અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

રાજ્યમાં ફરી મેઘમહેરની આગાહીઃ જાણો ક્યાં ક્યાં પડી શકે છે વરસાદ?

  • અમદાવાદીઓ પણ વરસાદથી ભીંજાશેઃ હવામાન વિભાગની આગાહી
  • વડોદરા, આણંદ, છોટાઉદેપુર, ભરૂચમાં ભારે વરસાદ પડવાની શક્યતા
  • સાર્વત્રિક વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી

અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાં ફરીથી વરસાદી માહોલ ઊભો થયો છે. ગુજરાતમાં વરસાદ લાવે તેવી બે સિસ્ટમ સર્જાતાં ફરી સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. પૂરેપૂરો ઓગસ્ટ મહિનો અને ચાલુ મહિનાના પહેલા અઠવાડિયા સુધી મેઘરાજા રિસાયેલા રહેવાથી ચિંતાતુર થયેલા ખેડૂતો માટે આ આગાહી રાહત આપનારી છે. આગામી તા. 16 અને 17 સપ્ટેમ્બરે રાજ્યભરમાં ફરી ભારે વરસાદની આગાહી હવામાન નિેષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે. ત્યારે અમદાવાદ સહિત વડોદરા, પંચમહાલ, પોરબંદર, જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, હળવદ, સુરેન્દ્રનગરનાં અનેક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદનાં લીધે નર્મદાનાં જળસ્તરમાં પણ વધારો થશે.

આગામી 16 થી 18 સપ્ટે સુધી ભારે વરસાદની શક્યતા

હવામાન વિભાગે જણાવ્યું હતું કે, દરિયામાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હોવાથી ગુજરાતમાં 16થી 18 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદ પડી શકે છે. 16 સપ્ટેમ્બરે છોટાઉદેપુર, નર્મદા, ડાંગમાં વરસાદ પડી શકે છે. જ્યારે 17 સપ્ટેમ્બરે આણંદ, પંચમહાલ, દાહોદ અને તાપીમાં વરસાદની શકયતા જોવા મળી રહી છે. તે જ રીતે 18 સપ્ટેમ્બરે અમરેલીમાં ભારે અને અમદાવાદમાં હળવા વરસાદની આગાહી વ્યક્ત કરાઈ રહી છે.

રાજ્યમાં ફરી મેઘમહેરની આગાહીઃ જાણો ક્યાં ક્યાં પડી શકે છે વરસાદ? hum dekhenge news

રાજ્યમાં હવે વરસાદની ટકાવારી 86.56 ટકા

ઓગસ્ટ મહિનામાં રાજ્યમાં માત્ર 25.49 મિમી વરસાદ નોંધાયો હતો. જ્યારે ચાલુ સપ્ટેમ્બર મહિનામાં અત્યાર સુધીમાં સરેરાશ 41.55 મિમી વરસાદ પડી ચૂક્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન પલસાણા બાદ નર્મદાના સાગબારા, દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા, સુરતના બારડોલી અને કામરેજમાં બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે નર્મદાના ડેડિયાપાડા, જામનગરના કાલાવાડ, તાપીના કુકરમુંડામાં એક ઈંચ વરસાદ પડ્યો હોવાના સમાચાર છે.

જગતનો તાત થયો ખુશખુશાલ

દરમિયાન, હવામાન વિભાગની સાર્વત્રિક વરસાદની આગાહીના પગલે રાજ્યના ખેડૂતો અને સામાન્ય લોકોને હાશકારો થયો છે. આજે પાટણ અને બનાસકાંઠાને છોડીને રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદ થવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી તપાસીએ તો રાજકોટ, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી અને ભાવનગરમાં વરસાદ થઈ શકે છે. આવતી કાલે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં હળવોથી મધ્યમ પ્રકારનો વરસાદ પડી શકે છે.આજે નર્મદા, ડાંગ, નવસારી અને તાપીમાં ભારે વરસાદ પડી શકે છે તો આવતી કાલે સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.

આ પણ વાંચોઃ સુરતમાં એક સાથે 10 વાહનોનો અકસ્માતઃ અનેક વાહનચાલકો ઇજાગ્રસ્ત

Back to top button