાન રાજકીય સ્થિતિની સમીક્ષા કરી હતી અને ભાવિ વ્યૂહરચના ઘડવાની ચર્ચા કરી હતી.

CWC બેઠકના આજે બીજા દિવસે કોંગ્રેસના ટોચના નેતાઓએ પક્ષ અને દેશને લગતા તમામ મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા ચાલુ રાખી હતી. હૈદરાબાદમાં આયોજિત બેઠકના પ્રથમ દિવસે બેરોજગારી અને મોંઘવારી સહિતની વિવિધ બાબતો પર ઠરાવ કરવામાં આવ્યો હતો.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ભાજપને હરાવવા માટે સંગઠનાત્મક એકતા અને અનુશાસન પર ભાર મૂક્યો હતો.

તેમણે બેઠકમાં જણાવ્યું હતું કે, “સંગઠનાત્મક એકતા અત્યંત મહત્વની છે; માત્ર એકતા અને અનુશાસન દ્વારા જ આપણે આપણા વિરોધીઓને હરાવી શકીએ છીએ”

ખડગેએ નેતાઓને પક્ષના હિતોને નુકસાન ન થાય તે માટે આત્મસંયમ રાખવા જણાવ્યું

તેમણે કહ્યું. “આપણે આત્મસંયમનો ઉપયોગ કરવો જોઈએ, અને અમારા નેતાઓ વિરુદ્ધ નિવેદનો સાથે મીડિયામાં જવાનું ટાળવું જોઈએ જેથી કરીને પક્ષના હિતોને નુકસાન ન થાય. વ્યક્તિગત હિતોને બાજુ પર રાખીને અથાક કામ કરવું જોઈએ, મતભેદોને બાજુ પર રાખીને પક્ષની સફળતાને પ્રાથમિકતા આપવી જોઈએ”

કર્ણાટક કોંગ્રેસના વડા અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે કહ્યું કે પાર્ટીનો એકમાત્ર એજન્ડા આ વર્ષના અંતમાં થનારી તેલંગાણા વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવવાનો છે.

આ પણ વાંચો : મલ્લિકાર્જુન ખડગેએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા, કહ્યું- મણિપુર અને નૂહની ઘટનાઓએ દેશની છબી ખરાબ કરી

Back to top button