ગુજરાતમાં ઔદ્યોગિક અકસ્માતોનું પ્રમાણ વધ્યું, મોતનો આંકડો જાણી રહેશો દંગ
- રાજ્યના ઔદ્યોગિક એકમોમાં 587 પ્રાણઘાતક અકસ્માતો નોંધાયા
- રાજ્યમાં 3 વર્ષમાં 587 ઔદ્યોગિક અકસ્માતોમાં 698 શ્રમિકોનાં મોત
- ખેડૂત મૃત્યુ પામે તો રૂ.2 લાખ ચૂકવવાનું ધોરણ છે
ગુજરાતમાં ઔદ્યોગિક અકસ્માતોનું પ્રમાણ વધ્યું છે. જેમાં મોતનો આંકડો જાણી દંગ રહેશો. રાજ્યમાં 3 વર્ષમાં 587 ઔદ્યોગિક અકસ્માતોમાં 698 શ્રમિકોનાં મોત થયા છે. જેમાં શ્રમિકોનાં મોતની કિંમત માત્ર રૂ.1 લાખ છે. મૃત્યુના જુદા જુદા કિસ્સામાં વળતરનું સહાય ધોરણ એકસરખું હોવું જોઈએ તેવી લોક ચર્ચા છે.
આ પણ વાંચો: અમદાવાદમાં AMCદ્વારા ગણેશોત્સવની તૈયારી, રૂ. 6 કરોડના ખર્ચે 46 ગણેશ વિસર્જન કુંડ બનાવાશે
રાજ્યના ઔદ્યોગિક એકમોમાં 587 પ્રાણઘાતક અકસ્માતો નોંધાયા
ગુજરાતમાં છેલ્લા ત્રણ નાણાકીય વર્ષ દરમિયાન રાજ્યના ઔદ્યોગિક એકમોમાં 587 પ્રાણઘાતક અકસ્માતો નોંધાયા છે, જેમાં 698 શ્રમિકોના મોત નીપજ્યાં હતા અને 213 શ્રમિકો ઘાયલ થયા હતા. મૃતક શ્રમિકના વારસદારને માત્ર રૂ.1લાખ અને ઇજાના કિસ્સામાં માત્ર રૂ.50 હજારથી 25 હજાર સુધીની સહાય ચૂકવાય છે. માર્ગ અકસ્માતમાં મૃત્યુ થાય તો સીએમ રાહત ફંડમાં સહાય સહિત કુલ વળતર રૂ.4થી 8 લાખ ચૂકવાય છે, ખેડૂત મૃત્યુ પામે તો રૂ.2 લાખ ચૂકવવાનું ધોરણ છે, આમ રાજ્યમાં મૃતકના કિસ્સામાં અલગ અલગ ધોરણની પદ્ધતિ નાબૂદ કરી એક સરખું વળતર ચૂકવાવું જોઈએ તેવી માગ થઈ રહી છે.
આ પણ વાંચો: ગુજરાતના પૂર્વ IPS અને ભાજપના ધારાસભ્ય પી.સી. બરંડાના ભિલોડા સ્થિત ઘરમાં લૂંટ
ઔદ્યોગિક અકસ્માતો સંદર્ભે કાયદાના ભંગ બદલ કુલ 599 ફોજદારી કેસો કરાયા
વિધાનસભામાં જાહેર થયેલી વિગતો પ્રમાણે 2020-21માં 179, 2021-22માં 198 અને 2022-23માં 210 પ્રાણઘાતક અકસ્માતો ઔદ્યોગિક એકમોમાં સર્જાયા હતા, અનુક્રમે 217, 232 અને 249 શ્રમિકો મૃત્યુ પામ્યા હતા. આ આંકડા દર્શાવે છે કે, રાજ્યમાં ઔદ્યોગિક અકસ્માતોનું પ્રમાણ અને શ્રમિકોના મોતનું પ્રમાણ ક્રમશઃ વધી રહ્યું છે. રાજ્ય સરકાર તરફથી એવી પણ જાણકારી અપાઈ હતી કે, આ ઔદ્યોગિક અકસ્માતો સંદર્ભે કાયદાના ભંગ બદલ કુલ 599 ફોજદારી કેસો કરાયા છે.