કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદીને પત્ર લખીને હિમાચલમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનથી થયેલા નુકસાનને ‘રાષ્ટ્રીય આપત્તિ’ જાહેર કરવાની માંગ કરી છે. પ્રિયંકા ગાંધીએ લખ્યું કે 2013ની કેદારનાથ દુર્ઘટનાની જેમ હિમાચલની દુર્ઘટનાને પણ રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરવી જોઈએ. એક અંદાજ મુજબ ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનને કારણે રાજ્યને લગભગ 8.5 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
કોંગ્રેસ મહાસચિવે પત્રમાં શું લખ્યું છે ?
પત્રમાં પ્રિયંકા ગાંધીએ કેન્દ્ર સરકાર પાસે પીડિત પરિવારોને આર્થિક મદદ કરવાની માંગ કરી છે અને રાજ્યના પુનઃનિર્માણ માટે પણ અપીલ કરી છે. તમને જણાવી દઈએ કે ભારે વરસાદ અને પૂરના કારણે હિમાચલના કુલ્લુ અને મંડી જિલ્લામાં ભારે તારાજી સર્જાઈ હતી. પ્રિયંકા ગાંધીએ તાજેતરમાં હિમાચલ પ્રદેશના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. પત્રમાં તેમણે લખ્યું છે કે ‘હિમાચલ દેવતાઓની ભૂમિ હોવા ઉપરાંત ઈમાનદાર, સરળ અને મહેનતુ લોકોની ભૂમિ પણ છે. અહીંની મહિલાઓ, ખેડૂતો, કર્મચારીઓ, વેપારીઓ અને યુવાનો બધા જ મહેનતુ અને સ્વાભિમાની છે. આજે આ લોકો અભૂતપૂર્વ સંકટનો સામનો કરી રહ્યા છે. રાજ્યમાં પૂર અને ભૂસ્ખલનથી ભારે તબાહી સર્જાઈ છે.
13 હજારથી વધુ મકાનો ધરાશાયી થયા
પીએમ મોદીને લખેલા પત્રમાં પ્રિયંકા ગાંધીએ લખ્યું કે, તાજેતરમાં જ હું શિમલા, કુલ્લુ, મનાલી અને મંડી જિલ્લાના આપત્તિ પીડિતોને મળી હતી. આ બરબાદી જોઈને ખૂબ દુઃખ થયું. આ દુર્ઘટનામાં 428 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ દુર્ઘટનામાં ઘણા પરિવારોના તમામ સભ્યો મૃત્યુ પામ્યા હતા. મૃતકોમાં બાળકોનો પણ સમાવેશ થાય છે. તબાહીના આંકડા આપતા પ્રિયંકા ગાંધીએ લખ્યું કે રાજ્યમાં આ વિનાશમાં 16 હજાર પશુ-પક્ષીઓના મોત થયા છે. જેમાં 10 હજાર મરઘીઓ અને 6 હજારથી વધુ ગાયો અને ભેંસોનો સમાવેશ થાય છે. 13 હજારથી વધુ ઘરો સંપૂર્ણ અથવા આંશિક રીતે નાશ પામ્યા હતા.