આજે શ્રાવણ માસની પૂર્ણાહુતિઃ અમાસના દિવસે શિવાલયોમાં ભક્તોની ભીડ
- સવારથી જ ભક્તો શિવભક્તિમાં લીન બન્યા
- બે અમાસ હોવાથી શનિવારથી ભાદરવો શરૂ
- શ્રાવણના અંતિમ દિવસે ધાર્મિક કાર્યોનું આયોજન
ભગવાન ભોળાનાથના ભક્તોને આ વર્ષે એક નહીં પણ બે-બે શ્રાવણનો એમ મહાદેવની ભક્તિનો બેવડો અવસર મળ્યો છે. અધિક શ્રાવણના કારણે આ વખતે શ્રાવણ માસના કુલ 59 દિવસો હતા. આ પ્રકારનો યોગ ૧૯ વર્ષ બાદ બન્યો હતો. આજે શ્રાવણ માસનો અંતિમ દિવસ છે. વર્ષ દરમિયાન કુલ 12 અમાસ આવે છે. અધિક માસના સંજોગોમાં આ સંખ્યા 13 સુધી પહોંચી હતી. આ તમામ અમાસમાં શ્રાવણી અમાસનું એક આગવું મહત્ત્વ હોય છે, કારણ કે આ શ્રાવણ માસનો અંતિમ દિવસ હોઈ શિવકૃપા અર્થે સર્વોત્તમ મનાય છે.
ભક્તો બન્યા શિવભક્તિમાં લીન
આજે ભક્તો શિવભક્તિમાં લીન બન્યા છે. આ વખતે બે અમાસ હોઇ. આવતી કાલે પણ અમાસ છે. ભાદરવો મહિનો શનિવારથી શરૂ થશે અને મંગળવારના રોજ ગણેશચતુર્થી ઉજવાશે. શિવાલયોમાં ભક્તોની ભીડ છેલ્લા બે દિવસ સુધી ચાલુ રહેશે. શ્રાવણના અંતિમ દિવસે શ્રદ્ધાળુઓ પૂજા-ઉપવાસ વ્રત સહિત અનેક ધાર્મિક કાર્યો કરશે. શ્રાવણ માસના અંતિમ દિવસની પૂજા ભક્તોના સઘળા મનોરથોને પૂર્ણ કરનારી સાબિત થઈ શકે છે. અમાસને ધર્મગ્રંથોમાં પર્વ કહેવામાં આવે છે. આ તિથિએ પિતૃઓની ખાસ પૂજા કરવામાં આવે છે. જ્યોતિષની દૃષ્ટિએ આ દિવસે સૂર્ય અને ચંદ્ર એક જ રાશિમાં આવી જાય છે. આ બંને ગ્રહો વચ્ચેનું અંતર શૂન્ય થઈ જાય છે. દર મહિનાની અમાસના દિવસે કોઈ ને કોઈ વ્રત કે પર્વ ઊજવવામાં આવે છે.
અમાસે મળે છે પિતૃઓના આશીર્વાદ
હિંદુ ધર્મમાં શ્રાવણ માસનું વિશેષ મહત્ત્વ છે. શ્રાવણ માસમાં ભગવાન શિવની વિધિ અનુસાર પૂજા અને વ્રત કરવામાં આવે છે. શિવપુરાણ અનુસાર શ્રાવણ મહિનામાં ભગવાન શિવ અને પાર્વતી માતા પૃથ્વી પર નિવાસ કરે છે. આ કારણોસર આ માસમાં પૂજા કરવાથી ધન-ધાન્યની પ્રાપ્તિ થાય છે. ઉપરાંત અમાસના દિવસે પિતૃઓના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે.
સોમવાર અને ગુરુવારે આવતી અમાસ શુભ
જ્યોતિષમાં અમાસને રિક્તા તિથિ કહેવામાં આવે છે એટલે આ તિથિમાં કરવામાં આવતા કામનું ફળ મળી શકતું નથી. અમાસના દિવસે મહત્ત્વપૂર્ણ ખરીદી કે વેચાણ અને અનેક પ્રકારનાં શુભ કામ કરવામાં આવતાં નથી. આ તિથિમાં પૂજાપાઠનું વિશેષ મહત્ત્વ છે. જ્યોતિષમાં અમાસને શનિદેવની જન્મ તિથિ માનવામાં આવે છે. આ તિથિમાં પિતૃઓ માટે કરવામાં આવેલું દાન અક્ષય ફળદાયક હોય છે. સોમવાર કે ગુરુવારે આવતી અમાસ શુભ માનવામાં આવે છે.
આજે આ રીતે કરજો પૂજા
આજની પૂજામાં સૂર્યદેવતાને અર્ઘ્ય આપો, પીપળાના વૃક્ષને જળ અર્પણ કરો, પૂજા કરીને પ્રદક્ષિણા ફરો. પીપળામાં ત્રિદેવનો વાસ હોવાની માન્યતા છે અને તેના પૂજનથી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેયના આશીર્વાદની પ્રાપ્તિ થાય છે. શ્રાવણી અમાસે પિતૃઓની શાંતિ અર્થે ઉપવાસ રાખવામાં આવે છે. ભોળાનાથને આકડાનું ફૂલ, બીલીપત્ર કે ધતૂરો અર્પણ કરવો. શ્રાવણી અમાસના રોજ શ્રીવિષ્ણુના મંત્ર-જાપ કરી શકાય છે. તેનાથી વ્યક્તિને જીવનની તમામ સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે.
આ પણ વાંચોઃક્યારે છે ગણેશ ચતુર્થી? તિથિની મુંઝવણ કરો દુરઃ આ છે શુભ મુહૂર્ત